જેતલસર પંથકના આરબ ટીંબડી ગામે સીસી રોડ નબળો બન્યો હોવાની રાવ
જેતલસર તા.5
જેતલસર પંથકના આરબ ટીંબડી ગામે થોડા સમય પહેલા જ બનેલો એક સીસી રોડ તુટવા લાગતા ગામના જાગૃત નાગરિકોએ જેતપુર તાલુકા વિકાસ અધિકારી, નવાગઢ સ્થિત બાંધકામ કચેરી અને સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાને લેખિત રજુઆતો કરી છે.
મળતી વિગતો મુજબ જેતલસર પંથકના આરબ ટીંબડી ગામમાં સહકારી મંડળી તરફ આવવા અને જવાનો મુખ્ય માર્ગ થોડા સમય પહેલાજ સીસી રોડ બનાવાયો છે. પણ ગામના જાગૃત નાગરીકો બચુભાઈ પ્રેમજીભાઈ શિંગાળા, લાલજીભાઈ જીવાભાઈ રામાણી, ઘુશાભાઈ કેશવભાઈ, વિગેરેએ લાગતાવળગતાઓને રજૂઆત કરી જણાવ્યું છે કે આ રોડ કામમાં વ્યાપક ગેરરીતી આચરાઈ હોય તેમ રોડ તુટવા લાગ્યો છે. અરજદારોએ રજુઆતમાં એમ પણ જણાવ્યું છે કે જયારે રોડ બનતી વખતે લાગતા વળગતાઓએ રોડ કામમા લોટ, પાણી ને લાકડા જેવી નીતિ અખત્યાર કરવાનું ચાલુ કરતા તે સમયે ટીડીઓને ફરિયાદ કરાતા તાલુકા પંચાયતના એસઓ ટીંબડી ગામે દોડી ગયા હતા પણ રોડ કામ બરાબર ચાલતું હોવાનું જણાવી ચાલ્યા ગયા હતા. રોડનું કામ બરાબર થયું હોય તો આ રોડ તુટવા કેમ લાગ્યો ? તે વાતની તપાસ કરાવી સરસ રોડ બનતો હોવાનું મૌખિક પ્રમાણ પત્ર આપનાર સંબંધિત એસઓ સામે પણ પગલા ભરવા બચુભાઈ પ્રેમજીભાઈ શિંગાળા સહિતના ગ્રામજનોએ રજુઆતો કરી છે.
બોક્સ: અમોને ખોટા કેશોમાં ફીટ કરી દેવાય છે ! લાલજીભાઈ રામાણી
જેતલસર : પોતાના ગામમાં નબળા રોડ કામની ફરિયાદ કરનાર લાલજીભાઈ રામાણીએ આ લખનારને એવી પણ દહેશત કરી હતી કે તેઓના ગામના સરપંચ જો કોઈ ગામની કઈ પણ ફરિયાદ કરે તો ખોટા પોલીસ કેશોમાં ફસાવી દે છે, આટલું જણાવી લાલજીભાઈએ કહેલ કે ભૂતકાળમાં ગામના મકાનોમાં સારી એવી નુકશાની કરનાર ગામ નજીકના સ્ટોનક્રશર(ભરડીયા) બાબતે સત્તાધીશોને રજૂઆત કરવામાં તેઓએ મહત્વની ભૂમિકા ભજવતા સરપંચે તેઓને(લાલજીભાઈ ને ) ખોટા પોલીસ કેશમાં સંડોવીને હેરાન પરેશાન કરી દીધા હતા. ત્યારે લાગતા વળગતા સત્તાધીશો આ બાબતે પણ કોઈ શિક્ષાત્મક પગલાઓ દ્વારા ટીંબડીના સત્તાધીશોની આંખો ઉઘાડે તે જરૂરી હોવાનું લાલજીભાઈ જણાવે છે.
