ગુજરાતના કૃષિ મંત્રીશ્રીનો શ્રી શરદ પવારને પત્ર
ગુજરાતના કિસાનોને રવિપાકમાં ડી.એ.પી. ખાતરની ૧.ર૦ લાખ મે. ટન જરૂર સામે માત્ર રર૮૦૦ મે.ટનની ફાળવણીનો ધોર અન્યાય
કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંધાણીએ કેન્દ્રના કૃષિમંત્રીશ્રી શરદ પવારને પત્ર પાઠવીને ગુજરાતના કિસાનોની ડી.એ.પી. ખાતરની રવિપાકો માટેની ૧.ર૦ લાખ મે.ટનની જરૂરિયાત સામે માત્ર રર૮૦૦ મે.ટન ડી.એ.પી. ખાતરની ફાળવણીને હળાહળ અન્યાય કરનારી ગણાવી ઉગ્ર વિરોધ વ્યકત કર્યો છે.
શ્રી દિલીપભાઇ સંધાણીએ ગુજરાત જેવા કૃષિ ક્ષેત્રે અગ્રીમ અને કૃષિ વિકાસ દરમાં દેશમાં અગ્રેસર રહેલા રાજ્યના ખેડૂતોને હળાહળ અન્યાય કરવાની કેન્દ્રની યુ.પી.એ. સરકારની માનસિકતાની આલોચના કરતો પત્ર કેન્દ્રીય કૃષિમંત્રીશ્રી શરદ પવારને પાઠવ્યો છે.
કૃષિમંત્રીશ્રીએ પત્રમાં જણાવ્યું છે કે ગુજરાતમાં આ વરસે ચોમાસું સારૂ રહ્યું છે અને સિંચાઇ હેઠળના વિસ્તારોના જળાશયોમાં ૯પ ટકા જેટલો જળસંગ્રહ થતાં, રાજ્યમાં ૪૦ લાખ હેકટર જમીનમાં રવિપાકની વિપૂલ સંભાવના છે ત્યારે જ, કેન્દ્રની સરકારે ગુજરાતના ધરતીપૂત્રોને આર્થિક પાયમાલીમાં ધકેલી દેવાના મેલા ઇરાદા સામે 1 લાખ ર૦ હજાર મેટ્રિક ટનની ડી.એ.પી. ખાતરની માંગ સામે માત્ર રર હજાર આઠસો મે.ટન ડી.એ.પી. ખાતરનો જથ્થો મંજૂર કર્યો છે જે કિસાનોની હામ તોડનારો છે.
આ અગાઉ ખરીફ-ર૦૧૧ મોસમ માં એપિ્રલ-૧૧ થી સપ્ટેમ્બર-ર૦૧૧ના છ માસના ચોમાસુ પાકોના સમયમાં પણ રાજ્યના કિસાનોની ૪ લાખ ૮૦ હજાર મેટ્રિક ટન ડી.એ.પી. ખાતરની જરૂરિયાત સામે 1 લાખ ર૭ હજાર મેટ્રિક ટન ઓછા ડી.એ.પી. ખાતરની ફાળવણી કરી હતી, તેની પૂર્તિ કરવાની વાત તો એક તરફ રહી, પરંતુ હવે તો, રવિ પાકના વિપુલ ઉત્પાદન દ્વારા સમૃધ્ધિના માર્ગે જઇ રહેલા ગુજરાતના કિસાનોને પાયમાલ કરવાની જ મૂરાદ ધરાવતી હોય તેમ કેન્દ્ર સરકારે રવિ મોસમ માટે પણ અત્યંત અપૂરતો ડી.એ.પી. જથ્થો ગુજરાત માટે મંજૂર કરી ગુજરાતને હળાહળ અન્યાયની પરંપરામાં વધુ એક વરવું પ્રકરણ ઉમેર્યું છે તેમ પણ શ્રી દિલીપભાઇ સંધાણીએ કેન્દ્રીય કૃષિમંત્રીશ્રીને પાઠવેલા પત્રમાં રાજ્યના લાખો ધરતી પૂત્રોની ઉગ્ર લાગણીનો પ્રતિધોષ પાડતા જણાવ્યું છે, અને ચેતવણી આપી છે કે ગુજરાતના કિસાનો કેન્દ્રના આ અન્યાયને સાંખી લેશે નહીં.
રાજ્યમાં સામાજિક આર્થિક અને જાતિ આધારિત વસતિ ગણતરી ૧પ ડિસેમ્બરથી
ગાંધીનગરઃ મંગળવારઃ કેન્દ્ર સરકારની સૂચના અને તાંત્રિક સહાય હેઠળ સમગ્ર દેશમાં હાથ ધરાનાર સામાજિક-આર્થિક અને જાતિ આધારિત વસતિ ગણતરીની કામગીરી ગુજરાત રાજ્યમાં તા. ૧પ ડીેસેમ્બર, ર૦૧૧થી શરૂ થનાર છે. આ વસતિ ગણતરીની કામગીરી રાજ્યના તમામ શહેરી વિસ્તારો અને તમામ ગામડાંઓમાં હાથ ધરાનાર છે. આ કામગીરી માટે ગ્રામ્ય વિસ્તાર માટે રાજ્ય કક્ષાએ અધિક કમિશનર, ગ્રામ વિકાસને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરેલ છે, તે જ રીતે શહેરી વિસ્તાર માટે સચિવ, શહેરીવિકાસ અને શહેરી ગૃહનિર્માણની નોડલ અધિકારી તરીકે નિમણૂંક કરેલ છે. આ ઉપરાંત કલેકટરને જિલ્લાના મુખ્ય વસતિ ગણતરી અધિકારી તરીકે તથા મ્યુનિસિપલ કમિશનરને સંલગ્ન મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના મુખ્ય વસતિ ગણતરી અધિકારી તરીકે નિયુક્તિ અંગે જાહેરનામું બહાર પાડેલ છે.
તાલુકા કક્ષાએ મામલતદારોને સેન્સસ ચાર્જ અધિકારી તરીકે અને ચીફ ઓફીસરોને સંલગ્ન નગરપાલિકા વિસ્તાર માટે સેન્સસ ચાર્જ અધિકારી તરીકે નિમવામાં આવેલ છે. તેમ અધિક કમિશનર અને નોડલ ઓફિસર, ગ્રામવિકાસે એક યાદીમાં જણાવ્યું છે.
