અનુયાયીઓ

રવિવાર, 21 ઑગસ્ટ, 2011

જન્‍માષ્‍ટમીનો તહેવાર સામાજીક સમરસતાના આદર્શને અપનાવવાનો ઉત્‍સવ છે. - નાણામંત્રીશ્રી વજુભાઇ વાળા મેળાને ભારતીય સંસ્‍કૃતિની આગવી ઓળખ ગણાવતા કૃષિ અને જિલ્‍લા પ્રભારી મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી

જિલ્‍લા વહીવટીતંત્ર દ્વારા આયોજીત સાંસ્‍કૃતિક લોકમેળા-૨૦૧૧નો થયેલો શુભારંભ

જન્‍માષ્‍ટમીનો તહેવાર એટલે કૃષ્‍ણની ભકિત કરવાનો અને સામાજીક સમરસતાના આદર્શને આપણા જીવનમાં અપનાવવાનો ઉત્‍સવ છે. તેમ નાણામંત્રીશ્રી વજુભાઇ વાળાએ રાજકોટ જીલ્‍લા વહિવટીતંત્ર પ્રેરિત લોકમેળા સમિતિ દ્વારા આયોજિત સાંસ્‍કૃતિક લોકમેળો-ર૦૧૧નો રેસકોર્સ ખાતે શુભારંભ કરતાં જણાવ્‍યુ હતુ. મંત્રીશ્રીએ શ્રીગણપતિજીની મૂર્તિ સમક્ષ દિપ પ્રગટાવી લોકમેળો જાહેર જનતા માટે ખુલ્‍લો મુકયો હતો.

મંત્રીશ્રી વાળાએ આ પ્રસંગે જણાવ્‍યું હતું કે, ભગવાન શ્રીકૃષ્‍ણનું આનંદના પ્રતીક સમા જીવનની જેમ સાંસ્‍કૃતિક લોકમેળામાં આનંદ મેળવવાની તકનો રાજકોટવાસીઓ ખૂબ લ્‍હાવો માણે છે. રંગીલા રાજકોટ શહેર સહિત સમગ્ર સૌરાષ્‍ટ્રની પ્રજા ઉત્‍સવપ્રિય પ્રજા છે. ત્‍યારે જન્‍માષ્‍ટમીનો ઉત્‍સવ લોકોએ હળીમળીને રહેવાનો ઉત્‍સવ છે, તેમ જણાવી તેમણે દરેક વર્ગોને સાથે રાખી તેમની સાથે ભાઇચારાની ભાવના કેળવી સદભાવના કેળવવા અનુરોધ કર્યો હતો.

રાજકોટ જિલ્‍લાના પ્રભારી મંત્રીશ્રી અને રાજયના કૃષિ, સહકાર અને પશુપાલન મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્‍યું હતું કે, મેળો એ ભારતીય સંસ્‍કૃતિની આગવી ઓળખ છે. આપણી સંસ્‍કૃતિમાં પરાપૂર્વથી મેળાઓ યોજાતા રહયા છે. જે સામાજિક સમસ્‍યાઓ સુલઝાવવા અને નવા સંબંધોના સર્જનમાં ઉપયોગી નીવડે છે, એમ પણ તેમણે વધુમાં જણાવ્‍યું હતું.પાંચ દિવસ ચાલનારા આ સાંસ્‍કૃતિક લોકમેળામાં લોકોના મનોરંજન માટે ફજેતફાળકા, ટોરાટોરા, મોટા જમ્‍પીંગ ચકડોળ, મોતના કુવા, એરોપ્‍લેન રાઇડ, ખાણીપીણી માટે ફુડઝોન, આઇસ્‍ક્રીમ પાર્લર, જુદી જુદી કચેરીઓ અને સંસ્‍થાઓ આયોજીત હસ્‍તકલા કારીગરી પ્રદર્શનો કમ વેચાણ સ્‍ટોલો, બાળકોને મનોરંજન પુરૂ પાડવા અવનવા રમકડાના સ્‍ટોલો, લોકોને આરામ માટે વિસામા સાથે આશરે ૩૫૦ જેટલા સ્‍ટોલો ઉભા કરાયા છે. મેળામાં લોકો સારી રીતે મેળો માણી શકે અને સુરક્ષા માટે સમગ્ર મેળા પરિસરમાં સી.સી.ટી.વી. કેમેરા, કંન્‍ટ્રોલ ટાવર તથા દરેક દરવાજે કન્‍ટ્રોલ રૂમ કાર્યરત કરાયા છે. પોલીસના પુરતા બંદોબસ્‍ત સાથે જિલ્‍લા વહિવટીતંત્ર દ્વારા પુરતા અધિકારીઓ અને કર્મચારીઓનું મેળામાં સતત મોનીટરીંગ થાય તેવી વ્‍યવસ્‍થા ગોઠવાઇ છે.

