વડોદરા
ખેલ મહાકુંભમાં સિનિયર સિટીઝન્સ ક્રિકેટના સમાવેશની વિચારણા કરાશે - મંત્રીશ્રી રમણલાલ વોરા
ઓલ ઇન્ડિયા જામદાર એસોસીએશન યોજિત સિનિયર સિટીઝન્સ ક્રિકેટ સ્પર્ધાના વિજેતાઓને કર્યું ઇનામ વિતરણ
રમતગમત મંત્રીશ્રી રમણલાલ વોરાએ રવિવારે ઓલ ઇન્ડિયા જામદાર એસોસીએશન યોજિત સિનિયર સિટીઝન્સ ક્રિકેટ સ્પર્ધાની વિજેતા ટીમોને ઇનામ વિતરણ કર્યું હતું. રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના વડોદરા મેન્યુફેકચરીંગ યુનિટના સહયોગથી યોજવામાં આવેલી આ ટુર્નામેન્ટમાં મહેસાણા નગર વડીલજન મંડળ વિજેતા અને વાધોડિયા રોડ વડીલજન મંડળની ટીમ ઉપવિજેતા બની હતી. સ્પર્ધાના બેસ્ટ બોલરશ્રી અરૂણભાઇ, બેસ્ટ બેટસમેનશ્રી ડાહ્યાભાઇ અને બેસ્ટ ઓલરાઉન્ડરશ્રી સૂર્યકાન્તભાઇને પણ ઇનામોથી નવાજવામાં આવ્યા હતા. આયોજક મંડળના શ્રી રમાકાન્ત જામદારે સહુને આવકારવાની સાથે સિનિયર સિટીઝન્સ ક્રિકેટ વિકસે અને ક્રિકેટપ્રેમી વડીલજનો રમી શકે તેવી પ્રોત્સાહક જોગવાઇઓ રાજ્ય સરકાર કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
રાજ્યના ખેલ મહાકુંભમાં સિનિયર સિટીઝન્સ ક્રિકેટના સમાવેશ અંગે સકારાત્મક વિચારણા કરવાનો સંકેત આપતા શ્રી વોરાએ જણાવ્યું હતું કે ખેલ મહાકુંભના આયોજનથી વડીલજનો પ્રોત્સાહિત થયાં છે અને તેમના માટેની વિવિધ રમતોમાં ભાગ લઈને વિજેતા બને છે. વડીલજનો રમતગમતમાં સક્રિય થાય અને નિરોગી રહે એ રાજ્ય સરકાર માટે આનંદની વાત છે. ખેલ મહાકુંભના આયોજન પછી રાષ્ટ્રીયકક્ષાએ ગુજરાતના ખેલાડીઓને મળતા ચંદ્રકોની સંખ્યા વધી છે અને મહિલા ખેલાડીઓની સંખ્યામાં પણ ઉલ્લેખનીય વધારો થયો છે. તેમણે ખેલ મહાકુંભથી ગુજરાતમાં રમત સંસ્કૃતિ વિસ્તરશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે પૂર્વ નાયબ મેયર મમતા કાળે, નગરસેવક ડૉ. જીવરાજ ચૌહાણ, એસઆરપી ગૃપ-૯ના સેનાપતિશ્રી રણવીરસિંહ રહેવર, જિલ્લા રમતગમત અધિકારીશ્રી રાજુભાઇ વસાવા, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના સુકાની શ્રી જયેશ ભાલાવાળા, રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પીઆર મેનેજરશ્રી આશીષ ખારોડ અને વડીલજન મંડળોના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધાના આયોજનમાં બીસીએના અમ્પાયર્સ-સ્કોરર્સએ સહયોગ આપ્યો હતો.
બહેનો માટેના ફળ અને શાકભાજી પરિરક્ષણ તાલીમ વર્ગમાં પ્રવેશ મેળવો
કોઠી બિલ્ડિંગમાં બાગાયત ખાતાનું કોમ્યુનીટી કેનીંગ સેન્ટર કાર્યરત છે. હાલમાં ઉનાળાની રજાઓમાં બહેનો અને કિશોરીઓ વિવિધ ફળો અને શાકભાજીમાંથી જામ, જેલી, કેચઅપ, મુરબ્બા અને વાનગીઓ બનાવતા શીખી શકે તેવા આશય સાથે સેન્ટર ખાતે ફળ અને શાકભાજી પરિરક્ષણ તાલીમ વર્ગ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવેશ ઇચ્છુક બહેનોને સત્વરે ઉપરોક્ત કચેરીનો સંપર્ક કરવા અને પ્રવેશપત્રો ભરી દેવા જણાવાયું છે. ૧૫ દિવસની મુદતના તાલીમ વર્ગનો સમય બપોરના ૨-૦૦થી ૪-૦૦ કલાકનો રહેશે.