ધોરણ ૧૦ની ફેલોશીપ શિષ્યવૃત્ત્િાના અરજીપત્રકો ૩૦ ઓકટોબર સુધીમાં મોકલી આપવા
ગાંધીનગરઃ મંગળવારઃ ગુજરાત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવ્યા મુજબ ધોરણ-૧૦ની માર્ચ ૨૦૧૧ની પરીક્ષામાં વધુ ગુણ મેળવ્યા હોય તેવા એસ.સી/ એસ.ટી/ ઓ.બી.સી/ જનરલ વિઘાર્થીઓને ફેલોશીપ શિષ્યવૃત્ત્િાના ફોર્મ સબંધિત શાળાઓએ વિઘાર્થીઓ પાસે ભરાવીને જરૂરી આધારો સાથે તા.૩૦-૧૦-૨૦૧૧ સુધીમાં મોકલી આપવા.
આ ફોર્મ હિસાબી અધિકારી, ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી, ર્ડા. જીવરાજ મહેતા ભવન, બ્લોકનં ૧૨/૨, ગાંધીનગરને મોકલી આપવાના રહેશે. અગાઉ આ ફોર્મ આપવા માટેની અંતિમ તા.૩૦-૯-૨૦૧૧ હતી તે લંબાવીને તા.૩૦-૧૦-૧૧ કરવામાં આવી છે તેની નોંધ લેવી.
ગ્રાહક તકરાર નિવારણ પંચમાં દિવાળી વેકેશન
ગાંધીનગરઃ મંગળવારઃ રાજયના ગ્રાહક તકરાર નિવારણ પંચમાં તા.૨૪-૧૦-૨૦૧૧ થી તા.૬-૧૧-૨૦૧૧ સુધી (બંન્ને દિવસો સહિત) દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.
આમ છતાં ગુજરાત સરકારે જાહેર કરેલી રજાઓ સિવાયના દિવસોમાં પંચની કચેરી કાર્યરત રહેશે.વેકેશન દરમિયાન જાહેર રજાના દિવસ સિવાય તેની અવધિમાં વકાલતપત્રો અને જવાબો સ્વિકારવામાં આવશે. તેમજ કોઇ અરજદારે વેકેશન દરમિયાન કેસ ચલાવવો હશે તો કચેરીને અગાઉથી જાણ કરવાની રહેશે તેમ રજીસ્ટ્રાર ગ્રાહક તકરાર નિવારણ પંચની યાદીમાં જણાવાયું છે.
રાજ્ય સરકાર દ્વારા ખેતમજૂર માટે લધુત્તમ વેતન રૂા. ૧ર૦ નક્કી કરાયું
ગાંધીનગરઃ મંગળવારઃ રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ, ગાંધીનગરના એક જાહેરનામા દ્વારા ખેતકામ કરતા ખેતમજૂર માટે દૈનિક લધુત્તમ વેતન રૂા. ૧ર૦/- જાહેર કરવામાં આવ્યું છે. વધુમાં કાયમી મજૂર કે જેને એક મહિનાથી બાર મહિના માટે ખેતમજૂરી કામ માટે રાખવામાં આવે છે, જેને ચાકર, ભાગિયા, હાથી અથવા સાથી તરીકે ઓળખવામાં આવે છે તેમના માટે વાર્ષિક રૂા. ૪૩,૮૦૦/- નક્કી કરવામાં આવ્યા છે. ઉપરોક્ત વેતનમાં પુરૂષ અને મહિલાઓને સરખું વેતન આપવામાં આવશે તેમજ પાર્ટટાઇમ કામ કરનાર ખેતમજૂરને પ૦ ટકા વેતન આપવામાં આવશે
રાજ્ય સરકાર દ્વારા જરદોસી કામના કામદારો માટે લધુત્તમ દૈનિક વેતન નક્કી કરાયું
ગાંધીનગરઃ મંગળવારઃ રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ, ગાંધીનગરના એક જાહેરનામા મુજબ રાજ્યમાં જરદોસી કામ કરતાં રોજગારો માટે લધુત્તમ દૈનિક વેતન નક્કી કરવામાં આવ્યું છે. જેમાં સ્કિલ્ડ રોજગારો માટે ઝોન-૧માં લધુત્તમ દૈનિક વેતન રૂા. ૧પ૬.૮૦ અને ઝોન-રમાં રૂા. ૧પપ.૮૦, સેમિ સ્કિલ્ડ રોજગારો માટે ઝોન-૧માં રૂા. ૧પપ.૮૦ અને ઝોન-રમાં રૂા. ૧પ૪.૮૦ તેમજ અન સ્કિલ્ડ રોજગાર માટે ઝોન-૧માં રૂા. ૧પ૪.૮૦ અને ઝોન-રમાં રૂા. ૧પ૩.૮૦ દૈનિક વેતન નક્કી કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઝોન-૧માં મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ તેની આજુબાજુના ૧૦ કિ.મી. વિસ્તારનો સમાવેશ થાય છે. તેમજ ઝોન-રમાં ઝોન-૧ સિવાયના રાજ્યના તમામ વિસ્તારનો સમાવેશ થાય છે. ઉપરોક્ત વેતનમાં પુરૂષ અને મહિલા કામદારોને સમાન વેતન આપવામાં આવશે. વધુમાં તેમને દૈનિક વેતનના બેઝીક રેટ પ્રમાણે દૈનિક ર૦ પૈસા અથવા માસિક પ.ર૦ પૈસા ખાસ ભથ્થુ આપવામાં આવશે.
સંયુકત રાષ્ટ્રસંઘ દિન નિમિત્તે વિવિધ સરકારી કચેરીઓ પર સંયુકત રાષ્ટ્રસંઘનો ધ્વજ ફરકાવવામાં આવશે.
રાજકોટ તા. ૧૮ ઓકટોબર– ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના જણાવાયા અનુસાર આગામી ૨૪ ઓકટોબરે સંયુકત રાષ્ટ્રસંઘ દિનની ઉજવણી નિમિત્તે જયાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે, તે સરકારી કચેરીઓ પાસે સંયુકત રાષ્ટ્રસંઘનો ધ્વજ હોય તે કચેરીઓમાં રાષ્ટ્રધ્વજની સાથે સંયુકત રાષ્ટ્રસંઘનો ધ્વજ ફરકાવવામાં આવશે.
લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાશે.