આ ઉદધાટન કાર્યક્રમ પ્રસંગે મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી, શ્રી વજુભાઇ વાળા અને અન્‍ય મહાનુભાવોએ ઇન્‍ડેક્ષ-સી, ગુજરાત સ્‍ટેટ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરિટી, રાજકોટ શહેર જિલ્‍લા ગ્રાહક સુરક્ષા મંડળ, માહિતી વિભાગના તસવીર પ્રદર્શન સ્‍ટોલની પણ મુલાકાત લીધી હતી.

કાર્યક્રમ બાદ મંત્રીશ્રી અને મહાનુભાવોએ મેળામાં સ્‍થિત જુદી જુદી રાઇડઝની તથા વિવિધ સ્‍ટોલોની મુલાકાત લઇ મેળાની મોજ માણી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં મંત્રીશ્રી અને મહાનુભાવોનું પુસ્‍તકો અને પુષ્‍પો અર્પણ કરી સ્‍વાગત કરાયું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં જિલ્‍લા કલેકટરશ્રી અને સ્‍વર્ણિમ લોકમેળા સમિતિના અધ્‍યક્ષશ્રી ડો. રાજેન્‍દ્રકુમારે શાબ્‍દીક સ્‍વાગતમાં જણાવ્‍યું હતું કે, લોકમેળાના આયોજન માટે વિવિધ ૧૩ સમિતિઓની રચના કરવામાં આવી છે, લોકમેળામાંથી થતી આવક મુખ્‍યમંત્રીશ્રીના રાહતનિધિમાં આપવામાં આવે છે, તે ઉપરાંત, કુદરતી આપત્‍તિઓ, અને અન્‍ય વિકાસકામોમાં પણ આ રકમ વાપવામાં આવે છે. રાજકોટના પ્રવસનધામોના વિકાસ માટે જિલ્‍લા વહીવટીતંત્ર દ્વારા લાખોના ખર્ચે થઇ રહેલી કામગીરીની વિગતો પણ તેમણે આ તકે રજૂ કરી હતી.

આ કાર્યક્રમમાં ધારાસભ્‍યો સર્વશ્રી ગોવીંદભાઇ પટેલ, શ્રીમતિ ભાવનાબેન બાબરીયા, ડો. ભરતભાઇ બોઘરા, મેયરશ્રી જનકભાઇ કોટક, જિલ્‍લા વિકાસ અધિકારશ્રી નલીન ઉપાધ્‍યાય, નિવાસી અધિક કલેકટરશ્રી એ.બી.ગોર, નાયબ પોલીસ કમિશનરશ્રી મયંકસિંહ ચાવડા, જિલ્‍લા ભા.જ.પ.પ્રમુખશ્રી લાલજીભાઇ સાવલિયા, જિલ્‍લા પંચાયત કારોબારી સમિતિના અધ્‍યક્ષશ્રી નાગદાનભાઇ ચાવડા, જીલ્‍લા વહિવટીતંત્રના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી શૈલેષ સગપરિયાએ અને પ્રાંત અધિકારીશ્રી એમ.જે.દિક્ષીતે આભારવિધિ કરી હતી.