એ રૂટ પર ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસો માટે પ્રવેશબંધી - વાંધાસૂચનો મંગાવાયા
શહેર પોલીસ કમિશનરશ્રીએ કાયદાની સંબધિત જોગવાઇઓ હેઠળ પ્રવેશબંધીના પ્રાથમિક જાહેરનામાનો મુસદ્દો બહાર પાડયો છે. તેના દ્વારા વાહન વ્યવહારની સરળતા માટે તથા વિઘાર્થીઓ અને દર્દીઓને પડતી હાલાકી નિવારવા માટે અમદાવાદ-સૌરાષ્ટ્ર તરફથી આવતી અને શહેરમાં થઇને સુરત તરફ જતી તથા સુરત તરફથી આવતી અને શહેરમાં થઇને અમદાવાદ-સુરત તરફ જતી એટલે કે વડોદરા શહેર બહારથી શહેરમાં થઇને આવતી-જતી ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસો માટે ફતેગંજ (વડ) સર્કલથી એમ.એસ.યુનિવર્સિટીથી કાલાધોડા સર્કલથી જેલ રોડ, એસએસજી હોસ્પિટલથી મહારાણી શાંતાદેવી નર્સીંગ હોમથી રાજમહેલ મેઇન ગેટ થઇને મોતીબાગ તોપથી લાલબાગ ઓવરબિ્રજ સુધીના રૂટ પર પ્રવેશબંધી (નો એન્ટ્રી) અમલી બનાવવાનો નિર્ણય જાહેર કર્યો છે. જો કે આ બાબત વડોદરા શહેરથી ઉપડતી અથવા વડોદરા શહેર સુધી જ આવતી ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસોને લાગુ નહીં પડે. આનિર્ણયની બાબતમાં સંબંધિત જાહેરનામાની રાજ્ય સરકારના ગેઝેટમાં પ્રસિદ્ધિથી ૩૦ (ત્રીસ) દિવસની મુદતમાં નાગરિકો તેમના લેખિત વાંધાસૂચનો શહેર પોલીસ કમિશનરશ્રીની કચેરીને મોકલી શકશે.
દીપક ફાઉન્ડેશનના જાહેર આરોગ્ય તાલીમ સંસ્થાન ખાતે આજે ચાર રાજયોના તાલીમકારોની તાલીમ શરુ થશે
દીપક ફાઉન્ડેશન સાથે સંલગ્ન જાહેર આરોગ્ય તાલીમ સંસ્થાનની આશા મોડયુલ ૬/૭ની તાલીમ પ્રદાન કરવા માટે રાષ્ટ્રીયસ્તરની તાલીમ સંસ્થા તરીકે પસંદગી થઇ છે. તેના અનુસંધાને નેશનલ હાઇવે પર નિજાનંદ આશ્રમ ખાતે આવેલા સંસ્થા સંકુલમાં આવતીકાલ મંગળવાર તા. ૯/૪/૨૦૧૩ના રોજ સવારના ૧૦.૦૦ કલાકે સાંસદશ્રી પુરુષોત્તમ રૂપાલા પશ્ચિમ બંગાળ, ઓરીસ્સા, હરિયાણા અને મધ્યપ્રદેશના તાલીમકારોની ઉપરોકત તાલીમનો પ્રારંભ કરાવશે. નેશનલ હેલ્થ સિસ્ટમ રીસોર્સ સેન્ટરના સહયોગથી આ તાલીમ યોજવામાં આવી છે. અત્યાર સુધી ઉપરોકત મોડયુલની તાલીમ દેશમાં ગઢચિરૌલી, પૂના અને મૈસુર ખાતે અપાતી હતી. હવે તેમાં વડોદરાની સંસ્થાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આણંદ
આણંદ જિલ્લાની ત્રણ સહકારી સંસ્થાઓનું ચરોતર સહકારી વિકાસ રત્ન એવોર્ડથી સન્માન કરતા મંત્રીશ્રી રમણલાલ વોરા
જિલ્લાની ત્રણ મહિલા સહકારી મંડળીઓનું સન્માન
સહકારના વિષય પર યોજાયેલ નિબંધ સ્પર્ધાના વિજેતાઓનું સન્માન
