અનુયાયીઓ

ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2015

વોંકળીમાં ખદબદતી ગંદકીથી પ્રજા ત્રસ્ત સફાઈ માટે કોઈ ફરકતું ના હોવાની રાવ

જેતપુરના કોટડીયા વાડી વિસ્તારમાં પટેલ સમાજની વાડીની પાછળ
વોંકળીમાં ખદબદતી ગંદકીથી પ્રજા ત્રસ્ત 
સફાઈ માટે કોઈ ફરકતું ના હોવાની રાવ 
જેતપુર તા.17    ( કશ્યપ જોશી દ્વારા) 
જેતપુર શહેરના કોટડીયા વાડીમાં આવેલ ત્રિનેત્ર મહાદેવ મંદિર નજીકની એક વોંકળીમાં ખદબદતી ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લત્તાવાસીઓએ પાલિકા તંત્ર ગટર સાફ કરવા કે વોંકળી સાફ કરવા મહિનો સુધી ફરકતા ના હોવાના આક્ષેપો કર્યા છે.
મળતી વિગતો મુજબ શહેરના કોટડીયા વાડી વિસ્તારમાં આવેલ પટેલ સમાજ વાડી પાછળની વોંકળી સાફ કરવા પાલિકા તંત્રનો એકેય સફાઈ કામદાર ફરકતો ના હોય, અહી જમા થયેલી ગંદકીથી લત્તાવાસીઓમાં ભયંકર રોગચાળાની દહેશત સેવાઈ રહી છે.
આજે એક મુલાકાત દરમિયાન અનિલભાઈ પંડયા, અશોકસિંહ વાળા, ચીનાભાઈ, લાલભાઈ ચૌધરી, હર્ષદભાઈ વિગેરે રહેણાંક મકાનોના આસામીઓએ દોડી આવી ઉગ્રવેશે જણાવ્યું હતું કે તેઓના વિસ્તારની આ વોંકળીની સમસ્યા દુર કરવા પાલિકાને અનેક વખત લેખિતમાં રજુઆતો કરી હોવા છતાં કોઈ ધ્યાન આપતું ના હોય અહી ગંદકીના સામ્રાજયથી લત્તાવાસીઓ ત્રાસી ગયા છે. લત્તાવાસીઓએ પોતાની પારાવાર હાલાકી અને મુશ્કેલી બતાવતા એમ પણ જણાવેલ કે ચોમાસાના સારા વરસાદ સમયે આ ગંદકીવાળી વોંકળી છલકાઈને કોટડીયા વાડી વિસ્તાર, આગળ આવતી આસોપાલવ સોસાઈટી, લક્ષ્મીનગર સોસાઈટી વી. ના રહેણાંક મકાનોમાં ગંધાતા પાણી ઘુસી જાય છે. આ બાબતે તાત્કાલીલ સંબંધિત સત્તાધીશો ફરિયાદ વાળી જગ્યાએ પહોંચી જઇ, પ્રજાની ફરિયાદ હલ કરે તેવી પ્રજા માંગ પ્રબળ બની છે.

બોક્સ: વોંકળી પર પુલ બનાવો 
જેતપુર : કોટડીયાવાડી, લક્ષ્મીનગરના લત્તાવાસીઓ અશોકસિંહ વાળા, અનિલભાઈ પંડયા વિગેરેએ જણાવેલ કે પ્રતિ ચોમાસા દરમિયાન આ વોંકળી આવી ઘરોમાં પાણી ઘૂસવાની સમસ્યા પેદા કરતી હોય તેઓએ અવારનવાર અહી પુલ બનાવવા માંગણી દોહરાવાઈ છે. પણ તંત્ર ધ્યાન આપતું નથી.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 
 

મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2015

જેતલસર થી જેતપુર સુધીના બિસ્માર રોડને રીપેર કરવા માંગ

જેતલસર થી જેતપુર સુધીના બિસ્માર રોડને રીપેર કરવા માંગ 
જેતલસર તા.15
જેતપુરથી જુનાગઢ જતો રોડ જેતલસર સુધી બિલકુલ બિસ્માર બન્યો હોય તાકીદે રીપેર કરવા માંગ ઉઠી છે.
આ અંગેની વિગતો મુજબ જેતપુર થી જુનાગઢ જતો રોડ જેતલસર સુધી ખખડધજ બન્યો હોય, વાહન ચાલકો ત્રાસી ગયા છે. આ વાત સરકારી તંત્ર જાણતું હોવા છતાં કોઈ કામગીરી હાથ ધરતું ના હોય વાહન ચાલકોમાં રોષ ફાટી નીકળ્યો છે. જેતપુર પાલિકાના સદસ્ય અરવિંદ વણઝારા જણાવે છે કે જેતપુર થી જેતલસર સુધીના જુનાગઢ રોડ પર કોલેજ, સ્વમીનાયારણ મંદિર, જલારામ મંદિર તેમજ શાળાઓ આવેલી હોય, ટ્રાફિક ખુબ રહેતો હોય જર્જરિત રોડથી સૌ કોઈ ત્રાસી ગયા છે. રોજ બરોજ અનેક અકસ્માતો બન્યા હો પણ બની ગયા છે. જાણકારોએ તો ત્યાં સુધી કહ્યું કે જેતલસર થી જેતપુર કે જેતપુરથી જેતલસર સુધીના રોડ પર જો કોઈ સગર્ભા મહિલાને લઇ જવાય તો રસ્તામાંજ પ્રસુતિની ઘટનાં બની જાય તેટલી હદે આ રોડ ખરાબ થયો છે. લાગતું વળગતું સરકારી તંત્ર તાત્કાલિક આ રોડ રીપેર કરાવે તે જરૂરી છે.
કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 9974262812



અટકેલા વિકાસના કામો અને સમસ્યાઓથી ઘેરાયેલ જેતપુર શહેરને ઉગારવા પાલિકા સદસ્યની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત

અટકેલા વિકાસના કામો અને સમસ્યાઓથી ઘેરાયેલ જેતપુર 
શહેરને ઉગારવા પાલિકા સદસ્યની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત 
શહેરમાં માઝા મૂકતી ગંદકી, ગોબરા બગીચાની હાલત સુધારવા, પાણી લીકેજીંગ બંધ કરવા, રોડ રસ્તા સુધારવા, અને બંધ લાઈટો ચાલુ કરવા માંગ.

જેતપુર તા.15
જેતપુર શહેરમાં અનેકવિધ સમસ્યાઓ અને પ્રશ્નોનું તાકીદે નિવારણ લાવવા પાલિકા સદસ્ય અશોકભાઈ મંગલાણીએ ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું છે.
અરજદારે રજુઆતમાં જણાવ્યું છે કે શહેરમાં આવેલા મોટાભાગના બાગ બગીચાની માવજત માટે તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું હોય તેમ બગીચામાં કોઈ સાફ સફાઈ થતી નથી, ઘાંસ કપાતું નથી, તૂટેલા બાંકડા રીપેર કરતા નથી, પાણીના ફુવારા બંધ છે તો લાઈટો લબુક ઝબુક થયા કરે છે.