લોકમેળામાં માહિતી ખાતા આયોજીત ‘‘પ્રગતિનાં પંથે ગુજરાત’’ તસ્‍વીર પ્રદર્શનનું પ્રભારી મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીના હસ્‍તે થયેલું ઉદધાટન

રાજકોટ

રાજકોટનાં રેસકોર્સ મેદાનમાં પાંચ દિવસ માટે શરૂ થયેલ સાંસ્‍કૃતિક લોકમેળામાં રાજય સરકારના માહિતી વિભાગ દ્વારા ખાસ ઉભા કરાયેલા ‘‘પ્રગતિના પંથે ગુજરાત’’ વિકાસલક્ષી તસ્‍વીર પ્રદર્શનનું કૃષિ, સહકાર, પશુપાલન વિભાગ અને જિલ્‍લાનાં પ્રભારી મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીએ ઉદધાટન કર્યુ હતુ. આ પ્રસંગે નાણામંત્રીશ્રી વજુભાઇ વાળા પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

લોકમેળામાં ખાસ ૩૦ x ૬૦ ફુટના વિશાળ સ્‍ટોલમાં રાજયમાં દશ વર્ષમાં થયેલ વિકાસની ઝાંખી કરાવતી પ૦ જેટલી પેનલોમાં તસવીરોનું પ્રદર્શન આમ જનતાની જાણકારી માટે પ્રદર્શિત કરવામાં આવ્‍યું છે.

આ પ્રસંગે મંત્રીશ્રીઓ સંઘાણી, શ્રી વાળા અને અન્‍ય મહાનુભાવોને પ્રાદેશિક માહિતી કચેરીના વડા સંયુકત માહિતી નિયામકશ્રી એન.એ.પરમારે પુષ્‍પગુચ્‍છ દ્વારા આવકાર્યા હતા.

આ પ્રદર્શન સ્‍ટોલમાં રાજય સરકાર દ્વારા પ્રકાશિત થતાં ‘ગુજરાત’ પાક્ષિકનું લવાજમ સ્‍વીકારવામાં માટે ખાસ વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવી છે. વાર્ષિક ફકત રૂ. પ૦ (પચાસ પૂરા)માં આખુ વર્ષ ઘર બેઠા રાજય સરકાર અને વિવિધ યોજનાકીય બાબતોની જાણકારી આપતું આ મેગેઝીન ઘેર બેઠા મળી રહે છે.

આ પ્રદર્શન તૈયાર કરવામાં સહાયક માહિતી નિયામકશ્રી નિરાલા જોષી, શ્રી અરવિંદ જોશી, મેનેજરશ્રી જગદીશ ત્રિવેદી, શ્રી યોગેશ વ્‍યાસ, શ્રી અરવિંદ વેકરીયા, શ્રી ભરત નિમાવત, શ્રી કિશોર ગોસ્‍વામી, શ્રી રસીક મહેતા વગરેએ જહેમત ઉઠાવી હતી.

આ પ્રસંગે ધારાસભ્‍ય સર્વશ્રી ગોવીંદભાઇ પટેલ, શ્રી ભાનુબેન બાબરીયા, ડો. ભરતભાઇ બોઘરા, મેયરશ્રી જનકભાઇ કોટક, નાયબ મેયરશ્રી ભીખાભાઇ વસોયા, જીલ્‍લા કલેકટર ડો. રાજેન્‍દ્રકુમાર, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી નલીન ઉપાધ્‍યાય, નાયબ પોલીસ કમિશ્‍નરશ્રી મયંકસિંહ ચાવડા, શ્રી લાલજીભાઇ સાવલીયા, પૂર્વ સાંસદ શ્રીમતિ રમાબેન માવાણી, નિવાસી અધિક કલેકટરશ્રી એ.બી.ગોર, નાયબ કલેકટરશ્રી એમ.જે. દિક્ષીત, શ્રી કેતન નાયક, નાયબ મ્‍યુનિસીપલ કમિશ્‍નરશ્રી પી.પી.વ્‍યાસ, મામલતદારશ્રી આર.એમ. રાયજાદા, શ્રી એમ.કે.જોશી, આગેવાનો, અગ્રણીઓ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

વૃક્ષ એ દેવ સમાન છે

ર૬૦૦ની વસતિવાળા નાનકડા જીવાપર ગામે સવા લાખ વૃક્ષો વાવ્‍યા !