નાના અને મધ્યમવર્ગના લોકોનું આર્થિક ઉપાર્જનનું માધ્યમ એટલે સહકારી સંસ્થા-મંત્રીશ્રી રમણલાલ વોરા
આણંદ - વર્ષ-૨૦૧૨ને આંતર રાષ્ટ્રિય સહકારી વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતુ. જેમાં આણંદ જિલ્લાની ધી ભાદરણ સેવા સહકારી મંડળીને નેશનલ કો-ઓપરેટીવ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (એન.સી.ડી.સી.) દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો હતો. ધી ચરોતર ગેસ સહકારી મંડળી લી. ને સીટીઝન ઇન્ટીગ્રેશન પીસી સોસાયટી, ન્યુ દિલ્હી દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો હતો. અને ધી ભાદરણ પીપલ્સ કો.ઓ.ઓપરેટીવ બેંક લી. ને નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો.ઓ.બેન્ક એન્ડ ક્રેડીટ સોસાયટીઝ-ન્યુ દિલ્હી દ્વારા એવોર્ડ આપવામાં આવ્યા હતા.
ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના વરદ હસ્તે આ મંડળીઓને કો.ઓપરેટીવ એકસલન્સ એવોર્ડથી, ધી ચરોતર ગેસ સહકારી મંડળી લી. ને ગોલ્ડ સ્ટર મિલેનીયમ એવોર્ડ અને રાજીવ ગાંધી શિરોમણી એવોર્ડ તથા ધી ભાદરણ પીપલ્સ કો.ઓ.બેન્ક લી.ને બેંકે ૧૦૦ વર્ષ પૂર્ણ કરતા અર્બન કો. ઓ. બેન્ક એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે શોષણ વિહીન સમાજની રચના કરવા માટે સહકારી સાહસો જરૂરી છે. સહકારી પ્રવૃતિઓમાં મંડળીઓએ નિષ્ઠાથી કામ કર્યુ છે તેથી જ ગ્રામ્ય લેવલની મંડળીઓની આગળ વધી રહી છે.
ગુજરાત રાજય સહકારી પ્રવૃતિઓમાં દેશમાં આગવું સ્થાન ધરાવે છે. મંદીની કોઇ અસર સહકારી સંસ્થાઓને થઇ નથી. ગ્રામ્ય લેવલે આ એવોર્ડ મેળવનાર સહકારી મંડળીઓએ સુંદર કામગીરી કરી છે જેથી તેઓની કામગીરીની નોંધ રાષ્ટ્રીય કક્ષાએ લેવામાં આવી છે. આ તમામ ત્રણ મંડળીઓના સભાસદો ધન્યવાદને પાત્ર છે. સહકારી સાહસોના સભાસદો વહીવટી કુશળતા ધરાવે છે.
આ પ્રસંગે જિલ્લાની ૧૨૫૦ સહકારી મંડળીઓ, આણંદ જિલ્લાની સરકારી કચેરી અને અગત્યના નંબરો ધરાવતી ડીરેકટરીનું વિમોચન કરવામાં આવ્યું હતું અને વધુમાં ઉમેર્યુ હતું કે આણંદ જિલ્લાનું નામ રોશન કરનાર આ ત્રણેય સહકારી મંડળીઓનું રાજય કક્ષાએ પણ સન્માન કરવામાં આવશે.
છેવાડાના માનવીની દલિત મહિલાઓએ જે કામ કર્યુ છે તે ખૂબ જ અભિનંદનને પાત્ર છે. સહકારી મંડળીઓની બહેનોએ રાજય સરકાર દ્વારા સખીમંડળોને લોન આપવામાં આવે છે તેમની સાથે જોડાઇ ને કામ કરવા અનુરોધ કર્યો હતો.
