જેતપુરના મહાત્મા ગાંધી રોડ પર ગટરના ગંધાતા પાણી
જૈન મંદિરમાં ઘુસતા હોવાની રાવ પાલિકા તંત્ર
છેલ્લા 1 વર્ષ થયા ધ્યાને લેતું ના હોવાનો આક્ષેપ !
પાલિકાના દંડક અશોક મંગલાણી કહે છે કે જેતપુરમાં શહેર ભાજપ પ્રમુખ પણ જૈન છે !
પણ તેઓ કોઈ દિવસ આ સમસ્યા હલ નાં કરાવી શક્યા !? જૈન મુનીઓમાં પણ રોષ !
જેતલસર તા.20
જેતપુરના એમ જી રોડ પરની ગટરો સાફ કરવામાં તંત્રની ભારોભાર આળસથી ગંધાતા ગટરના પાણી આ રોડ પરના એક જૈન મંદિરમાં ઘુસતા હોય, દિન પ્રતિદિન દુભાતી જતી જૈન ધર્મીઓની લાગણીને રાજીપામાં ફેરવવા જેતપુર પાલિકાના દંડક અશોક મંગલાણીએ માંગ કરી છે.
મળતી વિગતો મુજબ જેતપુરના મહાત્મા ગાંધી રોડ પર જતા જમણી બાજુએ જૈન સમાજનું દિગંબર જૈન મંદિર આવેલું છે. આ મંદિરના દરવાજાને અડકીને જ નીકળતી ગટર નિયમિત સાફ થતી ના હોય, ગંધાતા પાણી જૈન મંદિરમાં ઘુસી જતા હોય, દર્શનાર્થે આવતા જતા જૈન ભાવિકોમાં રોષ ફેલાયો છે. આ બાબતે જૈન સમાજના અમુક આગેવાનોએ છેલ્લા એક વરસ થયા સ્થાનિક પાલિકા તંત્ર, રાજકોટ જીલ્લા કલેકટર વિગેરેને રજુઆતો કરી આ કાયમી સમસ્યા હલ કરવા અવારનવાર માંગો કરી છે પણ, આ અંગે જેઓની જવાબદારી થાય છે તેવા જેતપુર પાલિકા સુત્રો આ બાબતે કઈ ઘટતું કરાવતા ના હોય હવે આ પ્રશ્ન જેતપુર પાલિકાના દંડક-સદસ્ય અને સિંધી સમાજના આગેવાન અશોકભાઈ મંગલાણીએ હાથમાં લઇ પોતાની મહેનત કામે લગાડી છે, ત્યારે તંત્ર શું કરશે ? તે તરફ જૈન સમાજના લોકોની મીટ મંડાઈ છે.
બોક્સ: દિગંબર મુનીઓ ગંદકી જોઇને ચાલ્યા જાય છે !
જેતલસર : જેતપુરમાં રહેતા અને જૈન સમાજના અમુક આગેવાનો અને કાર્યકરોએ જણાવેલ કે, દિગંબર જૈન મુનીઓ વરસ દરમિયાન સમયાંતરે આ જૈન મંદિરની મુલાકાતે વિહાર કરતા કરતા આવી પહોંચતા હોય છે. પણ ખરાબ અને ગટરના ગંધાતા પાણી જૈન મંદિરના પ્રવેશ દ્વારમાંજ ભરાયેલા જોઇને, દિગંબર મુનીઓ જૈન મંદિરમાં પ્રવેશવાને બદલે પાછા ચાલ્યા જાય છે. અને તે એટલા માટે કે તેઓને હિંસા ગમતી નથી. પાણીમાં અસંખ્ય જીવાણુઓ હોય છે, જેને ઠેકીને કે કચરીને મંદિરમાં પ્રવેશવાનું મુનીઓ મુનાશીબ માનતા નથી.
બોક્સ: શહેર ભાજપ પ્રમુખ જૈન ! તેઓને આ સમસ્યા નથી દેખાતી ?
જેતલસર: જેતપુર પાલિકાના સદસ્ય અશોક મંગલાણીએ એક દુખની વાત વ્યક્ત કરતા જણાવેલ કે ભાઈ જેતપુર શહેર ભાજપના પ્રમુખ કિશોરભાઈ શાહ જૈન સમાજના જ અગ્રણી છે. તેઓને પોતાના ધર્મના મંદિરની આવી દુર્દશા કેમ દેખાતી નથી ? કે હલ કરવા કેમ જાગતા નથી ? તે એક ચર્ચાસ્પદ વિષય કહેવાય !!
ફોટો અને સમાચાર કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર
