જસદણ તાલુકાના જીવાપર ગામની વૃક્ષપ્રિતીને બિરદાવતા

કૃષિ-સહકાર મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી

જીવાપરમાં ૬૨મો જીલ્‍લા વનમહોત્‍સવ સંપન્‍નઃ

ધારાસભ્‍ય ડો. ભરતભાઇ બોઘરાની પ્રશસ્‍ય આગેવાની

૧ લાખથી વધુ વૃક્ષો વાવનાર ગામની ફરતી ટ્રોફી હવે જીવાપર ગામને હવાલે

ધારાસભ્‍યશ્રીઓ-પદાધિકારીઓ-અધિકારીઓની ઉપસ્‍થિતિ

રાજકોટ જિલ્‍લાના જસદણ તાલુકાના માત્ર ર૬૦૦ની વસતિ ધરાવતા નાના એવા જીવાપર ગામમાં અને ખેતરમાં શેઢે, પાળે વન વિભાગ રાજકોટના સક્રિય સહકાર તથા આ વિસ્‍તારના ધારાસભ્‍ય ડો. ભરતભાઇ બોધરાના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ ૧,૨૫,૦૦૦ જેટલા વૃક્ષો વાવીને એક આગવી સિધ્‍ધિ હાંસલ કરવામાં આવી છે.

નાના ગામના આ મોટા કામને બિરદાવતા રાજકોટ જિલ્‍લાના પ્રભારી મંત્રીશ્રી અને રાજયના કૃષિ-સહકાર મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી ખુદ જીવાપર આવી પહોંચ્‍યા હતા અને આ નિમિત્તઆયોજિત ૬૨માં જિલ્‍લા કક્ષાના વન મહોત્‍સવમાં જીવાપર ગામની વૃક્ષપ્રિતીના ખોબલે ખોબલે વધામણા કર્યા હતા.

વૃક્ષો એ દેવ સમાન છે ત્‍યારે વૃક્ષો વાવવા એ આપણી સામાજિક જવાબદાર પણ છે એમ જીવાપર ગામે પોતાના સંબોધનમાં જણાવી મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીએ જીવાપર ગામની સંકલ્‍પશકિતને વધાવતા ઉમેર્યું હતું કે વૃક્ષ વાવ્‍યા પછી તેની જતન અને પાલનપોષણની પણ આપણી જવાબદારી આપણે ન ભૂલીએ તો જ ‘વાવે ગુજરાત’ના સંકલ્‍પને આપણે સાર્થક કર્યો કહેવાય.

ગુજરાત ધરતીપૂત્રો જો આધુનિક ખેતીનો વધુને વધુ ઉપયોગ કરશે તો આવનારા દિવસોમાં દેશની બીજી હરિયાળી ક્રાંતિનું નેતૃત્‍વ પણ ગુજરાત જ કરશે, એમ ભારપૂર્વક જણાવી મંત્રીશ્રી સંઘાણીએ એમ પણ કહ્યું હતું કે આપણે અપનાવેલ ખેત તલાવડી, ચેકડેમો અને તળાવો ઉંડા કરવાની યોજનાઓને કારણે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રહેવા પામ્‍યું છે અને તે જ કારણે આપણું કૃષિ ઉત્‍પાદન પણ વિક્રમજનક આંકને આંબી ગયું છે, તેમ જણાવી મંત્રીએ એવી પણ શ્રધ્‍ધા વ્‍યકત કરી હતી કે એ દિવસો હવે દૂર નથી જયારે દેશભરના નીતિ નિષ્‍ણાંતો અને ખેડૂતોએ આપણી કૃષિ ક્રાંતિને નિહાળવા ગુજરાત આવવું પડશે.

મંત્રીશ્રી સંઘાણીએ આપણા શાસ્‍ત્રોમાં તુલસી, વડ, પીપળો, બીલીવૃક્ષ, આકડો જેવા અનેક વૃક્ષો ધાર્મિક મહત્‍વ ધરાવે છે તથા વૃક્ષોએ તો આપણને ઉર્ધ્‍વગતિ-જીવનમાં ઉંચે જવાનું, આગળ વધવાનું શીખવે છે ત્‍યારે વક્ષોની આરાધના એજ ખરેખરતો ઇશ્વરની આરાધના છે.

