રાજકોટ
ચાલુ માસમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં પરશુરામ જયંતિની ઉજવણી થનાર છે તેમજ વિવિધ રાજકીય પક્ષો દ્વારા જુદા-જુદા પ્રશ્ને આંદોલનાત્મક કાર્યક્રમો કરવામાં આવે છે, તે ધ્યાને લેતાં આ સમય દરમ્યાન રાજકોટ ગ્રામ્ય, જિલ્લા વિસ્તારમાં કાયદો વ્યવસ્થા, જાહેર સુલેહ શાંતિ અને સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવો બનવા ન પામે તે માટે શ્રી એ.બી.ગોર, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ જિલ્લો, રાજકોટે એક હુકમ પ્રસિધ્ધ કરી તા. ૩૧-૫-૧૩ સુધી નીચે દર્શાવ્યા મુજબના કૃત્યો કરવાની મનાઇ ફરમાવી છે.
હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા પર, પથ્થરો અથવા ફેકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેકવા પર કે ધકેલવા પર અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવા પર, મનુષ્યો અથવા શબો અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવા પર, જેનાથી સુરુચિ અથવા નીતિઓનો ભંગ થાય, તેવા ભાષણ કરવા પર તથા ભેદભાવ અથવા ચેષ્ટા કરવા પર તથા તેવા ચિત્રો, પ્લેકાર્ડ, પત્રિકા અથવા બીજા કોઇ પદાર્થો અથવા વસ્તુઓ તૈયાર કરવા પર તથા બતાવવા પર અથવા ફેલાવો કરવા પર પ્રતિબંધ મૂકયો છે.
પોલીસ કમિશ્નરશ્રી, રાજકોટ શહેરની હકુમત સિવાયના રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સમગ્ર વિસ્તારોમાં આ પ્રતિબંધ લાગુ પડશે જે અધિકૃત પરવાનગી ધરાવનારાઓને લાગુ નહિ પડે. અન્યથા પ્રતિબંધનો ભંગ થયેથી શિક્ષાત્મક પગલા લેવાશે.
ભરૂચમાં તા.૧૫થી તા.૨૫ મે આર્મી ભરતી મેળો યોજાશે
રાજકોટ
રાજકોટ અમદાવાદ સ્થિત આર્મી રિક્રુટિંગ ઓફિસ દ્વારા ભરૂચમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તા.૧૫થી તા.૨૫ મે દરમિયાન ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સોલ્જર જનરલ ડ્યુટી, ક્લાર્ક, ટેકનિકલ, નર્સિંગ આસિસ્ટન્ટ સહિતના વિભાગો માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ભરતી મેળામાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના યુવાનો ભાગ લઇ શકશે. આ માટેની વધુ વિગતો માટે જિલ્લા રોજગાર કચેરીનો અથવા અમદાવાદની આર્મી રિક્રુટિંગ ઓફિસનો સંપર્ક સાધવા જણાવાયું છે. આ કેમ્પની જરૂરી વિગતો તાલીમ અને રોજગાર કચેરીના વેબસાઇટ www.talimrojgar.org ઉપરથી પર વિગતો જાણી શકાશે.
સુભાષનગરના ગુમ થયેલ પ્રૌઢ વિષે પત્તો આપવા સૂચના
રાજકોટ
રાજકોટના સુભાષનગર ખાતે રહેતા ૫૦ વર્ષના પ્રૌઢ ભરતભાઇ લાલજીભાઇ કોરાટ ગત તા.૩.૫.૨૦૧૩ના રોજ સવારે ૫.૦૦ વાગ્યે પોતાના ઘરેથી કોઇને કંઇ કહયા વગર જતા રહયા છે. મધ્યમ બાંધાના, વાને શ્યામવર્ણના પાંચ ફુટ છ ઇંચ ઉંચાઇ ધરાવતા આ ભાઇએ ગ્રે પેન્ટ અને શર્ટ પહેર્યા છે. અને આજ દિન સુધી ઘરે પાછા ફર્યા નથી. તેમનાં અંગે માહિતી મળે તો રાજકોટ શહેરના ભક્તિનગર પોલિસ સ્ટેશનને ૦૨૮૧-૨૩૯૧૦૫૮ નંબર પર જાણ કરવા જણાવાયું છે.