શહેરમાં 300 જગ્યાએ પાણીની પાઈપલાઈનોમાં લીકેજીંગ હોય, લાખો ગેલન પાણીનો બગાડ થતો હોવાનો અશોકભાઈનો આક્ષેપ છે. એક તો ત્રણ ચાર દિવસે પાણી વિતરણ કરાય છે અને લીકેજીંગ રીપેર કરવા તંત્ર સમજતું નથી..આ વાત સામે તંત્ર જૂની કેસેટ વગાડે છે કે માણસો નથી, તો તાજેતરમાં 60 થી 70 માણસોને છુટા કરવાનું શું કારણ ? તેવો અરજદારનો અણીયારો પ્રશ્ન છે.

પાલિકાની બાંધકામ શાખા ઘોર નિંદ્રામાં પડી હોઈ તેમ શહેરના મોટાભાગના રોડ રસ્તાઓ પર નાના મોટા ખાડા બુરવા કોઈ દિવસ પ્રયાસ હાથ ધરાતો નથી. ઘણા સમય થયા આ શાખામાં નાનું મોટું પરચુરણ કામો કરી રહેલા અમુક મજુરોને છુટા કરી તંત્રે હાથે કરીને રોડ રસ્તાની હાલત ના સુધારવી હોય તેવી નીતિ અખત્યાર કરી છે.

હેરના મતવા શેરીની સામે આવેલ મુતરડી સહીત અનેક જગ્યાએ ખદબદતી ગંદકીથી પ્રજા ત્રાસી ગઈ છે. કચરાનો કોન્ટ્રાક્ટ શહેરમાં અમલી છે કે નહિ ? તે અરજદારને સમજાતું નથી. સફાઈ બાબતે જેતપુર પાલિકાને એવોર્ડ મળેલ છે, પણ આ એવોર્ડની આબરૂ વધારવાને બદલે સંબંધિતો કોઈ બીજા જ વહીવટમાં પડ્યા હોવાનો અશોકભાઈનો આક્ષેપ છે. પ્રજાને સફાઈ કર ભરવાનું માથે પડે છે કારણ રહેણાંક મકાનોના અને દુકાનોના આસામીઓ તો પોત પોતાના આંગણા જાતેજ સાફ કરે છે.

શહેરની એવી કોઈ ગલી કે નાકું નથી કે જ્યાં ખોદાયેલા રોડ ના હોય, તંત્રને જયારે રજુઆત કરાય છે ત્યારે જવાબ મળે છે કે તે ભૂગર્ભ ગટર બનાવતા તંત્રે કર્યું છે ! તો શું આવી કામગીરીનો કોન્ટ્રાક્ટ રાખનાર સંબંધિતોને શહેરના રોડ રસ્તાઓની આવી હાલત કરી દેવાની છૂટ અપાઈ હશે કે શું ? પાલિકા તંત્ર તેઓને કાઈ કહી ના શકે ? તેવો રાજુઆતકર્તાનો પ્રશ્ન છે. 

શહેરના મોટાભાગના રોડ રસ્તા પર સોડીયમ લેમ્પ ઉતારી એલઈડી લાઈટો લગાવાઈ છે, પણ આ લાઈટો પુરતો પ્રકાશ નાં આપતી હોય રોડ પર અંધારા ઉતરી આવ્યા છે. તંત્રે આ બાબતે તાત્કાલિક કોઈ બીજો નિર્ણય લઈને પુરતી લાઈટ વ્યવસ્થા કરવી જોઈએ.

બોક્સ: સૌથી વધુ કરવેરા ભરતા સાડી ઉદ્યોગને સુવિધામાં મીંડું !
જેતપુર : અરજદાર પાલિકા સદસ્ય અશોકભાઈ મંગલાણી સૌથી મહત્વના અને પાલિકા તંત્રને નીચાજોણું થાય તેવો પ્રશ્ન રજુ કરતા જણાવેલ છે કે રહેણાંક વિસ્તારમાં તો ઠીક કોઈ સુવિધાના ઠેકાણા નથી પણ સૌથી વધુ હાઉસટેક્સ, શિક્ષણ ઉપકર, સફાઈ અંને દીવાબત્તી સહીત તમામ કરવેરા ભરનાર જેતપુર સાડી  ઉદ્યોગના કારખાના સુધી પહોંચવા પાલિકા તંત્રએ કોઈ દિવસ કોઈ રોડ રસ્તા બનાવ્યા નથી.

બોક્સ: તો..આત્મવિલોપન કરતા પણ અચકાઈશ નહિ !!
જેતપુર: જેતપુર પાલિકાના સદસ્ય અશોકભાઈ મંગલાણીએ રજુઆતમાં જણાવ્યું છે કે જેતપુર શહેરને કોરી ખાતા ઉપરોક્ત પ્રશ્નો પરત્વે તેઓએ પાલિકાના ચીફ ઓફિસરને અનેક વખત રજુઆતો કરી છે પણ તંત્ર જાણી જોઇને આંખ આડા કાન કરતુ હોય જો તેઓના પ્રશ્નો તાત્કાલિક હલ નહિ કરાય તો તેઓ આંદોલન અને આત્મવિલોપન કરતા પણ અચકાશે નહિ !
કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 9974262812

પોરબંદરના સાંસદ રાદડિયાની નવમી વખત રકતતુલા કરાશે

સદભાવ બ્લડ ડોનેટ ટ્રસ્ટ નવાગઢ દ્વારા 
પોરબંદરના સાંસદ રાદડિયાની 
નવમી વખત રકતતુલા કરાશે
જેતપુર તા.15
જેતપુર નવાગઢમાં અગાઉ 86 વખત સફળ રક્તદાન કેમ્પોના આયોજનો કરનાર સદભાવ બ્લડ ડોનેટ ટ્રસ્ટ નવાગઢ દ્વારા આગામી 27-9-2015 ના રોજ, પટેલ સમાજની વાડી નવાગઢ ખાતે સાંજે 6 : 00 કલાકે પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાની નવમી વખત રક્ત,  સાકર અને ધન તુલા કરવાનું આયોજન કરાયું હોવાનું ટ્રસ્ટ પ્રમુખ અનીલ કાછડિયા( જેતપુર પાલિકા સદસ્ય) જણાવે છે.
તેઓએ વધુમાં જણાવેલ કે તેઓના ટ્રસ્ટ દ્વારા ભૂતકાળમાં ચાંપરડાના મહંત મુક્તાનંદ બાપુ, જયેશભાઈ રાદડિયા, વિઠ્ઠલભાઈ રાદડિયા, ગોવિંદભાઈ રાણપરીયા, જસુબેન કોરાટ, લાલજીભાઈ સાવલિયા વિગેરેની રક્ત્તુલાના સફળ કેમ્પના આયોજનો થયા હતા. આગામી રક્તદાન કેમ્પમાં પણ રકતદાતાઓ રક્તદાન માટે ઉમટી પડે તેવી હાકલ કરાઈ છે.
કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 9974262812



12 હજાર રેશનકાર્ડમાં કાર્ડધારકોના તોછડાઈભર્યા નામો લખાતા સાંકરોળાના સરપંચ સહીત ગ્રામજનોનું મામલતદારને આવેદન

12 હજાર રેશનકાર્ડમાં કાર્ડધારકોના તોછડાઈભર્યા નામો લખાતા 
સાંકરોળાના સરપંચ સહીત ગ્રામજનોનું મામલતદારને આવેદન 
45 દિવસમાં ઘટતું નાં કરાય તો આ વાતને કોર્ટમાં લઇ જવા અને આંદોલન છેડવાની સરપંચની ચીમકી 

જેતલસર તા.15
ભેંસાણ પુરવઠા તંત્રના અમુક આળસુ સ્ટાફે આશરે 12000 નવા બારકોડેડ રેશનકાર્ડમાં તુકારા અને તોછડાઈભર્યા કાર્ડધારકોના નામ લખ્યા હોય, તાકીદે કોઈ પણ સુધારા અરજી વગર દિવસ 45 માં રેશન કાર્ડ નહિ સુધારાય તો આ વાતને કોર્ટમાં પડકારીને ઉપવાસ આંદોલન છેડવાની સાંકરોળાના સરપંચ પ્રવીણભાઈ સોજીત્રાએ ચીમકી ઉચ્ચારતું એક આવેદન ગઈ કાલે ભેંસાણના મામલતદારને સુપ્રત કર્યું હતું.