ધારાસભ્‍ય ડો. ભરતભાઇ બોઘરાએ જણાવ્‍યું હતું કે જસદણ તાલુકાના આ અમારા જીવાપર ગામે લોકભાગીદારીથી ગામની ખુલ્‍લી જમીન, ખેતરના શેઢા/પાળા વિગેરે સ્‍થળોએ પર્યાવરણની જાળવણી માટે ૧.રપ લાખ વૃક્ષોનું વાવેતર કરીને જિલ્‍લા અને રાજય માટે પ્રેરણાદાયી કાર્ય કરેલ છે. ગત વર્ષે અમે અમારા વિરનગર ગામે ૧ લાખ વૃક્ષોનું વાવેતર ગ્રામજનો/આગેવાનોના સહકારથી કર્યુ હતું.

તેમણે સવા લાખ વૃક્ષોના વાવેતર કરવા માટે સમગ્ર ગામની ટીમને અભિનંદન આપ્‍યા હતા અને વાવેલ વૃક્ષોના જતન કરવા અનુરોધ કર્યો હતો.

ધારાસભ્‍યશ્રી બોઘરાએ આ તકે જણાવ્‍યુ હતુ કે જીવાપર ગામે પ્રાથમિક શાળાનું સંકૂલ રૂ. ૩૦ લાખના ખર્ચે જિલ્‍લા પંચાયત દ્વારા બાંધવામાં આવશે. તેમજ જસદણ તાલુકામાં રાંઘણગેસની ગ્રામ્‍ય પ્રજાની સુવિધા માટે ગ્રામ્‍ય કેન્‍દ્ર શરૂ થશે.

જિલ્‍લા કલેકટર ડો. રાજેન્‍દ્રકુમારે જણાવ્‍યુ હતુ કે જીવાપર ગામ પર્યાવરણ ક્ષેત્રે જાગૃત છે. ગ્રામજનોએ ગામમાં સવા લાખ વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણની બાબતમાં એક ઇતિહાસ સર્જી રહ્યા છે. ગત વર્ષે વિરનગર ગામે એક લાખ વૃક્ષોનું વાવેતર કરીને મેળવેલ ટ્રોફી જે આ વર્ષે સવાયું વૃક્ષોનું વાવેતર કરનાર જીવાપર ગામને આપવામાં આવેલ છે. આ ગામ નંદનવન થશે. આપણે આદિ અનાદિકાળથી વન્‍ય સંસ્‍કૃતિ સાથે સંકળાયેલા છીએ. માનવી પર્યાવરણ અને સ્‍વાસ્‍થ્‍યની દ્રષ્‍ટિએ માનવી શો વર્ષ જીવે અને સો શરદ જુએ તેવી પરિસ્‍થિતિનું પુનઃનિર્માણ થઇ રહ્યું છે.

તેમણે ઉમેર્યુ કે જિલ્‍લાના ૧૪ તાલુકાના વિવિધ ગામો, શેઢા, પાળાઓ અને રસ્‍તાઓની બંને બાજુઓ જુદા જુદા પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહેલ છે.

પ્રારંભમાં સ્‍વાગત પ્રવચન અને વૃક્ષારોપણના કાર્યક્રમની પૂર્વ ભૂમિકા રાજકોટ સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સરંક્ષકશ્રી બી.એફ.સીંધીએ આપી હતી.

જીલ્‍લા પંચાયતના સભ્‍યશ્રી ભીખાભાઇ રોકડે તેમના પ્રાસંગીક પ્રવચનમાં જીવાપર ગામમાં સ્‍વયંભુ રીતે પ્રજાજનો દ્વારા વૃક્ષારોપણના કરાયેલ સરાહનીય કામગીરીને બિરદાવી હતી.

ગ્રામમજનો દ્વારા અતિથિવિશેષો, મહાનુભાવો અને વૃક્ષારોપણની પ્રેરક કામગીરીમાં સહયોગ આપનારા સર્વેનો શાલ પહેરાવીને સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

મંત્રીશ્રી સંઘાણીએ વૃક્ષારોપણ કામગીરીની ટ્રોફી જીવાપર ગ્રામ પંચાયતના પદાધિકારીઓને અર્પણ કરી હતી. કાર્યક્રમના અંતે આભારવિધી રેન્‍જ ફોરેસ્‍ટર અધિકારીશ્રી ત્રિવેદીએ કરી હતી.