ભગવતીપરાનો તરુણ ખોવાયો
રાજકોટ
રાજકોટના ભગવતીપરા ખાતે રહેતો ૧૬ વર્ષનો તરૂણ પ્રૌઢ દિપુભાઇ લાલુભાઇ લોહાર ગત તા.૨૮.૪.૨૦૧૩ના રોજ બપોરે ૨.૦૦ વાગ્યે પોતાના ઘરેથી કોઇને કંઇ કહયા વગર જતા રહયા છે. પાતળા બાંધાના, વાને ઘઉંવર્ણના આ તરૂણે લાઇનીંગવાળું શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યા છે. અને આજ દિન સુધી ઘરે પાછા ફર્યા નથી. તેમનાં અંગે માહિતી મળે તો રાજકોટ શહેરના બી ડિવિઝન પોલિસ સ્ટેશનને ૦૨૮૧-૨૨૩૦૬૩૭ નંબર પર જાણ કરવા જણાવાયું છે.
આશાપુરાનગરની ગુમ થયેલ યુવતી વિષે પત્તો આપવા સૂચના
રાજકોટ
રાજકોટના આશાપુરાનગર ખાતે રહેતી ૩૧ વર્ષની યુવતી સોનલબેન કિરીટભાઇ મકવાણા ગત તા.૨૯.૪.૨૦૧૩ના રોજ સાંજે ૭.૦૦ વાગ્યે પોતાના ઘરેથી કોઇને કંઇ કહયા વગર જતા રહયા છે. મધ્યમ બાંધાની, વાને શ્યામવર્ણની પાંચ ફુટની ઉંચાઇ ધરાવતી આ યુવતીએ જાંબલી કલરનો ડ્રેસ પહેર્યો છે. અને આજ દિન સુધી ઘરે પાછી ફરી નથી. તેમનાં અંગે માહિતી મળે તો રાજકોટ શહેરના ભક્તિનગર પોલિસ સ્ટેશનને ૦૨૮૧-૨૩૯૧૦૫૮ અથવા મોબાઇલ નંબર ૯૪૨૬૯૯૮૭૯૨ પર જાણ કરવા જણાવાયું છે.
લોકસભા/વિધાનસભા પેટા ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ
આદર્શ આચારસંહિતાની આજથી અમલવારી
અધિકારી/કર્મચારીઓની બઢતી, બદલી અને રજા પર પાબંદી
રાજકોટ
આજે ભારતના ચૂંટણી પંચે ગુજરાત રાજયમાં યોજાનાર પોરબંદર, જેતપુર તથા ધોરાજી લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે.
તદઅનુસાર પોરબંદર લોકસભા બેઠક તથા રાજકોટ જિલ્લાની જેતપુર અને ધોરાજી- વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આગામી તા.૨ જુને યોજવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા જાહેર થયેલ કાર્યક્રમ મુજબ આદર્શ આચારસંહિતાનો સમગ્ર રાજકોટ જિલ્લામાં અમલ કરવા તાકિદ કરેલ છે. જે અનુસાર બઢતી, બદલી અને રજાઓ ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે. આ ઉપરાંત સરકારી કાર્યક્રમો, વિકાસકામોના ઉદઘાટનો, ખાતમુહૂર્ત અને નવા વિકાસ કામની જાહેરાત કરવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવેલ છે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી રાજકોટ દ્વારા જણાવાયું છે.