મળતી વિગતો મુજબ ભેંસાણ તાલુકાની પુરવઠા કચેરીના સંબંધિત અને નવાણીયા સ્ટાફે ભેંસાણ તાલુકાના મોટાભાગના જુનામાંથી નવા બારકોડેડ રેશનકાર્ડ બનાવવાની સુંદર કામગીરી બજાવી તે પ્રશંસનીય છે. પણ લાગતા વળગતા સ્ટાફે રેશન કાર્ડઘારાકના નામો પાછળ ભાઈ અને બહેન જેવા શબ્દો કાપી નાખી, ઘોર આળસ વ્યક્ત કરી તુકારભાર્યા અને તોછડાઈભર્યા નામો લખીને મોકલી દેતા આ વાતનો કાર્ડધારકોમાં ભારે ઉહાપોહ મચ્યો છે. 
આ વાતને હાથમાં લઈને સાંકરોળાના સરપંચ પ્રવીણભાઈ સોજીત્રાએ ગઈકાલે પરેશભાઈ પંડયા, ભેસાણીયા જગદીશભાઈ, જયદીપભાઈ  ભુવા, વિનુભાઈ વઘાસીયા વિગેરે ગ્રામજનોને સાથે રાખી ભેંસાણના મામલતદારને એક આવેદન આપી આવેદનમાં ચીમકી ઉચ્ચારી હતી કે ભેસાણ તાલુકાના આશરે 12000 નવા રેશન કાર્ડમાં કાર્ડધારકોના નામો 45 દિવસમાં સુધારવામાં નહિ આવે તો ગ્રાહકોના અપમાન સમાન આ વાતને કોર્ટમાં પડકારાશે, એટલુજ નહિ ન્યાય માટે ભેંસાણની મામલતદાર કચેરી સામે હજારો લોકોને સાથે રાખી ઉપવાસ આંદોલન પણ છેડાશે.

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812 

પોલીસ કર્મચારીઓ પર નજર

ઈ - બીટ પેટ્રોલિંગ સિસ્ટમ પોલીસ કર્મચારીઓ પર નજર રાખશે

વડોદરા :  શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર મોટાભાગે ચોરી, લૂંટ કે ધાડ જેવા બનાવો મોડીરાતે જ બનતાં હોય છે. પોલીસ અસરકાર પેટ્રોલીંગ નહીં કરતી હોવાથી ઘણીવાર તસ્કરો અને લૂંટારૂઓ ખેલ પાડવામાં સફળ થતાં હોય છે. પરંતુ હવે પોલીસ કર્મચારીઓ નાઈટ પેટ્રોલીંગમાં પોલ નહીં મારી શકે. કારણ કે, પોલીસ કર્મીઓની પોલને પકડી પાડે, તેવી ઈ-બીટ પેટ્રોલીંગ સિસ્ટમ પોલીસ તંત્રએ વસાવી છે. દરેક એન્ડ્રોઈડ મોબાઈલ ફોનમાં ક્યુ.આર.કોડ આવે છે. આ કોડનો ઉપયોગ કરી ક્યુ.આર. કોડ પ્લેટ બનાવવામાં આવી છે. જેને ઈ-બીટ પેટ્રોલીંગ સિસ્ટમમાં નામ આપવામાં આવ્યું છે. આ ક્યુ.આર.કોડ પ્લેટ પોલીસ સ્ટેશન દીઠ નક્કી કરેલા ૧૦ પોઈન્ટો પર લાગશેે. નાઈટ પેટ્રોલીંગ કરનાર પોલીસ કર્મચારી આખી સોસાયટીમાં ફરે તે માટે પ્લેટ છેલ્લા મકાન પાસે લગાવાશે. આ પ્લેટ પર પોલીસ કર્મી પોતાની પાસેનો એન્ડ્રોઈડ ફોન મુકશે, એટલે તરત જ મોબાઈલ ફોનના ડેટા કેપ્ચર કરી લેશે. ત્યારબાદ પોલીસ કર્મીએ મોબાઈલ ફોનમાં પોતાનો ફોટો પાડવો પડશે, જે સોફ્ટવેર થકી સીધો જ પોલીસ સ્ટેશનમાં મુકેલા સર્વરમાં જતો રહેશે. તેથી નાઈટ ડયુડીમાં હાજર પોલીસ કર્મચારીઓએ તેમને ફાળવેલા પોઈન્ટો પર દર કલાકે જવું પડશે. જો, નહીં જાય તો આ ઈ-બીટ સિસ્ટમ તેમની ચાડી ખાશે. આ સિસ્ટમ એવી પણ ખાસિયત છે કે, પોલીસ કર્મચારી કોઈ ઝાડ નીચે પોલીસ વાન પાર્ક કરીને લાંબી તાણી દે અને હોમગાર્ડના જવાનને મોબાઈલ ફોન આપી પોઈન્ટો ચેક કરવા મોકલશે તો પણ ઝડપાઈ જશે. બીજા દિવસે સવારે પી.આઈ. પોલીસ સ્ટેશનમાં આવશે ત્યારે તેમને હાર્ડ કોપી મળી જશે. જેમાં નાઈટ ડયુડીમાં હાજર પોલીસ કર્મચારીઓના નામ અને તેમણે ક્યો પોઈન્ટ કેટલા વાગે ચેક કર્યો હતો.? તેની માહિતી આવી જશે. આ સિસ્ટમથી નાઈટ ડયુટીમાં પોલીસ પોલ નહીં મારી શકે. ૨૧મી સદીના ટેકનોલોજીના યુગમાં પોલીસ તંભ પણ હાઈટેક બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. વાયરલેસની જેમ ઈ-બીટ સિસ્ટમ માટે દરેક પોલીસ સ્ટેશન દીઠ ઓછામાં ઓછા ૫ થી ૬ એન્ડ્રોઈડ ફોન સુરક્ષા સેતુ અંતર્ગત ખરીદશે. આજે પોલીસ અધિકારીઓની હાજરીમાં ઈ-બીટ સિસ્ટમ બનાવનાર કંપની દ્વારા પ્રતાપનગર હેડ ક્વોર્ટર ખાતે ડેમો રાખવામાં આવ્યો હતો, તેમ જોઈન્ટ પોલીસ કમિશનર ડી.જે.પટેલે જણાવ્યું હતું. (Courtesy : Sandesh)