અત્રે ઉલ્‍લેખનીય છે કે આગામી વર્ષે, જીવાપર ગામમાં ૧૦ હજાર ફાળઉ વૃક્ષોનું વાવેતર કરવા ગ્રામજનોએ સંકલ્‍પ વ્‍યકત કર્યો હતો.

આ પ્રસંગે ધારાસભ્‍યો શ્રી પ્રવિણભાઇ માંકડીયા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, જિલ્‍લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ હંસાબેન પારધી, ગુજરાત પ્રવાસન નિગમના ડીરેકટરશ્રી માધાતાસીંહ, જિલ્‍લા ભાજપ પ્રમુખશ્રી લાલજીભાઇ સાવલીયા, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી નલીન ઉપાધ્‍યાય, જિલ્‍લા પોલીસ અધિક્ષકશ્રી પ્રેમવીરસિંધ, વન સરંક્ષકશ્રી એન.વી.કાતરીયા, નાયબ કલેકટરશ્રી રાજેન્‍દ્ર ગઢવી, મામલતદારશ્રી મોરી, તાલુકા વિકાસ અધિકારીશ્રી ગોહિલ, તાલુકા તથા જિલ્‍લા પંચાયતના સભ્‍યો, વિવિધ ગામોના સરપંચો, તાલુકાના આગેવાનો, અગ્રણીઓ શ્રી અરજણભાઇ રામાણી, શ્રી બાબુભાઇ બોદર, શ્રી રુડાબાપ, હરિપરા શ્રી મનુભાઇ ખોખરીયા, શ્રી ગજેન્‍દ્રભાઇ રામાણી, શ્રી ખોડાભાઇ, શ્રી મનસુખભાઇ, શ્રી વલ્‍લભભાઇ રામાણી, શ્રી લક્ષ્‍મણભાઇ, શ્રી ચંદુભાઇ માઢક, શ્રી વિનુભાઇ ચાંવ, સરપંચશ્રી રેખાબેન બોદર, ઉપસરપંચશ્રી રમેશભાઇ બોદર, શ્રી હરિભાઇ સાવલીયા, શ્રી દિનેશભાઇ ટાઢાણી, શ્રી રમેશભાઇ સાવલીયા, નાયબ મામલતદારશ્રી વિનુભાઇ ધાનાણી, ગ્રામજનો, શાળાના વિદ્યાર્થીઓ વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

જીવાપર ગામે ‘તિથિભોજન’ની આગામી ૧૦૦ દિવસની તારીખો બુકઃ દાતાઓ ૧૦૦ દિવસ સુધી આંગણવાડીના બાળોને મનગમતા ભોજન આપશે

રાજકોટ

ભારતવર્ષના ભવિષ્‍ય એવા આંગણવાડીના નાનકડા બાળોને સરકારશ્રી દ્વારા તો પૌષ્‍ટિક આહાર પૂરો પાડવામાં આવે જ છે. આમ છતાં એવા દાતાઓ કે જેઓ કોઇ ચોકકસ દિવસે કે તારીખે આ ભૂલકાંઓને ભોજન કરાવવા માંગતા હોય તો તેઓ રાજય સરકારના ‘તિથિ ભોજન’ કાર્યક્રમ અંતર્ગત સબંધિત સંકલિત બાળ વિકાસ યોજનાના અધિકારીને આગોતરી જાણ કરી શકે છે.

જીવાપર જેવા નાનકડા ગામે વન મહોત્‍સવ નિમિત્તે આ ગામની આંગણવાડીના ભૂલકાંઓને ઋતુ મુજબ આગામી ૧૦૦ દિવસ સુધી મનગમતાં ભોજન આપવાની તિથિઓ દાતાઓ દ્વારા બુક કરાવી લેવામાં આવી છે ! અને હવે આજથી માંડી ૧૦૦ દિવસ સુધી તેઓ ઇશ્વરના અવતાર એવા બાલદૂતોને ફળફળાદિ/ભોજન પૂરાં પાડશે. હજી આ ભૂલકાંઓ માટે ‘તિથિ ભોજન’ના દિવસો બુક કરાવવાનો અવિરત પ્રવાહ ચાલુ જ છે. પાંચ તિથિનું ભોજન રાજકોટ યુવરાજ શ્રી માંધાંતાસિંહજી દ્વારા પણ નિયત કરવામાં આવ્‍યું છે.