રાજકોટ તા. ૧૮ ઓકટોબર– રાષ્ટ્રના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની ૧૩૬મી જન્મજયંતી નિમિત્તે ૩૧ ઓકટોબર-૨૦૧૧ના રોજ સરદાર સ્મારક ટ્રસ્ટ તરફથી કિસાનપરા ચોક, રેસ કોર્સ રીંગ રોડ, રાજકોટ ખાતે સાંજે ૫.૧૫ થી ૫.૪૫ સુધી પ્રાર્થના અને પુજય સરદારજીની પ્રતિમાને સુતાંજલિ-પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાશે, તેમ સરદાર વલ્લભભાઇ પટેલ સ્મારક ટ્રસ્ટના મંત્રીઓ શ્રી ઉષાકાંત માંકડ અને અલ્પનાબહેન ત્રિવેદીની યાદીમાં જણાવાયું છે.
એરમેન ભરતી મેળાના આયોજન અંગેની બેઠક
રાજકોટ તા. ૧૮ ઓકટોબર – રાજકોટ જિલ્લા કલેકટર ડો. રાજેન્દ્રકુમારના અધ્યક્ષસ્થાને એરમેન ભરતી મેળાના આયોજન અંગેની બેઠક ૨૦ ઓકટોબર-૨૦૧૧ના રોજ બપોરે ૪.૦૦ વાગે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. કમાન્ડિંગ ઓફિસર, ૬-એરમેન સીલેકશન સેન્ટર, મુંબઇ દ્વારા રાજકોટ ખાતે તા.૫ થી તા.૮ નવેમ્બર-૨૦૧૧ દરમ્યાન યોજાનાર આ ભરતી મેળો યોજાશે, તેમ મદદનીશ નિયામક(રોજગાર ), રાજકોટની યાદીમાં જણાવાયું છે.
રાજકોટ ગ્રામ્ય પોલિસ દ્વારા ઇમરજન્સી હેલ્પલાઇનો શરૂ કરાઇ.
પ્રજાજનો એસ.ટી.ડી.કોડ સિવાય સીધો નંબર જોડી શકશે.
રાજકોટ તા. ૧૮ ઓકટોબર – રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલિસ કન્ટ્રોલરૂમ ખાતે ચાર હેલ્પલાઇન નંબરો શરૂ કરાયા છે. ક્રાઇમ સ્ટોપર સેલ-૧૦૯૦, વુમન ક્રાઇસીઝ રીસ્પોન્સ સેન્ટર-૧૦૯૧, ટ્રાફિક હેલ્પલાઇન-૧૦૯૫ અને સીનિયર સિટિઝન હેલ્પલાઇન-૧૦૯૬ નામના પોલિસ ખાતા સંબંધિત આ હેલ્પલાઇન નંબરો નાગરિકોએ એસ..ટી.ડી.કોડ લગાવ્યા સિવાય સીધા જોડવાના રહેશે. આ સુવિધાનો લાભ લેવા રાજકોટ ગ્રામ્યના પોલિસ અધિક્ષકશ્રી પ્રેમવીરસિંહ યાદવની યાદીમાં જણાવાયું છે.
દ્વિચક્રીય વાહનો માટે જી.જે.૩-ઇડી સીરીઝ શરૂ થશે
રાજકોટ તા. ૧૮ ઓકટોબર - પ્રાદેશિક વાહનવ્યવહારની કચેરી, રાજકોટ દ્વારા દ્વિચક્રી વાહનો માટે તા.૦૧/૧૧/૨૦૧૧ના રોજ જી.જે.૩-ઇડી(GJ-૩- ED) ૧ થી ૯૯૯૯ સુધીના નંબરોની નવી સીરીઝ શરૂ કરવામાં આવનાર છે. જેમાં પસંદગીનાં નંબર મેળવવા અરજદારે નિયત ફી રૂ ૫૦૦/- કે તેથી રકમની ઓફર સહિતની અરજી એક જ ડીમાન્ડ ડ્રાફટ/પે ઓર્ડર સામેલ કરી પોસ્ટ ખાતા મારફત રજી. ટપાલ/રજી. એ.ડી.થી કરવાની રહેશે. જી.જે.૩-ઇડી સીરીઝ માટે પસંદગી નંબરોની અરજી નીચે દર્શાવેલ વિગતો ધ્યાને લઇ કરવાની રહેશે તથા નીચે દર્શાવેલ વિગતે પસંદગી નંબરની ફાળવણી કરવામાં આવશે.
જી.જે.૩-ઇડી સીરીઝના પસંદગી નંબરો માટે અરજી સેલ સર્ટિફીકેટ (ફોર્મ-ર૧)ની તારીખથી તા.૨૪-૧૦-૨૦૧૧ ના રોજ દિવસ ૩૦ પૂર્ણ થયેલ ન હોય તેવા અરજદારોએ અરજી કરવી. તે સિવાયની અરજી કરેલ હશે તો દફતરે કરવામાં આવશે.
પોષ્ટ ખાતા મારફત મોકલેલ કવર ઉપર ‘‘ઇડીમાં પસંદગી નંબર માટે’’ ફકત લખવાનું રહેશે. કવર ઉપર લેવા માંગતા વાહન નંબર લખવાના રહેશે નહિ. તા. ૨૪-૧૦-૧૧ સુધી મળેલ અરજીઓ જ માન્ય રહેશે. ત્યાર બાદ મળેલ અરજીઓ દફતરે કરવામાં આવશે.
નમૂનો-ર૦ રજીસ્ટ્રેશનની હુકમ થયેલ, અસલ દસ્તાવેજો સાથે ડી.ડી/પે ઓર્ડર મોકલવાના રહેશે તેમજ પસંદગી નંબર માટેની અરજીમાં ‘‘પસંદગી’’ નંબર તથા સીરીઝ સાથે દર્શાવવાની રહેશે તેમજ ઓફરની રકમ તથા ડી.ડી./પે ઓર્ડરની વિગત દર્શાવવાની રહેશે. પસંદગી નંબર માટે એકજ ડી.ડી./પે ઓર્ડર સામેલ રાખવાનો રહેશે.
પે. ઓર્ડર/ડી.ડી.છ(૬) માસની અંદરનો હોવો જોઇએ તેમજ એક જ પસંદગી નંબર માટે એક સરખી રકમની ઓફર હોય તેવા કિસ્સામાં ના મ ના અંગ્રેજી આલ્ફાબેટ A-B-C ના ક્રમ મુજબ જે અરજદારનો નામનો આલ્ફાબેટ પ્રથમ હશે તેને નંબરની ફાળવણી કરવામાં આવશે.