પી.ટી.આઇ ના નવા ચેરમેન

શ્રી હોરમસજી એન. કામા પી.ટી.આઇ ના નવા ચેરમેન બન્યા



નવી દિલ્હી: 'મુંબઈ સમાચાર'ના ડાયરેક્ટર શ્રી હોરમસજી એન. કામા પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (પીટીઆઇ)ના ચેરમેનપદે અને 'મલયાલા મનોરમા'ના ડાયરેક્ટર શ્રી રિયાદ મેથ્યુ પીટીઆઇના વાઇસ ચેરમેન તરીકે સોમવારે સર્વાનુમતે ચૂંટાયા હતા. શ્રી હોરમસજી કામા જાગરણ પ્રકાશનના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મહેન્દ્ર મોહન ગુપ્તાના અનુગામી બન્યા છે. શ્રી મેથ્યુ વાઇસ ચેરમેનપદે તેમના અનુગામી બન્યા છે. અત્રે કંપનીની યોજાયેલી ૬૭મી એન્યુઅલ જનરલ મીટિંગ બાદ યોજાયેલી બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મીટિંગમાં આ ચૂંટણી યોજાઇ હતી. શ્રી કામાએ ઈન્ડિયન ન્યૂઝપેપર્સ સોસાયટી (આઇએનએસ)ના પ્રમુખ તરીકે બે મુદત સુધી સેવા આપી છે અને હાલમાં તેઓ રીડરશિપ સ્ટડીઝ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન છે. આ ઉપરાંત ઓડિટ બ્યુરો ઓફ સરક્યુલેશન (એબીસી)ના તથા કાઉન્સિલ ઓફ ફેર બિઝનેસ પ્રેક્ટિસીસના બોર્ડમાં પણ સેવા આપી રહ્યા છે. આ અગાઉ તેમણે પ્રેસ કાઉન્સિલના સભ્યપદે બે મુદતથી સેવા આપી હતી અને તેઓ ગયા વર્ષે ફરીથી એમાં નિમાયા હતા. શ્રી મેથ્યુ મલયાલા મનોરમાના સિનિયર આસિસ્ટન્ટ એડિટર પણ છે અને 'વીક' પણ સંભાળે છે. 'વીક' ભારતનું એક અગ્રગણ્ય ન્યૂઝ મેગેઝિન છે. તેઓએ યુનિવર્સિટી ઓફ મેરિલેન્ડમાંથી જર્નલિઝમમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. આ ઉપરાંત વૉશિંગ્ટન ખાતે એસોસિએટેડ પ્રેસ (એપી)ના સંવાદદાતા તરીકે પણ તેમણે કામગીરી બજાવી છે. શ્રી કામા, શ્રી મેથ્યુ અને શ્રી ગુપ્તા ઉપરાંત પીટીઆઇ બોર્ડના સભ્યોમાં શ્રી કે. એન. શાંત કુમાર (ડેક્કન હેરલ્ડ), શ્રી વિવેક ગોએન્કા (ઈન્ડિયન એક્સપ્રેસ), શ્રી વિનીત જૈન (ટાઈમ્સ ઓફ ઇન્ડિયા), શ્રી અવીક કુમાર સરકાર (આનંદ બઝાર પત્રિકા), શ્રી એન. રવિ (ધ હિન્દુ), શ્રી એમ. પી. વીરેન્દ્ર કુમાર (માતૃભૂમિ), શ્રી સંજોય નારાયણ (હિન્દુસ્તાન ટાઈમ્સ), શ્રી વિજય કુમાર ચોપરા (હિન્દ સમાચાર) અને શ્રી આર. લક્ષ્મીપતિ (દિનામલાર)નો સમાવેશ થાય છે. આ અગાઉ શેરહોલ્ડરોને સંબોધતાં શ્રી ગુપ્તાએ જણાવ્યું હતું કે પીટીઆઇની ન્યૂઝ સર્વિસ અને ફોટો સર્વિસે વર્ષ દરમિયાન પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. વ્યાપક રીતે ફેલાયેલ પીટીઆઇના ફોરેન કોરોસપોન્ડેન્ટ્સ નેટવર્કનું એજન્સીમાં મોટું યોગદાન રહ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું. વેજ બોર્ડ એવૉર્ડની પીટીઆઇ ઉપર ગયા વર્ષે થયેલી વિપરીત અસરની પણ તેમણે યાદ દેવડાવી હતી તથા એનો બોજ સતત ચાલુ જ રહેલો છે. અલબત્ત, પરિસ્થિતિમાં નજીવો સુધારો થઈ રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.  (Courtesy : Mumbai Samachar)

જેતલસરમાં ધેનુંમાનસ કથાની પુર્ણાહુતી નિમિત્તે દીપમાળા યોજાઈ

જેતલસરમાં ધેનુંમાનસ કથાની પુર્ણાહુતી નિમિત્તે દીપમાળા યોજાઈ
જેતલસર તા.15
જેતલસરના ગાયત્રી નગરમાં શ્રી સુર્યમુખી હનુમાનજી મંદિરના પ્રાંગણમાં બિરાજમાન શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે શ્રી ધેનું માનસ (ગૌ)કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. તા.6 થી 13 સુધી શાસ્ત્રી હાર્દિક પંડ્યાના વ્યાસાસને ચાલેલી આ કથાના સાતેય દિવસો દરમિયાન રાત્રીના ધૂન, ભજન, કીર્તન અને લોકડાયરાના આયોજનોને ધર્મપ્રેમી જનતાને બહોળી સંખ્યામાં હાજરી આપી વધાવ્યા હતા. જેતપુરના અગ્રણી દાતાઓ બળવંતભાઈ ધામી, જગદીશભાઈ પાંભર, રાજકોટના મનહરલાલ વૃજલાલ ભટ્ટ (કોઠી કંપાઉંડ) સહીત જેતપુર બ્રહ્મસમાજના આગેવાનોએ,  ગાયત્રીનગર વાસીઓ, સમસ્ત જેતલસરના ધર્મપ્રેમી પ્રજાજનો, ગાયત્રીનગર મહિલા સત્સંગ મંડળ, રાધેકૃષ્ણ મહિલા સત્સંગ મંડળ વિગેરે એ ડાયરાની મોજ માણી મંદિર માટે યથા શક્તિ નોંધપાત્ર ફાળા નોંધાવ્યા હતા. ભજનીકો કાળુભાઈ રાણીંગા, રાજુભાઈ કાપડી, પુનમબેન રાઠોડ, શાંતાબેન પરમાર, હાર્દિક પંડ્યા, કરિશ્મા દેશાણી, મનહર દેશાણી, કેશુભાઈ ઝાલા, ગીરધરબાપુ વિગેરી નિશ્વાર્થ ભાવે દેવાધિદેવના મંદિર નિર્માણ માટે પોત પોતાની ભજન, સાહિત્યની કળા પીરસી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખતજ ધેનુંમાનસ(ગૌ કથા) કથાનું જેતલસર ખાતે આયોજન કરનાર મુખ્ય યજમાન જીતુભાઈ જોશી, કુલદીપ જોશી સહીત જીતુભાઈ મકવાણા, તુલસીભાઈ તેજાણી, રવિ ભડલીયા, અજય તેજાણી વી કથા આયોજનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. પ્રસ્તુત તસ્વીરમાં કથા પુર્ણાહુતીના દિવસે ગાયત્રીનગરની ધર્મ પ્રેમી મહિલાઓએ ભવ્ય દીપમાળા યોજી ભોળાનાથ મહાદેવ અને હનુમાનજી મહારાજના દર્શનનો લાભ લીધો હતો તે દેખાય છે. 
(ફોટો-સમાચાર : કશ્યપ જોશી જેતલસર-9974262812)

સોમવાર, 14 સપ્ટેમ્બર, 2015

જેતપુરના ભીડભંજન રોડ પરની યુરીનલ વાહનચાલકો સહીત સૌ માટે માથાના દુઃખાવા સમાન !