કશ્યપ જે. જોશી જેતલસર 9974262812
જેતલસરના જડેશ્વર મહાદેવ મંદિરે
આજે 14 તલાટી મંત્રીઓનો વિદાય સમારોહ..એક
સ્વર્ગીય તલાટી મંત્રીને મરણોત્તર સન્માન અપાશે
જેતલસર તા.5
જેતપુર તાલુકાના ગામોમાં ફરજ બજાવતા અને વય મર્યાદાના કારને નિવૃત થયેલા 15 તલાટી મંત્રીઓનો એક ભવ્ય વિદાય સમારંભ આજે તા. 6-8-2015 ને રવિવારના સવારના 10 થી 1-00 દરમિયાન જેતલસર ગામના મંડલીકપૂર રોડ પર આવે શ્રી જડેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં યોજાનાર છે.
આ બાબતે વિગતો આપતા તલાટી મંત્રી અશોકભાઈ પંડયાએ જણાવેલ કે જેતપુરના તાલુકા વિકાસ અધિકારી ઘેડા તેમજ મામલતદાર ભોરણીયાના અધ્યક્ષ સ્થાને ઉપરોક્ત સ્થળે યોજાનાર વિદાય સમારોહમાં 14 તલાટી મંત્રીનોને ભાવભેર વિદાય અપાશે તેમજ એક તલાટી મંત્રી નિવૃત થઈને સ્વર્ગે સિધાવ્યા હોય તેમના પરિવારજનોને સ્વર્ગીય તલાટીનું મરણોત્તર સન્માન કરાશે.
વિદાયમાન પામનારા તલાટીઓમાં બચુભાઈ વઘાસીયા(ખારચિયા), બચુભાઈ રાદડિયા(થાનાગાલોલ), રવજીભાઈ ગઢિયા(સેલુકા), નરસિંહભાઈ અંટાળા(પ્રેમગઢ), પી.જે.વિરપરીયા(રબારીકા), એમ.જે.સોલંકી(જેપુર), જગુભાઈ સેન્જલીયા(દેવકીગાળોળ), કાન્તીભાઈ કાપડિયા(કાગવડ), છોટુભાઈ ગોંડલિયા(દેરડી), સુરેશભાઈ ગોંડલિયા(બોરડી સમઢીયાળા), બાબુભાઈ પોલરા(મંડલીક્પુર), એમ.કે.સોલંકી(રેશમડી ગાલોળ), સવદાસભાઈ સાકરિયા(અમરાપર), ગીરધરભાઈ ખુંટ(મોટાગુંદાળા)નો સમાવેશ થઇ છે. જયારે પાંચપીપળાના તલાટી મંત્રી જેઠાભાઈ ચૌહાણનું અવસાન થયું હોય, તેમના સ્વજનોને સ્વર્ગીયનું મરણોત્તર સન્માન કરાશે. એક સાથે 15 નિવૃત તલાટી મંત્રીઓના વિદાય સમારોહનું આયોજન કરી જેતપુર તાલુકા તલાટી કમ મંત્રી મંડળના આગેવાનો, હોદેદારોએ સંપ અને એકતાના દર્શન કરાવ્યા હોવાનું તલાટી અશોક પંડયાએ જણાવ્યું હતું..
કશ્યપ જે. જોશી જેતલસર 9974262812
જેતપુર તાલુકાના ખેડૂતો સાથે સરકારનો હળાહળ અન્યાય ! 2014-15 ના વર્ષમાં....એક ટકો'ય પાક વીમો મંજુર ના કરતા આજે 500 ખેડૂતોને
સાથે રાખી કોંગ્રેસ આપશે સંબંધિતોને આવેદન...
રાજકોટ જીલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ જગદીશ પાંભરનો ખેડૂતોને અનુરોધ..એ..હાલો, હાલો વિરોધ કરવા,
જેતપુર તાલુકાને પાકિસ્તાનનો ભાગ ગણે છે કે શું ? અહીના ખેડૂતોની નુકશાની કેમ કોઈને દેખાતી નથી ?