કવર પર અરજદારનું પુરુ નામ સરનામું દર્શાવવાનું રહેશે.
એકજ પસંદગી નંબર માટે એક થી વધુ અરજી ઓ આવેલ હશે તેવા કિસ્સામાં જે વાહનમાલિકશ્રીએ વધુ રકમનો ડી.ડી./પેઓર્ડર સાથે અરજી કરેલ હશે તેને ફાળવવામાં આવશે.
પોસ્ટ ખાતા મારફત અરજીઓ ખોલી તેનું વર્ગીકરણ કરી જે અરજદારને નંબરની ફાળવણી કરેલ હશે, તેનું લીસ્ટ તા.૦૧.૧૧.૨૦૧૧ના રોજ નોટિસ બોર્ડ પર પ્રસિધ્ધ કરવામાં આવશે. આ તારીખ સિવાય પસંદગીના નંબરના અરજદારે પૂછપરછ માટે રૂબરૂ સંપર્ક સાધવો નહીં.
પસંદગી નંબર માટે આવેલ અરજી અંગે કોઇ વિવાદ ઉભો થશે તો તેવા કિસ્સામાં પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ લીધેલ નિર્ણય આખરી ગણવાનો રહેશે. પસંદગી નંબર માટે આવેલ અરજીઓ તે નોંધાયેલ અરજીના પત્રકો તથા દફતરે કરેલ અરજીઓ સીરીઝ શરૂ થયાની તારીખથી ત્રણ માસ સુધી કચેરીના હિતમાં જાળવામાં આવશે.
જી.જે.૩-ઇડી(GJ-૩- ED) સીરિઝમાં નિયત ફી રૂ. ૫૦૦/- રોકડેથી વસૂલી પસંદગી નંબરોની ફાળવણી તા.૦૩.૧૧.૨૦૧૧થી કરવામાં આવશે. જેનો સમય સવારના ૯.૦૦થી ૧૧.૦૦ સુધીનો રહેશે.
આ પસંદગી નંબરની ફાળવણી દરમ્યાન કોઇ કર્મચારી કે અધિકારીની ફરજમાં રૂકાવટ કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો તે વ્યકિત સામે કાયદેસરની કામગીરી હાથ ધરી પોલીસ હવાલે કરવામાં આવશે. જેની પણ નોંધ લેવા શ્રી ડી.આર .પટેલ,પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારી, રાજકોટ દ્વારા જણાવાયુ છે.
૨૪ ઓકટોબર -‘‘યુનાઇટેડ નેશન્સ ડે’’ખાસ લેખ- સોનલ જોષીપુરા
એલ.પી.જી. અર્થાત લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશનના આ સમયમાં આર ્થિક સધ્ધરતા સામે અન્ય બાબતો ગૌણ બની જાય છે. એટલે મહદ્દઅંશે વિશ્વમાં શાંતિ નું સામ્રાજય જોવા મળે છે. પરંતુ, ૧૯૧૩ અને ૧૯૩૯ના વિશ્વયુધ્ધો પછી સમગ્ર વિશ્વમાં હિંસા, આતંક અને ખૂનામરકીના વાતાવરણ વચ્ચે વિશ્વના અગ્રણી દેશોના વડાઓએ એકઠા થઇ સંયુકત રીતે એક એવી સંસ્થા સ્થાપવાનું નક્કી કર્યું કે જે વિશ્વમાં શાંતિ અને સુલેહનું વાતાવરણ સ્થાપવાના પ્રયાસોમાં મદદર ૂપ થાય. અને તેનું એક અલગ બંધારણ પણ હોય, જેથી અન્ય દેશોના વિવાદમાં તે મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે. આ હેતુઓની પૂર્તિ માટે ઇ.સ.૧૯૪૫ની ૨૪ ઓકટોબરે સંયુકત રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી.આ દિવસની યાદમાં યુનાઇટેડ નેશન્સના સભ્ય દેશોમાં દર વર્ષે ૨૪ ઓકટોબરના રોજ યુનાઇટેડ નેશન્સ ડે(સંયુકત રાષ્ટ્રસંઘ દિન)ની ઉજવણી કરવામાં આવે છે.
યુનાઇટેડ નેશન્સ ડે(સંયુકત રાષ્ટ્રસંઘ દિન)ની ઉજવણી વિવિધ રાષ્ટ્રોમાં વિવિધ પ્રકારે કરવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સના જીનિવા સ્થિત બિલ્ડીંગના જનરલ એસેમ્બલી હોલમાં આ દિવસે યુ.એન.ના જનરલ સેક્રેટરી સભ્ય દેશોના વડાઓ અને પ્રતિનિધિઓની સભાને સંબોધે છે. તેમની ગેરહાજરીમાં તેમના સંદેશાનું પઠન કરવામાં આવે છે. યુ.એન.ના સભ્ય દેશોની શાળાઓમાં ચર્ચાસભા, શાંતિયાત્રા, નિબંધ અને વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વગેરે યોજવામાં આવે છે, અને વિવિધ માધ્યમો દ્વારા એવો સંદેશો ફેલાવવામાં આવે છે કે, સમગ્ર વિશ્વ આપણાં બધાનું છે, જેમાં માનવહક્કોની જાળવણી, હિંસા અને અત્યાચારને દેશવટો તથા સંવાદ અને સહકાર દ્વારા શાંતિમય વિશ્વનું નિર્માણ બધાએ એક થઇને કરવાનું છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, યુનાઇટેડ નેશન્સ ડે(સંયુકત રાષ્ટ્રસંઘ દિન)ના હાલના જનરલ સેક્રેટરી બાન કી મુન છે. જયારે ટ્રીગ્વે લી, દાગ હેમરશીલ્ડ, યુ થાન્ટ, કુર્ત વાલ્ધેઇમ, ઝેવિયર પેરેઝ ડી સ્યુલર, બુત્રોસ બુત્રોસ ઘાલી અને કોફી અન્નાન વગેરે અગાઉ આ પદ શોભાવી ચુકયા છે.
યુનાઇટેડ નેશન્સ ડે(સંયુકત રાષ્ટ્રસંઘ દિન)ની ઉજવણી ભારત અને ગુજરાતમાં પણ કરવામાં આવે છે અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. રાજયભરની સરકારી કચેરીઓમાં રાષ્ટ્રધ્વજની સાથે સંયુકત રાષ્ટ્રસંઘનો ધ્વજ ફરકાવવામાં આવે છે.
મતદારયાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરાયો.
રાજકોટ તા. ૧૮ ઓકટોબર - મતદારયાદીની સંક્ષિપ્ત સુધારણા હાથ ધરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો. રાજેન્દ્રકુમાર દ્વારા નીચે દર્શાવેલ યાદી જાહેર કરાઇ છે.
· પહેલી નવેમ્બર સુધી ચાલનારા મતદારયાદી સુધારણા કાર્યક્રમ અન્વયે ૨૩ ઓકટોબર સુધી નજીકના મતદાન મથકે બી.એલ.ઓ. સવારના ૯ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી બેસશે.
· મતદારયાદીમાં મતદારો તેમના નામ ચકાસી શકશે.
· મતદારયાદીમાં નામ ઉમેરવા માટે ફોર્મ નં-૬, મતદારયાદીમાં નામ કમી કરવા માટે ફોર્મ નં-૭, મતદારયાદીમાં નામની વિગતો સુધારવા માટે ફોર્મ નં-૮ અને મતદારયાદીમાં બીજા ભાગમાં બદલવા માટે ફોર્મ નં-૮ ક ભરી શકાશે.
· આ માટે પહેલી નવેમ્બર સુધી સવારે ૧૦ થી ૬ સુધી અને ખાસ ઝૂંબેશના દિવસોએ સવારે ૯ થી ૬ સુધી હેલ્પલાઇન નંબર ૨૪૫૦૫૭૫ ઉપર મતદારયાદીમાં નામ હોવા અંગેની વિગતો મેળવી શકાશે.
· મતદારયાદીમાં ફોટો ન હોય તો રંગીન પાસપોર્ટ સાઇઝનો ફોટો બી.એલ.ઓ.ને આપી શકાશે.
બસિયા/સોનલ
ભારતીય અને ઓમાની લડાકુ વિમાનોની હવાઇ કવાયતોથી આકાશ ગુંજયુ
તા.૧૭ થી ૨૧ ઓકટોબર સુધી સંયુકત હવાઇ કવાયત
ઓમાની જવાનો ખમણ-ઢોકળા સાથે ગુજરાતી ગરબા પણ માણશે
ભારતીય હવાઇ દળ દ્બારા જામનગર એરફોર્સ મથક થી ભારતીય અને ઓમાની લડાકુ વિમાનોની તા.૧૭ થી ૨૧ ઓકટોબર દરમ્યાન સંયુકત હવાઇ કવાયતો યોજાઇ છે. જેનો આજે જામનગર એરફોર્સ મથકથી પ્રારંભ થયો હતો.આ કવાયતમાં હવામાં ઇંધણ ભરવા અને બોમ્બમારા સહિતનો સમાવેશ થશે.
રોયલ એરફોર્સ ઓમાનના ૬ જગુઆર લડાકુ વિમાન અને ૧૧૫ જવાનો સાથે ભારતીય એરફોર્સનાં જગુઆર અને મીગ સુપરસોનીક લડાકુ વિમાનો આ હવાઇ કવાયતમાં જોડાતા, રસપ્રદ હવાઇ કવાયતથી આકાશ ગુંજી ઉઠયુ હતુ.. તેમ જામનગર હવાઇ મથકના વડા એર ઓફીસર કમાન્ડીંગ એર કોમોડોર આર.નામ્બીયારે જામનગર હવાઇ મથક ખાતે જણાવ્યું હતું.
Exercise Eastern Bridge 2011 (’’એકસરસાઇઝ ઇસ્ટર્ન બ્રીજ ૨૦૧૧’’) અર્થાત પૂર્વીય સેતુ કવાયત ૨૦૧૧ ને એવું નામ આપવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલાં ૨૦૦૯ માં રોયલ એરફોર્સ ઓમાન દ્બારા ઓમાનના થુમ્બરૈતમાં સંયુકત હવાઇ કવાયત યોજાઇ હતી. ત્યારે ઇન્ડીયન એરફોર્સના લડાકુ વિમાનોએ ગોરખપુરથી થુમ્બરૈત જવા જામનગર હવાઇ મથક ખાતે ઇંધણ ભરાવ્યું હતું.
બે વર્ષ પહેલાં ઇન્ડીયન એરફોર્સની ટુકડીએ ઓમાનની મુલાકાત લીધી ત્યારે ઓમાન એરફોર્સ દ્બારા ભારતીય ભૂમિ પર ઉડવાની તીવ્ર ઇચ્છા બતાવી હતી. કારણ ઓમાનમાં રણ વિસ્તાર છે તેની સામે ભારતની ભૂમિ અલગ પ્રકારની છે. અહિં રણ થી લઇ ગાઢ જંગલો અને પર્વતીય વિસ્તારો પણ છે. ઓમાનની રોયલ એરફોર્સ ના પાઇલોટ જામનગર હવાઇ મથકથી વિવિધ કવાયત કરશે ત્યારે ભારતીય હવાઇ દળ કયા કયા પડકારો ઝીલે છે તેનાથી માહિતગાર થશે.
બન્ને હવાઇ દળના સીનીયર અધિકારીઓ આ કવાયત દરમ્યાન જામનગર મથકની મુલાકાત લઇ પ્રગતિની સમીક્ષા કરશે. આ કવાયત ઇન્ડીયન એરફોર્સ અને રોયલ એરફોર્સ ઓમાનની વ્યવસાયીક રીતે જ નહીં પણ સાંસ્કૃતિક રીતે પણ સમૃધ્ધ બનાવશે. કારણ કે ઓમાની અને ભારતીયો સરખા પ્રકારની સંસ્કૃતી ધરાવે છે. આ કવાયતથી બન્ને દેશના જવાનોને પરસ્પર વાતચીત દ્બારા જાણવાની તક મળશે. ’’એકસરસાઇઝ ઇસ્ટર્ન બ્રીજ -૧’’ જે ૨૦૦૯માં ઓમાનમાં યોજાઇ હતી તેમા સામેલ થયેલા જવાનોને પોતાના રોયલ એરફોર્સ ઓમાનના જુના મીત્રોને મળવાનો મોકો પણ આ કવાયત દ્બારા મળ્યો હતો. આ કવાયતે ઇન્ડીયન એરફોર્સ અને રોલય એરફોર્સ ઓમાન વચ્ચેની મિત્રતા ગાઢ બનાવી છે. આ કવાયતો સમયની કસોટીમાં પણ ટકી રહે તેવી મીત્રતામાં સેતુરૂપ બની રહેશે.