બહેનો દ્વારા ગ્રામ્ય કક્ષાએ પશુપાલનની સુંદર કામગીરી કરવામાં આવે છે. તેથી જ તે પરિવારનું ગુજરાન ચાલતું હોય છે તેમ ઉમેર્યુ હતું.
સહકારી મંડળીઓ નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામ કરે અને ઉતરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
એન.સી.યુ.આઇ. ન્યુ-દિલ્હીના વાઇસ પ્રેસિડન્ટ અને ગુજરાત રાજય સહકારી સંધના અધ્યક્ષ ધનશ્યામભાઇ અમીને જણાવ્યું હતું કે સહકારી પ્રવૃતિઓને આગળ ધપાવવામાં મહિલાઓ અને યુવાનોનો મહત્વનો ફાળો છે. આંતર રાષ્ટ્રીય સહકારી વર્ષ-૨૦૧૨ દરમિયાન વિવિધ ૧૫ પ્રકારની પ્રવૃતિઓ રાજય સંધ દ્વારા કરાવવામાં આવી હતી. આણંદ જિલ્લામાં ૧૭૦૦ જેટલી સહકારી મંડળીઓ કાર્યરત છે. આ તમામ સહકારી મંડળીઓનો રોલ દેશની ઇકોનોમી જાળવી રાખવામાં મહત્વનો છે.
આણંદ જિલ્લા સહકારી સંધ દ્વારા વર્ષ-૨૦૧૨ માં આંતર રાષ્ટ્રીય વર્ષ હોઇ સહકારના વિષય ઉપર નિબંધ અને વકતૃત્વ સ્પર્ધા ઇન્ટર યુનિવર્સિટી લેવલે યોજવામાં આવી હતી. જેમાં પ્રથમ ત્રણ ક્રમે આવનાર નલીની આટર્સ કોલેજ-વિઘાનગરની કું. પ્રિતી ગુલાબભાઇ ભૌયા, આટર્સ એન્ડ સાયન્સ કોલેજ-ભાદરણના વિપુલ છત્રસિંહ જાદવ તથા એન.એસ.પટેલ આટર્સ કોલેજ-આણંદની હિના અનવરભાઇ વોરાને મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વર્ષ-૨૦૧૧-૨૦૧૨ માં આણંદ જિલ્લાની મહિલા સહકારી મંડળીઓની શીલ્ડ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં પ્રથમ ક્રમે ધી ભાલબારા દલિત મહિલા કો.ઓ. ક્રેડીટ સોસાયટી, મું.દહેડા તા. ખંભાત, બાજા ક્રમે ધી શૈશવ બાળ સેવા મહિલા સહકારી મંડળી લી.-આણંદ અને ત્રીજા ક્રમે શ્રી શ્રમશકિત મહિલા આરોગ્ય સેવા સહકારી મં.લી.આણંદ વિજેતા જાહેર થયા હતા આ ત્રણેય મંડળીના સભાસદોનું શિલ્ડ અને પ્રશસ્તિપત્ર આપી મંત્રીશ્રી અને મહાનુભાવો દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું.
આણંદ જિલ્લા સહકારીસંધના અધ્યક્ષ જે.ડી.પટેલ,પૂર્વ સહકાર રાજય મંત્રી સી.ડી.પટેલ અને જિલ્લા રજિસ્ટ્રાર ઇન્દ્રવદન પુરોહિતે પ્રાસંગિક પ્રવચન કરી આણંદ જિલ્લાની મંડળીઓએ રાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે તેમ જણાવ્યું હતું. સ્વાગત પ્રવચન અને આભારવિધિ આણંદ જિલ્લા સહકારી સંધના એકઝીકયુટીવ ઓફિસર સુરેશભાઇ હતો.
આ કાર્યક્રમમાં પેટલાદ નગર પાલિકાના પ્રમુખ ધનશ્યામભાઇ પટેલ, અગ્રણી રમણભાઇ સોલંકી, હેમંતભાઇ પટેલ, ભાવેશભાઇ શાસ્ત્રી, કમલેશભાઇ પટેલ, રાજેશભાઇ પટેલ, જિલ્લા પંચાયત/તાલુકા પંચાયત અને નગરપાલિકાના પદાધિકારીઓ તથા સહકારી સંસ્થા સાથે જોડાયેલ સહકારી આગેવાનો તથા મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.