યુરીનલથી રોડ સાંકડો થઇ જતા રોજ સર્જાતી ટ્રાફિક સમસ્યા, તંત્ર જાણે છે, પણ જાગતું નથી !! 
જેતપુરના ભીડભંજન રોડ પરની યુરીનલ વાહનચાલકો 
સહીત સૌ માટે માથાના દુઃખાવા સમાન !

જેતપુર તા.14
જેતપુરના સ્ટેન્ડ ચોકથી ભીડભંજન મહાદેવ તરફ જવાના રસ્તા પર ઉભી કારાયેલ એક યુરીનલથી સાંકડા  બની ગયેલ આ રોડ પર સર્જાતી રોજની ટ્રાફિક સમસ્યાથી વાહન ચાલકો સહિતના શહેરીજનો ત્રાસી ગયા છે. 
મળતી વિગતો મુજબ જેતપુર શહેરમાંથી પસાર થતા શ્રી ભીડભંજન મહાદેવ રોડ પર તંત્રે થોડા વર્ષો પહેલા એક પે એન્ડ યુઝ ટોઇલેટ-યુરીનલ ઉભી કરી છે. યુરીનલ ઉભી થતા આ રોડ સાંકડો થઇ ગયો છે.
આ યુરીનલની આજુબાજુ શાળાઓ, બેંકો આવેલી હોય, શાળા છુટતા અહી વિદ્યાર્થી ભાઈ બહેનોનો આવન જાવનમાં ઘસારો રહેતો હોય, આ સમયે નીકળતા વાહનચાલકો મોટી ટ્રાફિક સમસ્યા ઉભી કરી રહ્યા છે.
અત્રે એ નોંધનીય છે કે ભીડભંજન રોડ પરની આ યુરીનલ રોજ દિવસ દરમિયાન અનેક વખત ટ્રાફિક જામ જેવી સ્થિતિ પેદા કરતી હોવાની વાત ખુદ પાલિકા તંત્ર જાણતું હોવા છતાં તંત્ર પ્રજાની ફરિયાદની તંત્ર રાહ જોતું હોય તેવો તાલ સર્જાયો છે. એટલુજ નહિ આ જાહેર શૌચાલય પાસે સવારથી સાંજ સુધી બેસુમાર ગંદકીયુક્ત ઉકરડાના થર જામી રહ્યા હોય, અહીંથી પસાર થતી પ્રજા, રાહદારીઓ કોઈ રોગચાળાનો ભોગ નાં બને તે વાતની દહેશત સેવાઈ રહી છે.
બીજી બાજુ પાલિકા તંત્રની સંબંધિત શાખા સુત્રો જણાવે છે કે આ માટે ખરેખર ટ્રાફિક સમસ્યારૂપ યુરીનલ છે કે નહિ ? તે અંગેના સ્થાનિક પોલીસના અભિપ્રાયની રાહ જોવાઈ રહી છે. પોલીસનો ટ્રાફિક સમસ્યા પરત્વેનો સમર્થન આપતો અભિપ્રાય મળશે તો આ મુતરડી દુર કરાશે.

બોક્સ: ભારે વાહન પ્રતિબંધ જાહેરનામાનો બેરોકટોક ભંગ 
જેતપુર : ભીડભંજન રોડ પર મુતરડીએ ટ્રાફિક સમસ્યા ખડી કરી હોવાની વાતને એક બાજુએ રાખીને વાત કરીએ તો પહેલેથી જ સાંકડા આ રોડ પર એટલેકે શહેરના સ્ટેન્ડચોકથી બોખલા દરવાજા સુધીના આ રોડ પર બેંકો, શાળાઓ અને વ્યાપારીઓની ભારે અવર જવરને ધ્યાને લઈને રાજકોટ જીલ્લા કલેકટરે વર્ષો પહેલા આ રોડ પર આવન કે જાવન માટે ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અમલી બનાવ્યું છે. પણ આ જાહેરનામાનો અમલ કરાવવા જેઓની જવાબદારી થાય છે તેઓ પણ ચુપ હોય ઘટતું થાય તેવું જેતપુરના પ્રજાજનો ઈચ્છી રહ્યા છે.
                                                          ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 


જેતપુર કોંગ્રેસના માઈનોરીટી વિભાગમાં ચેરમેન નિમાયા

જેતપુર કોંગ્રેસના માઈનોરીટી 
વિભાગમાં ચેરમેન નિમાયા 
જેતપુર તા.4
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના રાજકોટ માઈનોરીટી સેલના ચેરમેન આરીફ નાથાણીએ નવાગઢ(જેતપુર)ના ફારૂકભાઈ ઇકબાલભાઈ મોદનને જેતપુર કોંગ્રેસ માઈનોરીટી સેલના ચેરમેન તરીકે નિમણુક આપી છે. નવાગઢમાં લોકપ્રશ્નો ઉપરાંત મુસ્લિમ સમાજના નાના મોટા સેવાકીય કામોમાં સદાય રત રહેતા ફારૂકભાઈની નિમણુકને શહેર કોંગ્રેસ પ્રમુખ નીલેશ પંડ્યા, રાજકોટ જીલ્લા ઉપપ્રમુખ જગદીશ પાંભર, યુથ કોંગ્રેસ પ્રમુખ ફિરોજ ખેભર, મહિલા અગ્રણી સહેનાઝબેન બાબી વિગેરેએ આવકારી છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 

જેતપુરનો ગોંદરા વિસ્તાર ગંદકીમાં ગરક માજી પાલિકા પ્રમુખની ફરિયાદ ધ્યાને લેવાશે ?

જેતપુરનો ગોંદરા વિસ્તાર ગંદકીમાં ગરક 
માજી પાલિકા પ્રમુખની ફરિયાદ ધ્યાને લેવાશે ?

જેતપુર તા.14
જેતપુરના ગોંદરા વિસ્તારમાં લાંબા સમય થયા સાફ સફાઈ થઇ ના હોય આ વિસ્તારની પ્રજા વતી માજી પાલિકા પ્રમુખ રમાબેન મકવાણાએ પાલિકા તંત્ર કિન્નાખોરી દાખવતું હોવાનો આક્ષેપ કર્યો છે.
મળતી વિગતો મુજબ જેતપુર પાલિકા પ્રમુખ પદેથી મુદ્દત પૂરી થતા પાલિકા સદસ્ય બની ગયેલા રમાબેને આજે સ્થાનિક પત્રકારોને વિગતો આપી હતી શહેરના ગોંદરા વિસ્તારમાં લાંબા સમય થયા સાફ સફાઈ થતી ના હોય અને ગંદકીના ખડકાયેલા ગંજથી ભયંકર રોગચાળો ફેલાઈ તેવી દહેશત વર્તાઈ રહે છે.
તેઓ કહે છે કે નવા પાલિકા પ્રમુખ જાણી જોઇને રાજકીય કિન્નાખોરી દાખવી રહ્યા છે. અને એટલેજ ગોંદરા વિસ્તારમાં હાર્વે ઘાટ વિસ્તારમાં ગંદકીયુક્ત ઉકરડા ખદબદી રહ્યા છે. પરિણામે અમુક શહેરોમાં પુનઃ પગ પેસારો કરનાર ડેન્ગ્યું રોગનો અજગર ભરડો લેવાય તેવી લત્તાવાસીઓમાં દહેશત ફેલાઈ છે.
આ સિવાય ખીરસરા રોડ પર પણ ગંદકી એ માઝા મૂકી હોવાની પ્રજા  ફરિયાદો ઉઠી છે. જેતપુર પાલિકાના માજી પ્રમુખ રમાબેને ખુલ્લો આક્ષેપ કરતા  જણાવેલ જ્યારથી તેઓ પ્રમુખ પદેથી ઉતર્યા છે ત્યારથી તેઓના વિસ્તારમાં વિકાસના કામો પર બ્રેક મરાવીને સંબંધિતો તેમને હેરાન પરેશાન કરે છે. ત્યારે સંબંધિતો આવું ઓરમાયું વર્તન અને રાજકીય કિન્નાખોરી રાખવાનું બંધ કરાય તેવી મહિલા સદસ્ય રમાબેને માંગ કરી છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 