અમરનાથ યાત્રાનો એન્સાઇકલોપીડિયા
એટલે જીતુભાઇ લખતરીયા
યાત્રા અંગેની તમામ બાબતો અંગેનું તલસ્પર્શી અને
અનુભવસિધ્ધ જ્ઞાન અધરી યાત્રાને સહેલી બનાવવામાં મદદરૂપ
રાજકોટ
હિંદુ ધર્મમાં યાત્રા, તીર્થાટન અને ભ્રમણનો અનેરો મહિમા છે. બાર જયોતિર્લિંગ, ચાર ધામ, પશુપતિનાથ અને બાબા અમરનાથની યાત્રા સમગ્ર જીવન દરમ્યાન કરવાની દરેક હિંદુની મહેચ્છા હોય છે. આ તમામ યાત્રા પોતપોતાની રીતે અઘરી તો છે જ, પણે એટલે જ આ યાત્રાઓનો મહિમા પણ અનેરો છે.
આવા જ એક યાત્રાપ્રેમી છે-રાજકોટના શ્રી જિતુભાઇ લખતરીયા. ૧૯૯૬ની સાલથી દર વર્ષે તેઓ તેમના પરિવાર સાથે અમરનાથની યાત્રા તો કરે જ છે. ઉપરાંત, જીતુભાઇ અમરનાથ યાત્રાના માર્ગમાં ભંડારો ખોલી યાત્રાળુઓની સેવા તદ્દન વિના-મૂલ્યે કરે છે. જયાં સુધી અમરનાથ યાત્રા પુરી ન થાય ત્યાં સુધી તેઓ આ ભંડારામાં નિવાસ કરી યાત્રિકોની તકલીફો નિવારવામાં જીજાનથી મચી પડે છે. બરફના થર પર લોખંડની પાટ નાખી જાતે અગવડ વેઠીને પણ તેઓ હજારો યાત્રાળુઓની યાત્રા સુગમ બનાવે છે. રાજયના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જીતુભાઇને પ્રમાણપત્ર આપીને તેમની સેવાને બિરદાવી છે.
વધુ ને વધુ લોકો બાબા અમરનાથની યાત્રા કરે અને તમામ યાત્રાળુઓને અમરનાથ યાત્રા અંગે જરૂરી તમામ પ્રકારની માહિતી મળી રહે, યાત્રિકોને કોઇ પણ પ્રકારની તકલીફ ન પડે, તે માટે શ્રી જિતુભાઇ લખતરીયાએ સ્વ-ખર્ચે ''અમર આસ્થા'' નામની બુકલેટ પ્રકાશિત કરી છે, જેમાં અમરનાથનું ધાર્મિક મહત્વ, ટ્રેઇનો અંગેની તમામ માહિતી, હેલીકોપ્ટરમાં યાત્રા કરવી હોય તો તે અંગેની જાણકારી યાત્રા દરમ્યાન સાથે રાખવાની જરૂરી વસ્તુઓની યાદી, યાત્રા દરમ્યાન ધ્યાનમાં રાખવાની બાબતો, યાત્રાના ભયસ્થાનો તથા અમરનાથ યાત્રા અંગેની છેલ્લામાં છેલ્લી હકીકતોનું બખૂબી વર્ણન કરવામાં આવ્યું છે. બાબા અમરનાથની યાત્રા કરવા માગતા સૌ કોઇ માટે આ બુકલેટ અતિ ઉપયોગી માહિતી પુરી પાડે છે. આ બુકલેટ મેળવવા તથા બાબા અમરનાથની યાત્રા અંગે કોઇ પણ પ્રકારની જાણકારી મેળવવા માટે શ્રી જીતુભાઇ લખતરીયા મો.નં.૯૯૦૪૨૨૪૮૧૯નો સંપર્ક સાધી શકાય છે.
ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીની થયેલી જાહેરાત
આદર્શ આચાર સંહિતાનો આજથી અમલ
રાજકોટ ભારતીય ચૂંટણી આયોગ નવી દિલ્હી દ્વારા ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની પેટાચુંટણી યોજવાની આજરોજ તા. ૩-૫-૨૦૧૩ના રોજ જાહેરાત કરવામાં આવેલ છે. આ પેટા ચૂંટણી માટે તા. ૨-૬-૨૦૧૩ના રોજ મતદાન યોજાનાર છે. આ ચૂંટણીમાં રાજકીય પક્ષો-ઉમેદવારો માટેની આદર્શ આચારસંહિતા સમગ્ર રાજકોટ જીલ્લામાં આજ તા. ૩-૫-૨૦૧૩થી અમલમાં આવેલ છે.
ચૂંટણીમાં રાજ્ય સરકારના, પંચાયતોના સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ, બોર્ડ નિગમો વગેરેના વર્ગ-૧ થી લઇને વર્ગ-૪ સુધીના કર્મચારીઓની સેવાઓ ચૂંટણીના કામે ઉપલબ્ધ કરવી જરૂરી હોય, ચૂંટણી કામગીરી સંબંધમાં અધિકારીઓ-કર્મચારીઓની રજાઓ તેમજ બદલી પર પ્રતિબંધ માટે જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવી છે.
ચૂંટણી દરમ્યાન સત્તાધારી પક્ષોને મદદરૂપ થાય તેવા હેતુથી રાજકીય સમાચારોને અને સિધ્ધિઓને પ્રચારની જાહેરાત વર્તમાનપત્રો તથા અન્ય પ્રચાર માધ્યમો દ્વારા સરકારી ખર્ચે જાહેરનાણા દ્વારા ન કરવામાં આવે તેમજ સરકારી માધ્યમોનો દુરુપયોગ ન થાય તે જોવાનું રહેશે.
પ્રાથમિક, માધ્યમિક શાળાઓ, કોલેજોના તેમજ શિક્ષણ આપતા સંકુલોના મકાનો કે સ્થળનો રાજકિયપક્ષના ઉમેદવાર, ટેકેદારને કેન્દ્ર-રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ દ્વારા સામાન્ય સંજોગોમાં રાજકિય પ્રવૃત્તિ માટે ઉપયોગ કરી શકશે નહીં.
મંત્રીશ્રીઓ અને બીજા સત્તાધિકારીઓ કે સત્તાધારીના પક્ષની તરફેણમાં મતદારો પર વગ વધારે તેવા હેતુસર કોઇપણ રૂપમાં કોઇપણ જાતની નાણાકિય ગ્રાંટ અથવા તેના વચનોની જાહેરાત કરી શકશે નહીં. કોઇપણ વિકાસકામોના લોકાર્પણ-શિલારોપણ વિધિ કરી શકાશે નહીં. તેમજ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાના વચનો આપી શકાશે નહીં.
આ પેટા ચૂંટણી માટે જાહેર થયેલ કાર્યક્રમ અનુસાર નોટીફીકેશન તા. ૮-૫-૨૦૧૩ના રોજ બહાર પડશે, ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૧૫-૫-૨૦૧૩ તથા ઉમેદવારીપત્રો ચકાસણીની તા. ૧૬-૫-૨૦૧૩ અને ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની તા. ૧૮-૫-૧૩ અને મતદાન તા. ૨-૬-૨૦૧૩ને રવિવારના રોજ સવારના ૮-૦૦ વાગ્યાથી સાંજના ૫-૦૦ કલાક સુધી થશે. તેમજ મતગણતરી તા.૫ જૂન ૨૦૧૩ના કરાશે.
આજે અધિક જિલ્લા કલેકટર શ્રી એ.બી. ગોરની અધ્યક્ષતામાં રાજકિય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી અને આદર્શ આચારસંહિતાના નિયમો, કાયદાઓ વિગેરેથી તેમને માહિતગાર કરાયા હતા. આ બેઠકમાં નાયબ પેટા ચૂંટણી અધિકારીશ્રી કેતનભાઇ ઠકકર અને સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.