આ કવાયત દરમ્યાન ઔપચારિક સામાજીક મિલન અને મૈત્રીપૂર્ણ ફૂટબોલ મેચ પણ આ કવાયતની બન્ને ટુકડીઓ વચ્ચે આયોજીત કરાયો છે. ઓમાની જવાનો માટે ગુજરાતી ગરબાનું પણ આયોજન કરાયું છે. ઓમાની જવાનોએ ભારતીય વાનગીઓ ખાસ કરીને ગુજરાતી ખાખરા, સમોસા અને ઢોકળામાં ખાસ રસ બતાવ્યો છે. હવાઇ કવાયતના આયોજન અંગે ડિફેન્સના જનસંપર્ક અધિકારી ગૃપ કેપ્ટન એમ.જી.મહેતા અને જામનગર હવાઇ મથકના જનસંપર્ક અધિકારી સ્કવોડન લીડર અલ્કા ચૌધરીએ પુરક વિગતો આપી હતી. હવાઇ કવાયતોમાં જગુઆર લડાકુ વીમાનની ટુકડીમાં કમાન્ડીંગ ઓફીસર વીંગ કમાન્ડર આશીષ શ્રીવાસ્તવ અને મીગ લડાકુ વિમાનની ટુકડીમાં કમાન્ડીંગ ઓફીસર વીંગ કમાન્ડર હરબીંદરસીંઘ સાથે અન્ય ઓફીસર્સ પણ જોડાયા હતા.
જિલ્લામાં અનુ.જાતિ યોજના હેઠળ ૯૦ ટકા કામ પૂર્ણઃ
૨૩ કરોડ સામે ૨૦ કરોડના કામો થયાઃ ગ્રામ વિકાસ એજન્સી મોખરેઃ
જિલ્લા કલેકટરે સમીક્ષા કરીઃ
ભુજ,મંગળવારઃ કચ્છમાં અનુ.જાતિના લોકોને સવિશેષ લાભ થાય અને જયાં જરૂર પડે ત્યાં તેમનાં સૂચવ્યા મુજબ કામ થાય એ માટે ખાસ યોજના સરકાર દ્વારા તૈયાર થાય છે, તે મુજબ આ વર્ષે જિલ્લામાં ૨૩ કરોડ ફાળવવામાં આવ્યા હતા તે સામે અત્યાર સુધી ૯૦ ટકા જેટલી કામગીરી તો પૂર્ણ થઇ છે અને ૨૦ કરોડનાં કામો અનુ.જાતિના લાભાર્થીઓ માટે હાથ ધરવામાં આવ્યા છે.
જિલ્લા કલેકટર એમ.થેન્નારસનના અધ્યક્ષસ્થાને અનુસૂચિત જાતિ પેટા યોજના હેઠળ આ વર્ષે મળેલી ગ્રાન્ટ સામે થયેલા ખર્ચની થયેલી સમીક્ષા અનુસાર, ગ્રામ વિકાસ એજન્સી, સમાજ કલ્યાણ, જિલ્લા રજિ.સહકારી મંડળીઓ તથા પ્રાથમિક શિક્ષણ વિભાગે તો સો ટકા કામગીરી અત્યારથી જ આટોપી લીધી છે. ગ્રામ વિકાસ એજન્સીએ ૧૩ કરોડના કામો હાથમાં લઇ ટોચની કામગીરી કરી છે.
સમાહર્તાશ્રી એમ.થેન્નારસને અધિકારીઓને જણાવ્યું હતું કે, કચ્છમાં હજુ પણ વધુને વધુ લોકો સુધી યોજનાનો લાભ પહોંચે એ માટે લાભાર્થીઓની સંખ્યા વધારવાની આવશ્યકતા છે. ખાસ કરીને જી.ઇ.બી.માં અનુ.જાતિના ખેડૂતો વધુ લાભ મેળવે તે જરૂરી છે. પી.જી.વી.સી.એલ. દ્વારા આધાર-પૂરાવા અને આવક મર્યાદાને અનુલક્ષીને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
રાપર વિસ્તારના ધારાસભ્યશ્રી બાબુભાઇ મેઘજી શાહે સૂચનો કર્યા હતા.
સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી વિનોદભાઇ ચાવડાએ લાભાર્થીઓની યાદી તેમજ દરેક વિભાગના સુધારા-વધારાની રજૂઆત પદાધિકારીઓ મારફતે કરવા ઉપરાંત ટ્રેકટરની સબસીડિ અને દલિતવાસમાં ગટર યોજના અંગે રજૂઆત કરી હતી. જયારે ગોવિંદભાઇ મારવાડાએ વણકારો માટે વર્કશેડ યોજના, વીમા યોજના, ગ્રિમકોની કિટ, ગરીબ કલ્યાણ મેળા પહેલા આપવા અને ખેતીમાં વધુ ગ્રાન્ટ માંગવા કહયું હતું. તો સંજોગે રસ્તાના સૂચનો કર્યા હતા.
બેઠકની શરૂઆતમાં સભ્ય સચિવશ્રી કે.એ.પ્રજાપતિએ સ્વાગત કર્યુ હતું અને બેઠકનું સંચાલન કર્યુ હતું. જયારે પ્રોગ્રામ ઓફિસર પી.જી.દવેએ જુનિયર ઈન્સપેકટરશ્રી કે.યુ.ચંદેએ પૂરક માહિતી આપી હતી. બેઠકના અંતે અધિકારીઓ વેળાસર ૧૦૦ ટકા કામગીરીની ખાતરી આપી હતી.