જેતપુરમાં સિંધી સમાજનો ચાલીસમો ઉત્સવ સંપન્ન વાજતે ગાજતે શોભા યાત્રા નીકળી, નદીમાં વિસર્જન

જેતપુરમાં સિંધી સમાજનો ચાલીસમો ઉત્સવ સંપન્ન 
વાજતે ગાજતે શોભા યાત્રા નીકળી, નદીમાં વિસર્જન 
જેતપુર તા.14
છેલ્લા 40 દિવસ થયા જેતપુરમાં સિંધી સમાજ દ્વારા ઉજવાતા આવતા ચાલીસમો ઉત્સવની આજે ધામધુમથી પુર્ણાહુતી નિમિત્તે શહેરમાં શોભાયાત્રા કઢાઈ હતી.
આ અંગે મળતી વિગતો મુજબ પ્રતિ વર્ષ પવિત્ર શ્રાવણ મહિના પહેલા 10 દિવસથી શરુ થઈને સતત 40 દિવસ થયા શહેરના સિંધી સમાજ દ્વારા અહીના લાદી રોડ અને નાના ચોક ખાતે આવેલ શ્રી ઝૂલેલાલ ભગવાનના મંદિર ખાતે ઉજવાતા આવતા 40મો ઉત્સવની આજે પુર્ણાહુતી નિમિત્તે ઝૂલેલાલ ભગવાનના ફ્લોટ સાથે સિંધી સમાજના આગેવાનો, યુવાનો અને કાર્યકરો તેમજ મહિલા વર્ગે ધૂન-કીર્તન કરતા કરતા 13 મી વિશાળ શોભાયાત્રા મંદિરેથી યોજી હતી. જે શહેરના તમામ રાજમાર્ગો પર ફરી હતી. શોભાયાત્રામાં જેતપુર નગર પાલિકાના દંડક અશોક મંગલાણી સહિતના નાના મોટા આગેવાનો જોડાયા હતા.પત્રકાર દિલીપભાઈ તનવાણીના જણાવ્યા અનુસાર આ શોભાયાત્રાનું અહીની ભાદર નદીમાં વિસર્જન કરાયા બાદ મંદિર ખાતે 40 દિવસ થયા વ્રત કરતા બેહેનો અને ઉત્સાહી યુવા સેવા મંડળના કાર્યકરો સામુહિક પ્રસાદ લીધો હતો.
                                                                                                                               ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર
----------------------------------------


શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2015

જીવતા યુવાનનને અગ્નિદાહ અપાતો હોવાની અફવાથી પોલીસ-તબીબે કાળી રાત્રીએ ફરજ બજાવી સ્મશાનમાં!!


મશ્કરીની પણ હદ હોય છે દોસ્તો, અહિં જીવતાની તો ઠીક, લાશોની'ય મશ્કરી થાય છે દોસ્તો !
જીવતા યુવાનનને અગ્નિદાહ અપાતો હોવાની અફવાથી 
પોલીસ-તબીબે કાળી રાત્રીએ ફરજ  બજાવી સ્મશાનમાં!!
જેતપુરમાં મજાકની હદે ચરમસીમા વટાવતા સરકારી તંત્રોને થવું પડ્યું રાત આખી હેરાન !! શહેરમાં આવી ત્રીજી-ચોથી 
ઘટના બન્યાની ચર્ચા ?!પોલીસે કાયદાનો દંડો ઉગામ્યો હોત તો નશાખોર ટીખળીઓનો નશો ઉતરી ગયો હોત !!

જેતપુર તા.11
જેતપુરના સ્મશાનઘટમાં ગત મધ્ય રાત્રીના એક જીવિત યુવાનને અગ્નિદાહ અપાઈ રહ્યાની અફવારૂપ વાત પોલીસ થાણે પહોચી જતા ફોજદાર સંઘાણી સરકારી તબીબ ડો.ગજેરાને લઈને મારતે ઘોડે અંતિમધામેં પહોંચ્યા હતા, પણ અંતે આ વાત મશ્કરીરૂપ સાબિત થતા દોધામમાં પડેલા સરકારી તંત્રોએ રાહતનો દમ ખેંચ્યો હતો.

મળતી વિગતો મુજબ જેતપુરના નાઝાવાળા પરા વિસ્તારમાં રહેતા વિપ્ર પરિવારના દેવેન્દ્ર પ્રકાશભાઈ ભોજપરા(શ્રાવણ) ઉ.વ. 21 લાંબા સમય થયા શારીરિક બીમારીથી પીડાતો હોય, ગુરુવારના રોજ સ્થાનિક ડો.કોટડીયાના દવાખાનેથી દેવેન્દ્રને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલે ખસેડ્યો હતો.

જ્યાં સારવાર દરીમીયાન દેવેન્દ્રનું મોત થતા તેમની ડેડબોડી જેતપુર તેમના ઘરે લવાઈ હતી. દરમિયાન પરિવારજનોએ દેવેન્દ્રને અંતિમ વિદાય આપી પરિવારજનોએ ડાઘુઓને સોંપતા રાત્રીના 11 વાગ્યાની આસપાસ ડાઘુઓની અંતિમ યાત્રા શહેરના મુખ્ય સ્મશાન ઘાટે પહોચી હતી. અહી અંતિમ વિસામો લેવડાવી ડાધુઓએ દેવેન્દ્રનો મૃતદેહ અંત્યેષ્ટિ માટેના ખાટલા ઉપર રાખી સરપણ(લાકડા) ગોઠવતા હતા ત્યારે દેવેન્દ્રના મિત્ર રાજુ રામજી સરવૈયાને એવો ભાસ થયો હતો કે મૃતક દેવેન્દ્રે તેમનો હાથ પકડ્યો !!

બસ, રાજુને આવો અહેસાસ થયો હોય કે મશ્કરીએ ચડ્યો હોય, જે હોય તે, તેમને પોલીસ તેમજ અન્ય ત્યાં ઉપસ્થિત ડાઘુઓને વાત કરતા આ વાત વાયુવેગે શહેરમાં પ્રસરી ગઈ હતી. એક તબક્કે જેતપુર વાસીઓ સુવાને બદલે રાતના 12 વાગ્યે એકમેક સાથે વાતો કરતા થઇ ગયા હતા કે ''હે લાશ જીવતી થઇ ? લાશે હાથ પકડ્યો ? જીવતા યુવાનને સળગાવાયો ?  શહેરીજનોના આવા અચરજ ભરેલા સવાલો વચ્ચે શહેર પોલીસના ફોજદાર સંઘાણી સિવિલ હોસ્પીટલના મેડીકલ ઓફિસર એમ.કે.ગજેરાને લઈને સ્મશાન ઘાટ પહોચી ગયા હતા.

