કલા, સાહિત્ય અને સંગીતની સંસ્થા સેતુ-જાયન્ટ્સ સ્પોર્ટ્સ ક્લબના સયુંકત ઉપક્રમે
જેતપુરમાં આવતીકાલે કવિ સભાનું આયોજન.....
જેતપુર તા.૮ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરમાં કાર્યરત કલા, સહિત્ય અને સંગીતની સંસ્થા સેતુ અને જાયન્ટ્સ સ્પોર્ટ્સ કલબ જેતપુરના સયુંકત ઉપક્રમે આવતીકાલ તા.૧૦ ના રોજ રાત્રીના ૯-૦૦ કલાકે, ધોરાજી રોડ સ્થિત જાયન્ટ્સ સ્પોર્ટ્સ કલબ ખાતે કવિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
સાહિત્ય રસિકોના નિજાનંદ માટે યોજાનાર આ કવિ સભામાં કવિશ્રીઓ જગદીપ નાણાવટી(જેતપુર), ભરત ભટ્ટ(ટાણા), હરજીવન દાફડા(અમરેલી), સ્નેહી પરમાર(બગસરા), રમેશ મહેતા(જુનાગઢ) પોત પોતાની સ્વરચિત કવિતાઓનું પઠન કરશે.
કવિ સભા દરમિયાન સૌરાષ્ટ્રના ત્રણ જાણીતા લેખકોને સન્માનપત્રો આપી બહુમાન કરાશે. જેમાં ધાર્મિક, શૈક્ષણિક, સામાજિક અને સાહિત્ય ક્ષેત્રે ગજબનું ખેડાણ કરી સાહિત્ય જગતને 'સત્સંગ સરિતા', 'સત્સંગ કથા', 'સત્સંગ નારી રત્નો' જેવા ગ્રંથોના સર્જક શ્રી હરદાસભાઈ સાવલિયા, સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત અને સાહિત્ય જેવી કલાઓ તેમજ કૃષિ, વિજ્ઞાન, સમાજ, રાજનીતિ, ભૂગોળ, ઈતિહાસ, મનોવિજ્ઞાન જેવા વિષયોનો અગાધ અભ્યાસ કરી, ફુલછાબ, જન્મભૂમી જેવા અગ્રણી વર્તમાનપત્રોમાં પોતાની 'વટેમાર્ગુ' કોલમ દ્વારા ગુજરાતી સમાજને ચેતનવંતો બનાવવાના ભગીરથ પ્રયાસના અદના આદમી એવા નારણભાઈ પટેલ(જેતપુર-નવાગઢ), તથા ગુજરાત સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને ઈતિહાસિક સંશોધન ક્ષેત્રે જેઓએ અનન્ય કાઠું કાઢી ફૂલછાબમાં 'ડાયરો' કોલમ દ્વારા તત્વવક્ત, વર્ણિત વિષયનું સત્વ અને સૌન્દર્ય પ્રગટાવનાર અને 'એક હતો ભૂપત' પુસ્તકના લેખક જીતુભાઈ ધાધલને સેતુ સંસ્થા દ્વારા સન્માનપત્રો એનાયત કરી બહુમાન કરાશે. ત્યારે કલમના કસબીઓના થનારા સન્માનને તેમજ કવિ સભાને સફળ બનાવવા આયોજક સંસ્થાઓ સેતુના પ્રમુખ ગુણવંત ઘોરડા, ઉપ પ્રમુખ જનક પટેલ, મંત્રી જીતેન્દ્ર જાખરીયા તથા જાયન્ટ્સ સ્પોર્ટ્સ કલબના પ્રમુખ રમેશ બોસમીયા વી. ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
(કશ્યપ જે. જોશી – પત્રકાર – જેતપુર – જેતલસર – ૯૯૭૪૨ ૬૨૮૧૨ )
રાજકોટ જીલ્લામાં ફૂલ પગારની રાહ જોતા વિદ્યાસહાયકોની
શિક્ષણ તંત્ર દિવાળી બગાડશે કે સુધારશે ?!
જેતપુર સહીત તાલુકાના વિદ્યાસહાયકોએ રાજકોટ ડીઈઓને આપેલ આવેદન
જેતલસર તા. ૮ (કશ્યપ જોશી દ્વારા)
ગુજરાતના ૧૨ રાજ્યોમાં રાજ્યના શિક્ષણતંત્રએ વિદ્યાસહાયકોના વધારેલ ફૂલ પગારની વાતમાં રાજકોટ જિલ્લાને બાકાત રખાતા, જેતપુર, ગોંડલ, ધોરાજી, ઉપલેટા સહિતના તાલુકાના વિદ્યાસહાયક ભાઈ બહેનોએ રાજકોટ ખાતે દોડી જઈને જીલ્લા શિક્ષણાધિકારીને આવેદન આપી ઘટતું કરાવવાની માંગ દોહરાવી હતી.