કચ્છમાં ખેલ મહાકુંભનું ઇ-રજિસ્ટ્રેશનઃ ૩૫૦૦ ફોર્મ ભરાયા
હજુ તા.૨૩/૧૦ સુધી ફોર્મ ભરી શકાશેઃ
૧૨મી નવેમ્બરે મશાલ રેલી કચ્છ આવશેઃ
ભુજ,મંગળવારઃ યુવાથી માંડી પ્રૌઢ અને સિનિયર સિટીજન વયસ્ક જુથના ખેલાડીઓ માટે પણ સામેલ થઇ શકે તેવા ખેલ મહાકુંભ-૨૦૧૧ના આયોજનમાં તાલુકાના વડા પ્રાંત અધિકારીઓ દ્વારા ગામમાં ટીમનું ફોર્મેશન થાય તે માટે સુચનાઓ આપવામાં આવી છે. કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં સ્પર્ધકો ભાગ લઇ શકે તે માટે ગ્રામ્ય લેવલે તાલુકા વિકાસ અધિકારી અને ગ્રામ પંચાયત કચેરીમાં ખેલ મહાકુંભનું ઇ-રજીસ્ટ્રેશન ઓનલાઇનથી કરવા માટેના ફોર્મ ઉપલબ્ધ કરવામાં આવ્યા હોવાનું નિવાસી અધિક કલેકટરશ્રી સી.પી.નેમા દ્વારા જણાવાયું છે. જેમાં અત્યાર સુધીમાં ૩૫૦૦ ઓનલાઇન ફોર્મ ભરાયા છે, તેમ રમતગમત અધિકારી દ્વારા જણાવાયું હતું.
જિલ્લા રમતગમતના સિનિયર કોચ શ્રી કે.સી. પટેલના જણાવ્યા અનુસાર અગાઉ વ્યકિતગત સ્પર્ધકોનાં ૮,૨૦૭ ફોર્મ ભરાયાં હતા. ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશનની અંતિત તા.૨૩મી ઓકટોબર રાખવામાં આવી છે. ગત વર્ષે ખેલ મહાકુંભમાં ૧૬ રમતો યોજવામાં આવી હતી, જયારે આ વર્ષે ૨૦ રમતો કે જેમાં તાલુકા લેવલની ૫ સ્પર્ધાઓનું આયોજન કરાશે.આ સ્પર્ધાઓ જે-તે રમતના ભારતના ફેડરેશન/એસોસિએશનના નિયમ મુજબ જ યોજવામાં આવશે તેમજ ખેલાડી એક જ વયગ્રુપમાં ભાગ લઇ શકશે, જયારે એથ્લેટીકસની રમતમાં ત્રણ ઇવેન્ટ ઉપરાંત બે રીલેમાં ભાગ લઇ શકશે.
ખેલ મહાકુંભની મશાલ રેલી અમદાવાદથી પ્રસ્થાન કરીને ૧૨મી નવેમ્બર,૧૧ના ભુજ આવશે અને તા.૧૩ નવેમ્બરે ભુજથી રાજકોટ પ્રસ્થાન કરશે. આ રેલી કૂલ ૨,૫૫૦ કિ.મી. અંતર કાપીને ૨૧મી નવેમ્બરે ગાંધીનગર પહોંચશે. જિલ્લા પંચાયત સીટકક્ષાની સ્પર્ધાઓ તા. ૨૩ થી ૨૮ નવેમ્બર સુધી, તાલુકાકક્ષાની સ્પર્ધાઓ તા. ૩૦/૧૧ થી ૩/૧૨ સુધી જયારે જિલ્લાકક્ષાની સ્પર્ધાઓ તા.૨૩/૧૧ થી ૧૨/૧૨ સુધી ૨૦ દિવસ યોજાશે. તા. ૧૬/૧૨ થી તા. ૨૧/૧૨ સુધી સેમી ફાઇનલ જયારે તા.૨૨ અને ૨૩મી ડીસેમ્બરે રાજયકક્ષાની ફાઇનલ સ્પર્ધાઓ અને પુર્ણાહુતિ સમારંભ યોજાશે.
માજી સૈનિકો માટે સીસીસી તાલીમનું આયોજન
ભુજ,મંગળવારઃ જામનગર આઇ.ટી.આઇ. ખાતે કોમ્પ્યુટર કૌશલ્ય પરીક્ષા (સીસીસી) સાથે સંકલિત ત્રણ માસના કોર્ષનું આયોજન માજી સૈનિકો માટે વિનામુલ્યે આયોજન કરવામાં આવનાર છે.જેમાં ૧/૧/૦૨ કે ત્યારબાદ નિવૃતિ થયેલા તથા તા.૧/૧/૯૭ પછી મીલીટરીની ચાલુ નોકરીમાં અવસાન પામેલ હોય તેવા સ્વ.માજી સૈનિકોના ધર્મ-પત્નીઓ કે સ્વ.સૈનિકોનું એક સંતાન જોડાઇ શકશે. આ કોર્ષમાં જોડાવા ઇચ્છુકે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, જામનગરનો રૂબરૂ અથવા અરજીથી સંપર્ક સાધવા જણાવાયું છે.
ભુજમાં સુવર્ણપ્રાસનાં ટીપા
ભુજ,મંગળવારઃ સરકારી આર્યુવેદિક હોસ્પિટલ, સરપટ ગેઇટ-ભુજ ખાતે તા.૨૧/૧૦/૨૦૧૧ શુક્રવારે (પુષ્પ નક્ષત્ર) ના દિવસે ૦ થી ૧૨ વર્ષના બાળકોને સુવર્ણપ્રાશના ટીપાં સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી નિઃશુલ્ક (વિનામૂલ્યે) પીવડાવવામાં આવશે.
તહેવારોને અનુલક્ષી તા. ૨૬, ૨૭નો સ્વાગત કાર્યક્રમ મોકૂફ રખાયોઃ
ભુજ,મંગળવારઃ આગામી તા.૨૬/૧૦ના યોજાનાર ગ્રામ અને તાલુકા સ્વાગત કાર્યક્રમ તથા તા. ૨૭/૧૦ના યોજાનાર જિલ્લા સ્વાગત કાર્યક્રમ અને રાજય સ્વાગત કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. નવેમ્બર-૧૧ના આ કાર્યક્રમો નિયત સમયે યોજાશે, જેની નોંધ લેવા નિવાસી અધિક કલેકટર, કચ્છ-ભુજ દ્વારા જણાવાયું છે.
મહિલા સ્કોલરશીપ ફોર્મ ભરવા અંગે
ભુજ,મંગળવારઃ મહિલા સ્કોલરશીપના ફોર્મ જેમણે ભરવાના થતા હોય તેઓએ તાત્કાલિક ડીસ્ટ્રીકટ સ્પોર્ટસ કોચિંગ સેન્ટર, ૩૦૨ બહુમાળીભવન, બીજો માળ, ભુજ ખાતે ભરીને પહોંચતા કરવા જણાવાયું છે.આગામી ખેલ મહાકુંભમાં જ તમામને સ્કોલરશીપ આપવાની થતી હોઇ, ફોર્મ પહોંચાડવા વિનંતી કરાઇ છે.