જેતપુર તા.5
પાક વીમો મંજુર કરવા બાબતે જેતપુર તાલુકા સાથે વર્તમાન સરકારે કરેલા ઘોર અન્યાય અને ઉપેક્ષાનો વિરોધ કરવા આજે તા.6 ને ગુરુવારે રાજકોટ-જેતપુરના કોંગ્રેસી આગેવાનો 500 થી પણ વધુ ખેડૂતોને સાથે રાખીને અહીના મામલતદારને આવેદન પાઠવી ઘટતું કરાવવાની માંગ દોહરાવશે.
આ બાબતે વિગતો આપતા જેતપુરના ઉદ્યોગપતિ અને દાતા જગદીશભાઈ પાંભર(રાજકોટ જીલ્લા કોન્ગ્રેસ ઉપપ્રમુખ) એ જણાવેલ કે ખેતી પ્રધાન દેશના ખેડૂતોને વધુ એક વખત હેરાન પરેશાન કરાયાની વિગતો એવી છે કે સને 2014-15 ના વર્ષની પાક વીમા આકારણીમાં સંબંધિત સરકારી તંત્રો જેતપુર તાલુકાને સાવ ભૂલી ગઈ હોય કે જાણી જોઇને ભેદભાવ રખાયો હોય તેમ એક પણ ટકો પાક વિમાની રકમ મંજુર નાં કરાઈ હોય, ખેડૂતોમાં ભારે રોષ સાથે અસંતોષ ફેલાયો છે.
કોંગ્રેસ પ્રદેશ ઉપપ્રમુખ ચંદુભાઈ શિંગાળા, રાજકોટ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ચોવટિયા, ઉપ પ્રમુખ જગદીશ પાંભર, અન્ય કોગ્રેસી આગેવાનો બચુભાઈ હિરપરા, વિપુલ વૈષ્ણવ, કિશોર પાદરીયા, પી.એલ.વસોયા, નારણ ઠુંગા, ભરત ધાધલ, પોપટ જેઠવા, ગોવિંદ ડોબરિયા, વિઠ્ઠલ બુટાણી વી આગેવાનોની આગેવાની તળે આવતીકાલ તા.6 ને ગુરુવારના રોજ મુખ્ય મંત્રી અને કૃષિ મંત્રીને ઉદેશીને લખાયેલા અને અત્રેના મામલતદારને અપાનાર આવેદનમાં જણાવાયું છે કે જેતપુર તાલુકાનો ડ્રોપ કટિંગ સર્વે તાત્કાલિક ફરીથી સર્વે કરાવી, આકારણી માટે તટસ્થ અધિકારીની નિમણુક કરી જેતપુર તાલુકાનો પાક વીમો મંજુર કરવો જરૂરી છે, અન્યથા ખેડૂતો સરકાર પરનો વિશ્વાસ ગુમાવશે તો આગામી ચુંટણીમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા વગર નહિ રહે.
બોક્સ: ખેડૂતોને મોટી સંખ્યામાં હાજર રહેવા અનુરોધ..
જેતપુર: જેતપુર ખાતે 500 થી પણ વધુ ખેડૂતોને સાથે રાખી પાક વીમો મંજુર કરવામાં થયેલા અન્યાયની માંગ કરવા માટે જેતપુર તાલુકાભરમાંથી ખેડૂતોને ઉમટી પડવા હાકલ કરી કરી જેતપુરના જગદીશ પાંભરે જણાવ્યું છે કે વર્તમાન ગુજરાત સરકાર જેતપુર તાલુકાને પાકિસ્તાનનો ભાગ ગણતું હોય તેમ એક પણ ટકો પાક વીમો મંજુર કર્યો નાં હોય જો ખેડૂત મૂંગા મોઢે બેસી રહેશે તો હજુ પણ આનાથી વધુ અન્યાય સહન કરવાનો ખેડૂતોને વારો આવશે, એટલુજ નહિ જો જેતપુર તાલુકાને ઉપરોક્ત વર્ષનો પાક વીમો નહિ ચૂકવાય તો જોયા જેવી કરવા કોંગ્રેસ આંદોલનના હથીયારો સજાવશે તેવું જગદીશ પાંભર જણાવે છે.
કશ્યપ જે. જોશી જેતલસર 9974262812