આ બાબતે મળતી વિગતો મુજબ આજથી પાંચ વર્ષ પહેલા રાજ્યના શિક્ષણ ખાતા દ્વ્રારા એકીસાથે દસ વિદ્યાસહાયકોની ભરતી કરાતા ગુરુજી બની શિક્ષણ આપવા વિચારતા વિદ્યાસહાયકોમાં રાજીપો છવાયો હતો. જો કે આ તમામને ફિક્સ વેતનમાં અને પાંચ વર્ષ પછી ફૂલ વેતનમાં સમાવવાની સરકારની યોજના હતી.
આ વાત ધ્યાને લઈએ તો જુલાઈ ૨૦૧૦ માં વિદ્યાસહાયકો તરીકે જોડાનાર ઉમેદવારોના પાંચ વર્ષ આ વર્ષે જુલાય ૨૦૧૫ માં પૂર્ણ થતા તમામ વિદ્યાસહાયકો આનંદમાં ઝૂમી ઉઠ્યા હતા કે હાશ, ફિક્સ વેતનની બંધણીમાંથી મુક્ત થઈને હવે ફૂલ પગાર મળશે.
પણ વિદ્યાસહાયકોની આવી આશા પર પાણી ફરી વળ્યું હોય તેમ, ગુજરાત રાજ્યના ૧૨ જિલ્લાઓમાં તા.૫-૭-૨૦૧૦ ની ભરતીવાળા વિદ્યાસહાયકોને ફૂલ પગારમાં સમાવી લેવાયા છે. પણ રાજકોટ જીલ્લાના અમુક વિદ્યાસહાયક ઉમેદવારોને અમુક શબ્દોની આંટીઘૂંટીમાં લઈને ફૂલ વેતનની વાતમાંથી બાકાત રાખ્યા છે.
આ વાતના રોષ અને વિરોધ વંટોળ વચ્ચે મંગળવારે જેતપુર તેમજ આજુબાજુના તાલુકાના વિદ્યા સહાયકો રાજકોટ ખાતે દોડી જઈને જીલ્લા શિક્ષણાધિકારી ચેતનાબેન વ્યાસને તેઓની સાથે થયેલા અન્યાયને સુધારવા તેમજ મદદ કરવા જણાવ્યું હતું. ત્યારે શિક્ષણ તંત્ર રાજકોટ જીલ્લાના વિદ્યાસહાયકોની દિવાળી સુધારશે કે બગાડશે ? તે વાત પર વિદ્યાસહાયકોની મીટ મંડાઈ છે.
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર
જેતપુરના ખજૂરી ગુંદાળા ગામમાં ફેલાતા ગંદા
પાણીથી ગ્રામજનો ત્રસ્ત..ટીડીઓને રજૂઆત..
જેતલસર તા. ૮ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર તાલુકાના ખજૂરી ગુંદાળા ગામે ફેલાતા ગંદા પાણીની વાજ આવી ગયેલા ગ્રામજનોએ ગઈકાલે જેતપુર આવી તાલુકા વિકાસ અધિકારી સહિતના સત્તાધીશોને લેખિત રજૂઆત કરી હતી.
ખજૂરી ગુંદાળાના દિનેશભાઈ શંભુભાઈ હીરાણી, દામજીભાઈ ભુરાભાઈ સાકરીયા, ભાયાભાઈ ડેર, નરશીભાઈ ગોંડલિયા, રાણાભાઇ રબારી, ગોપાલભાઈ બુટાણી વિગેરે ગ્રામજનોએ જેતપુર તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, જેતપુરના આરોગ્ય વિભાગ, ડેપ્યુટી કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી તથા રાજકોટ જીલ્લા કલેકટર, વિગેરેને રજૂઆત કરી જણાવ્યું છે કે, ગામમાંથી પસાર થતા વાડાસડા-દેવળકી જવાના મુખ્ય જુના રોડ પર આખા ગામનું ગંદુ પાણી ભેગું થતું હોય અહીંથી પસાર થનાર રાહદારી કે વાહન ચાલક માટે આ વાત માથાના દુખાવા સમાન બની ગઈ છે.