બોક્સ: ઓહ..દેવેન્દ્ર ડાઈડ બીફોર  3-4 અવર્સ, આઈ એમ સોરી : ડો. ગજેરા
જેતપુર : માત્ર ને માત્ર મશ્કરીરૂપ બનેલી નશાખોર તત્વોના ભેજાની ઉપજ સમાન ઘટનાથી પોલીસની સુપેરે ફરજ વચ્ચે ડો. ગજેરાએ પોતાનું તબીબી સાધન એવું સ્ટેથોસ્કોપ  મૃત દેવેન્દ્રના શરીર પર ફેરવી, રહ્દયના બંધ ધબકારા અનુભવી ઉપસ્થિત પોલીસ, મૃતકના સ્વજનો અને ડાઘુઓની હાજરીમાં જાહેર કર્યું હતું કે ''ઓહ..આઈ એમ સોરી, પરહેપ્સ..દેવેન્દ્ર ડાઈડ બીફોર 3 ઓર 4 અવર્સ !! દેવેન્દ્રનો મૃતદેહ સંકોચાય ગયો હોય, તેમનું મોત ત્રણ થી ચાર કલાક પહેલાજ થઇ ગયું હોવાનું તારણ ડો. ગજેરાએ સૌની વચ્ચે જાહેર કરતા દેવેન્દ્રની અંત્યેષ્ટિ વિધિ આગળ ધપાવીને તેમને અવ્વલ મંઝીલે પહોચાડ્યો હતો ! અત્રે એ નોંધનીય છે જેતપુર નવાગઢ નગર પાલિકાના સદસ્ય જેસુખ ગુજરાતીએ પણ આ ઘટના અંગે અચરજ વ્યક્ત કરી શહેરના અમુક પત્રકારોને સ્મશાને પહોચી જવાની મોડી રાત્રીના વિગતો આપી હતી.

બોક્સ: શહેરમાં આવી ત્રીજી-ચોથી ઘટનાની લોકચર્ચા !
જેતપુર : નાઝાવાળા પરા વિસ્તારના શાંત અને સમજુ લોકોએ સ્મશાનઘાટ પર એવી વાતો જાહેર કરી હતી કે દેવેન્દ્રની આ ઘટના પ્રથમ નથી, ભૂતકાળમાં પણ અમુક નશાખોર તત્વોએ લાશને ચિત્તાની અંગારી અપાય તે પહેલાજ બેઠી થઇ, ઉભી થઇ, હાથ પગ હલાવ્યા જેવી અફવાઓ ફેલાવી સંબંધિત સરકારી તંત્રોને ત્રણ ચાર વાર હેરાન કરાયા કરાયા છે, પોલીસે આ સમયે અંતિમધામમાજ ટીખળીઓની સરભરા કરી હોત તો ભવિષ્યમાં આવી મશ્કરી થતા અટકાવી શકાય પણ અત્યારે એક શાયરની વાત યાદ આવી ગઈ '' મશ્કરીની પણ હદ હોય છે દોસ્તો, અહિં જીવતાની તો ઠીક, લાશોની'ય મશ્કરી કરાય છે''

બોક્સ: મૃતકના પરિવારજનોએ ધાર્યું હોત તો આ ઘટના બનતા રોકી શકાત !!
જેતપુર: સામાન્યતઃ કોઈ પરીવામાં સ્વજનનું અવસાન/મોત થયા પછી મૃતકને તરત અંત્યેષ્ટિ માટે નથી મોકલી દેવાતા, સ્ત્રીનું મોત હોય તો લક્ષ્મીરૂપ ગણી આખી રાત શબને ઘરમાં રખાય છે, તો પુરુષનું મરણ હોય તો સગાવહાલાઓ ભેગા થાય, અંતિમ દર્શન અને પૂજન કરે, પરિવારજનો અંતિમ પાણી પણ મૃતકને પીવડાવતા હોય છે, આવી ક્રિયામાં કલાકો નીકળી જતા હોય છે, જો મૃતકમાં જીવ બચ્યો હોય તો આ બધો ખ્યાલ, અનુભવ મૃતકના ઘરેજ પરિવારજનોને થઇ જતો હોય છે. તેને બદલે કલાકો પછી સ્મશાનમાં કોઈ સબ બેઠું થાય, હાથ પગ હલાવે, ચલાવે એ બધી વાતો સત્યથી વેગળી તે વેગળી જ રહે છે, જેતપુરની આ ઘટનામાં પણ મૃતક દેવેન્દ્રના પરિવારજનોને ધાર્યું હોત તો આ વાતનું ખંડન થઈને અંત્યેષ્ટિ વહેલાસર આટોપી દેવાઈ હોત !!
ફોટો અને સમાચાર :  કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812




AVSAAN NONDH 11-9-2015 - JETPUR KASHYAP JOSHI JETPUR

-------------------અવસાન નોંધ : જેતપુર : 11-92015---------------------------------
જેતપુર:  ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ જેસુખલાલ વજેશંકર જાની(જસુઅદા-ઉ.વ.67) તે નીતિનભાઈ જાની(એડી.ડી.કોર્ટ, ધોરાજી) તથા પીયુશભાઇ જાની(આચાર્ય-પીપરટોડા(જામનગર) હાઈસ્કુલ ) ના પિતા તા.10 ના રોજ અવસાન પામેલ છે.
બેસણું તા.12 ને શનિવારે, સાંજે 4 થી 6, બ્રહ્મસમાજની વાડી, ફૂલવાડી, જેતપુર ખાતે રાખેલ છે.
                                          કશ્યપ જે. જોશી જેતપુર - જેતલસર - 9974262812
---------------------------------------------------------------------------------------------


બુધવાર, 9 સપ્ટેમ્બર, 2015

જેતપુરના વીરપુર, પીઠડીયા, કાગવડની ગામોની ગુપચાપ મુલાકાતથી સર્વત્ર અચરજ

પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલની 
જેતપુરના વીરપુર, પીઠડીયા, કાગવડની ગામોની 
ગુપચાપ મુલાકાતથી સર્વત્ર અચરજ
જેતપુર તા.9
પાટીદાર અનામત માંગણી માટે ગુજરાત ભરમાં જેહાદ જગાવનાર યુવા આગેવાન હાર્દિક પટેલે આજે જેતપુરના વીરપુર, પીઠડીયા, અને ખોડલધામની ગુપચાપ લીધેલી મુલાકાતથી જાણકારોમાં અચરજ સાથે અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે.

વિગતો એવી  મળી હતી કે રાજકોટ થી નીકળીને જસદણ ગયેલા પાટીદાર નેતા હાર્દિક પટેલે જેતપુરના વીરપુર(જલારામ), પીઠડીયા, અને કાગવડ ગામે આવેલ માં ખોડલ ધામની ગુપચાપ મુલાકાત લઈને ધોરાજી તરફ રવાના થયા હતા.