વી.એ.ભટૃ/સીદીક કેવર....
વિકલાંગો માટે વિકલાંગતા પ્રમાણપત્ર તથા વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન
સુરેન્દ્રનગર, તા.૧૮-૧૦/- સુરેન્દ્રનગર જિલ્લા સમાજ સુરક્ષા ની કચેરી તથા સિવિલ હોસ્પિટલ – સુરેન્દ્રનગર દ્વારા વિકલાંગ ો માટે તારીખ ૨૦-૧૦-૨૦૧૧ ના રોજ સામુહિક આર ો ગ્ય કેન્દ્ર – થાનગઢ ખાતે વિનામ ુલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં બાકી રહી જતાં તમામ વિકલાંગોને વિકલાંગ પ્રમાણપત્ર મેળવવા માટે રેશનકાર્ડ અને ઓળખકાર્ડ તથા પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ સાથે સામુહિક આરોગ્ય કેન્દ્ર, થાનગઢ ખાતે સવારે ૯-૦૦ થી ૧-૦૦ કલાક દરમિયાન ઉપસ્થિત રહી લાભ લેવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની એક યાદીમાં જણાવાયું છે.
લીંબડી ખાતે રાજયકક્ષાની શાળાકીય હોકી સ્પર્ધા યોજાશે
સુરેન્દ્રનગર, તા. ૧૮/૧૦ :- કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ - ગાંધીનગર અને જિલ્લા રમત-ગમત કચેરી, સુરેન્દ્રનગર દ્વારા લીંબડી ખાતે ભાઇઓ તથા બહેનો માટે રાજયકક્ષાની શાળાકીય હોકી સ્પર્ધા-૨૦૧૧નું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત તા. ૩જી, ૪થી અને ૫મી નવેમ્બર-૨૦૧૧ ના રોજ રમત-ગમત સંકુલ, લીંબડી ખાતે બહેનોની હોકી સ્પર્ધા યોજાશે. સ્પર્ધકોએ તા.૩/૧૧/૨૦૧૧ ને સવારે ૧૧-૦૦ કલાકે મેદાન પર હાજર થવાનું રહેશે. સ્પર્ધા બપોરે ૨-૦૦ કલાકે શરૂ થશે. બહેનો માટે રહેઠાણની વ્યવસ્થા શ્રી બી. એ. કન્યા વિદ્યાલય - લીંબડી ખાતે કરવામાં આવી છે. આ ઉપરાંત તા.૫મી, ૬ઠ્ઠી, ૭મી અને ૮મી નવેમ્બર-૨૦૧૧ ના રોજ રમત-ગમત સંકુલ, લીંબડી ખાતે ભાઇઓની હોકી સ્પર્ધા યોજાશે. સ્પર્ધકોએ તા.૫/૧૧/૨૦૧૧ ના રોજ સાંજે ૬-૦૦ કલાકે રીર્પોટીંગ કરાવી લેવાનું રહેશે. ભાઇઓ માટે નિવાસની વ્યવસ્થા શ્રી જી.એસ. કુમાર વિદ્યાલય - લીંબડી, સર જે. હાઇસ્કૂલ - લીંબડી તથા આર્ટસ કોલેજ - લીંબડી ખાતે કરવામાં આવી છે.
તદ્દઉપરાંત સ્પર્ધકોએ ત્રણ નકલમાં એલીજીબીલીટી સર્ટિફિકેટ રજુ કરવાના રહેશે તથા રમતને અનુરૂપ ગણવેશ પહેરવાનો રહેશે. ઋતુ અનુસાર બેડીંગ તથા રૂમને લગાવવાનું તાળું સાથે લાવવાનું રહેશે. વધુ માહિતી તથા સ્થાનિક સંપર્ક માટે રણજીતસિંહ જાડેજા મો.-૯૯૨૪૪૦૯૯૦૯ ઉપર સંપર્ક કરવા જિલ્લા રમત-ગમત અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
સુરેન્દ્રનગર જિલ્લાની વાજબી ભાવની દુકાનના ૬ પરવાનેદારોના પરવાના રદ્દ કરાયા
સુરેન્દ્રનગર, તા. ૧૮/૧૦ :- સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ઓક્ટોબર માસમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વાજબી ભાવની દુકાનની તપાસણી દરમિયાન ચોટીલા તાલુકાના બામણબોરના પરવાનેદાર જમનાદાસ રણછોડદાસ કોટેચા, ધ્રાંગધ્રા તાલુકાના હરિપરના પરવાનેદાર નારણભાઈ પ્રેમજીભાઈ ચાવડા, નારીચાણાના પરવાનેદાર દયાળજીભાઈ નાનજીભાઈ પટેલ, રામપરાના પરવાનેદાર માવજીભાઈ ગોવીંદભાઈ ઝાલા, પૃથુગઢના પરવાનેદાર ધીરૂભાઈ કુકાભાઈ કણઝરીયા તથા ધ્રાંગધ્રાના પરવાનેદાર ભાવેશભાઈ સૂર્યકાંતભાઈ શેઠ મળી કુલ ૬ વાજબી ભાવની દુકાનના પરવાનેદારોના પરવાના ગેરરીતીઓ સબબ કાયમ માટે રદ્દ કરવામાં આવેલ છે. જેથી આ દુકાન ઉપરથી પુરવઠો મેળવતા લોકોએ ઉપરોક્ત વાજબી ભાવની દુકાનો પૈકી ચોટીલા તાલુકાના બામણબોરના લોકોએ નવાગામના પરવાનેદાર દિલીપ પ્રેમજી પાસેથી, ધ્રાંગધ્રા તાલુકાના હરિપરના લોકોએ ધ્રાંગધ્રાના પરવાનેદાર બળદેવભાઈ ચાવડા પાસેથી, નારીચાણાના લોકોએ રાવળિયાવદરના પરવાનેદાર વજાભાઈ વસતાભાઈ રબારી પાસેથી, રામપરાના લોકોએ કોંઢના પરવાનેદારશ્રી જ્યેન્દ્રસિંહ પાસેથી, પૃથુગઢના લોકોએ દેવચરાડીના પરવાનેદાર કાંતિ ગાંડા પારગી પાસેથી તથા ધ્રાંગધ્રાના લોકો ધ્રાંગધ્રાના પરવાનેદારશ્રી દેવાંગ રાવલ પાસેથી પુરવઠો મેળવી શકશે.




