આ રોડના બંને કાંઠે રહેતા ઉપરોક્ત ગ્રામજનોનો આક્ષેપ છે કે આ બાબતે અવાર નવારની રજુઆતો પછી પણ સ્થાનિક સરપંચ કે જેતપુર બિરાજતા કોઈ અધિકારીઓ આ વાતના નિરાકરણ માટે લેશમાત્ર પ્રયાસ કરતા નાં હોય, ગ્રામજનોના આરોગ્ય ઉપર ખતરો પેદા થયો છે. હાલ ગુજરાતમાં અનેક શહેરો અને ગામડાઓમાં ડેન્ગ્યું તેમજ સ્વાઈનફ્લુ જેવા તાવના વાયરાઓ ઉદ્ભવી રહ્યા છે, મેલેરિયા અને ટાઈફોડ જેવા તાવથી અનેક લોકો પીડાઈ રહ્યા છે, ત્યારે ખજૂરી ગુંદાળાની પ્રજા પણ કોઈ ભયંકર રોગના અજગર ભરડામાં ફસાઈ જઈ તે પહેલા લાગતા વળગતા સત્તાધીશો યોગ્ય કરાવે તેવી ફરિયાદી ગ્રામજનોની માંગ છે.
કશ્યપ જે. જોશી જેતલસર
જેતપુરમાં સમસ્ત બ્રહ્મ સમાજના
સમૂહ લગ્ન-યજ્ઞોપવિતનું આયોજન
જેતલસર તા. ૮ (કશ્યપ જોશી દ્વારા)
સમસ્ત બ્રહ્મ સમાજ જેતપુર દ્વારા આગામી તા.૬-૧૨-૨૦૧૫ ના રોજ અહી ૨૧ સમૂહ લગ્ન અને ૨૧ બટુકોને સામુહિક યજ્ઞોપવીત ધારણ કરાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ બંને કાર્યક્રમોમાં જોડવા ઇચ્છતા બટુકો અને યુવક યુવતીઓના વાલીઓએ તા.૬-૧૧-૨૦૧૫ સુધીમાં ફોર્મ ભરી પરત કરી જવા અનુરોધ કરવામાં આવ્યો છે. લગ્ન અને યાગ્નોપવીતની વિશેષ જાણકારી અને ફોર્મ માટે જેન્તીભાઈ જોશી, હિતેશભાઈ રાવલ, ઉપેન્દ્રભાઈ વ્યાસ, પ્રવીણભાઈ વ્યાસ, આશિષ ભાઈ પંડ્યાનો સંપર્ક સાધવા જણાવ્યું છે.
કશ્યપ જે. જોશી જેતલસર
સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જેતપુરમાં
૧૬-૧૭ ઓક્ટોબરે રાસોત્સવનું આયોજન
જેતલસર તા. ૮ (કશ્યપ જોશી દ્વારા)
સમસ્ત બ્રહ્મસમાજ જેતપુર દ્વારા તા,૧૬ અને ૧૭ ઓક્ટોબર નારોજ અહીના અમરનગર રોડ પર વિવેકાનંદ શાળા ખાતે નવરાત્રી નિમિત્તે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ૧૬ ના રોજ રાત્રીના ૮ કલાકે બ્રહ્મપરિવારો માટે રાસોત્સવ યોજાશે. જયારે તા.૧૭ ના રોજ માત્ર બહેનો માટે આશિષ પંડ્યાના રમઝટ ગ્રુપ દાંડિયા રાસ કલાસીસ દ્વારા ઓપન જેતપુર રાસોત્સવ યોજાશે. ભૂદેવ આયોજક મિત્રો અને વડીલોના સહકાર વચ્ચે યોજાનાર રાસોત્સવને દિપાવવા રાજ્ય મંત્રી જયેશભાઈ રાદડિયા, બ્રહ્મ સમાજ જેતપુરના મોભી વી.આઈ.પંડયા, પાલિકા પ્રમુખ શારદાબેન બારોટ, ઉપ પ્રમુખ પ્રમોદભાઈ ત્રાડા, નાયબ મામલતદાર નિખીલભાઈ મહેતા, વિગેરે ખાસ હાજર રહેનાર હોય ભૂદેવ પરિવારજનોએ મોટી સંખ્યામાં હાજર રહેવા પ્રોજેક્ટ ચેરમેન ઉપેન્દ્ર વ્યાસ, કાળુભાઈ જોશી, મહિલા બ્રહ્મ સમાજ પ્રમુખ નીતાબેન મહેતા, યુવા પાંખના પ્રમુખ અલ્પેશ વ્યાસ, હિતેશ રાવલ, રાજુભાઈ શીલુ વિગેરેનો અનુરોધ છે.
કશ્યપ જે. જોશી જેતલસર




