આ નેતાના કાર્યક્રમોની વિગતો માટે આજે જેતપુરના અખબારનવેશો સહીત અનેક સેવાભાવી, સંસ્થાના આગેવાનો, રાજકીય આગેવાનો રીતસરના ધંધે લાગ્યા હતા. જેતપુરમાં અમુક ખોડલધામ સાથે સંકળાયેલ ખમતીધર આગેવાનોએ પોતાના મોબાઈલ કોલ રીસીવ ના કરીને હાર્દિક પટેલથી સૌને દુર રાખ્યા હતા.

એક એવી પણ ચર્ચા ચાલી હતી કે કોઈ ફિલ્મી અભિનેતા કોઈ પણ શહેરની મુલાકાત હમેંશા ગુપચાપજ લેતા હોય છે, કારણ આવા અભિનેતાઓના આગમનની જાણ પ્રજાને થાય તો માણસોની ભીડ અને લોકોના ટોળાઓને કાબુમાં રાખવા આકરું પડે. આવીજ વાતો આજે પાટીદાર નેતા હાર્દિક પટેલે સાબિત કરી ચુપકીદી સેવી જેતપુરના ઉપરોક્ત ત્રણ ગામોની મુલાકાત લઈને આંટાફેરા માર્યા હોવાની વાત ટોક ઓફ ધી જેતપુર તાલુકા વિસ્તાર બની છે.

આ લખાય છે ત્યારે એવી લોકચર્ચા પણ સંભાળવા મળી હતી કે હાર્દિક પટેલે જેતપુરના પીઠડીયા ગામે એક પાનની દુકાને સોડા પીધી , કોઈ કહેતું હતું કે નાસ્તો પણ કર્યો હતો, પણ સાચી વાત મળવી મુશ્કેલ બની હતી.

પત્રકારોમાં એક એવી પણ ચર્ચા ચાલી હતી કે  કોઈ અણગમતા પર્શ્નોનો જવાબ નાં આપવા પડે એટલે હાર્દિક પટેલે પોતાની જેતપુરના ઉપરોક્ત ગામોની કે ખોડલધામની મુલાકાત ભેદી રીતે ગુપ્ત રાખી હતી.

દરમિયાન આધારભૂત સુત્રોએ ત્યાં સુધી જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના આગેવાન અને ધોરાજીના લલિત વસોયા અને હાર્દિક પટેલે સાથે ખોડલધામ ખાતે માથું ટેકવી, દર્શન કરી ખોડલ માં સામે આશીર્વાદ મેળવ્યા હતા કે લાજ રાખજે માં અમારી. પ્રસ્તુત તસ્વીરમાં લલિત વસોયા અને હાર્દિક પટેલ વીરપુરની બજારમાં ઉભેલા દેખાય છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 

કોઠાસૂઝ, વેપારની !

કોઠાસૂઝ, વેપારની !
સામાન્યતઃ સ્કુટર જેવા વાહનમાં આગળ જગ્યા હોય કોઈ માલસામાન કે વસ્તુઓ મૂકી સ્કુટર ચાલક માલની હેરાફેરી કે રોજગાર ધંધો કરવા નીકળતા હોવાનું જોવા મળતું આવ્યું છે. બાઈક ચાલકને કોઈ વસ્તુ કે માલ સામાન લઇ જવાનું કહેવામાં આવે એટલે તરત નાકનું ટીંચકુ ચડી જાય..કારણ બાઈકમાં આવો માલ સામાન ક્યાં રાખવો ? બાંધવો ? ઈ પ્રશ્ન ચાલકને કોરી ખાતો હોય છે..અથવાતો આમ કરવામાં ચાલકને ભારે શરમ નડતી હોય છે. પરંતુ પ્રસ્તુત તસ્વીરમાં દેખાતા અને છેક મધ્યપ્રદેશથી જેતપુર પંથકના જેતલસર આવેલા ચાર બાઈક ચાલકોએ કોઈ પણ જાતની શરમ અનુભવ્યા વગર એક એક બાઈકમાં 30-30 પ્લાસ્ટીકની ખુરશી અને 10-10 પ્લાસ્ટીકના ટબ બાઈકમાં એવી સરસ રીતે ગોઠવી પોત પોતાની વેપાર, ધંધા પરત્વેની કોઠાસુઝના દર્શન કરાવ્યા ત્યારે આ બાઈક જોઇને સૌ કોઈ બોલી ઉઠ્યા હતા કે, ''ભાઈ, ભાઈ..ગોઠવણી કરી છે ને કાંઈ બાઈક ઉપર !??''
(ફોટો લાઈન : કશ્યપ જે. જોશી - જેતલસર(જેતપુર) 9974262812

યે...આરામ કા મામલા હૈ !

યે...આરામ કા મામલા હૈ !
માણસ જ ઊંઘણસી હોય તેવું નથી, જીવ માત્ર કુદરતની નિરંતર પ્રક્રિયા એવી ''નીંદર', ઊંઘમાં પડ્યા પછી તેને સજીવ કે નિર્જીવ અવસ્થાનું ભાન થતું નથી. ઘણી વખત માણસ ઊંધમાં બોલતો હોય, ચાલતો હોય પણ તેમને ખબર નથી હોતી ! તેવી જ રીતે એકવાર ઊંઘે ચડ્યા પછી માણસને પણ કઈ ખબર હોતી નથી કે તેને કોણે બોલાવ્યો ? કોણે જગાડ્યો ? તે સુતો હતો ત્યાજ છે કે કોઈએ બીજી જગ્યાએ ફેરવ્યો ? પણ અપવાદરૂપ આ વાતમાં બધા ઊંઘણસી નથી હોતા, પણ પ્રસ્તુત તસ્વીરમાં દ્રશ્યમાન એક સ્વાનરાજા એક ભેંસ પર દિનદહાડે મીઠી નીંદર માણી રહ્યાનું જ્યારે કેમેરામાં કેદ થયું ત્યારે સૌને અચરજ એટલે થયું કે બેઠેલી ભેંસ પર ચડીને આરામ ફરમાવનાર સ્વાનરાજા ભેંસ ઉભી થઇ ગઈ હોવા છતાં જાગ્યા ના હોય ''યે...આરામ કા મામલા હૈ ''  ડોન્ટ ડીસ્ટર્બ મી !! જેવી વાત સાબિત કરી ગયા હોઈ તેવું લાગે છે.
(ફોટો લાઈન / સ્ટોરી : કશ્યપ જે. જોશી જેતલસર(જેતપુર) 99742 62812

અવસાન નોંધ જેતલસર

અવસાન નોંધ  જેતલસર 9-9-2015
અમદાવાદ નિવાસી નેહાબેન(બાવલીબેન-ઉ.વ.51) કે.પંડયા તે સ્વ,અનંતરાય(મનુભાઈ) પુરોહિતના પુત્રી, વિક્રમભાઈ, દીપેનભાઈ,ગૌરાંગભાઈ(જેતલસર જંકશન), રાજેનભાઈ(ગોંડલ)ના બહેન, પી.ટી.પુરોહિત(ગોંડલ), ગીરીશભાઈ, બીપીનભાઈ તથા દિલીપભાઈના ભત્રીજી તા.8 ના રોજ અવસાન પામેલ છે. પિયર પક્ષનું બેસણું તા.11 ને શુક્રવારે, સાંજે 4 થી 6, ''પુરોહિત નિવાસ'', જેતલસર જંકશન ખાતે રાખેલ છે.

કશ્યપ જે.જોશી -

​જેતલસર-જેતપુર-99742 62812