ગામ નાનું પણ કામ મોટું એટલે જ ગામ જીવાપર. સાચે જ જીવનપરના જાગૃત ગ્રામજનો આપણા સૌના ધન્‍યવાદના અધિકારી છે.

તરણેતર મેળો-૨૦૧૧

પશુપાલન વિભાગ દ્વારા પશુ પ્રદર્શન અને હરિફાઇનું આયોજન

સુરેન્‍દ્રનગર

સુરેન્‍દ્રનગર જિલ્‍લાના ચોટીલા તાલુકાના તરણેતર ખાતે યોજાતા વિશ્વ પ્રસિધ્‍ધ તરણેતરના મેળામાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ તા. ૩૧ મી ઓગષ્‍ટ અને તા. ૧ - ૨ સપ્‍ટેમ્‍બરના રોજ સુરેન્‍દ્રનગર જિલ્લાના પશુપાલન વિભાગ, દ્વારા પશુપ્રદર્શન અને હરિફાઇનું આયોજન કરવામાં આવ્‍યું છે.

ગુજરાત રાજયમાં ગીરગાય, કાંકરેજ ગાય, જાફરાબાદી ભેંસ, બન્‍ની ભેંસ, કાઠિયાવાડી અશ્વ, જેવી વિશ્વ પ્રસિધ્‍ધ પશુઓની ઓલાદ છે, ત્‍યારે મેળામાં આવતા લોકોને શ્રેષ્‍ઠ પશુઓલાદ જોવા મળે, તેના ફાયદા જાણવા મળે અને શ્રેષ્‍ઠ પશુઓ રાખવાની પ્રેરણા મળે તથા લે-વેચ કરવાની તક મળે તેવા આશયથી પશુપ્રદર્શન અને હરિફાઇનું આયોજન કરવામાં આવ્‍યું છે.

ચાલુ વર્ષે વિવિધ વર્ગના જાતવાન ૩૦૦ પશુઓનું પ્રદર્શન રાખવાનું આયોજન કરાયું છે. જેમાં દરેક પશુને રાખવા બાંધવા માટે ટેન્‍ટની વ્‍યવસ્‍થા, પશુપ્રદર્શન માટેના પ્રોજેકટ વડે સ્‍લાઇડ શો, પશુપાલન પ્રવૃતિઓની પ્રચાર પત્રિકાઓનું વિતરણ તથા બેનર વગેરેનું આયોજન કરાયું છે.

પશુપ્રદર્શન હરિફાઇમાં ભાગ લેવા માટે પસંદગી પામેલ જે તે વિભાગના પશુ ચિકિત્‍સકના પ્રમાણપત્ર સાથે પ્રત્‍યેક પશુને લોકમેળા દરમિયાન પ્રતિદિન રૂ. ૩૦૦/- લેખે નિભાવ ખર્ચ આપવામાં આવશે તથા વિજેતા પ્રથમ પશુના માલિકને રૂ. ૧૧,૦૦૦ , દ્વિતિયને રૂ. ૮,૦૦૦ અને તૃતીય વિજેતાને રૂ. ૫,૦૦૦ના ઇનામ એનાયત થશે.

પશુની વિવિધ પાંચ ઓલાદોના વર્ષદીઠ કુલ ૪૨ ઇનામોનું વિતરણ કરાશે તથા હરિફાઇમાં ભાગ લેનાર દરેક પશુઓને પ્રોત્‍સાહન રૂપે રૂ.૧૫૦૦/- આપવામાં આવશે.

આ પશુ હરિફાઇમાં ભાગ લેવા માટે તા. ૩૧ ઓગષ્‍ટ-૨૦૧૧ ના રોજ રાત્રિના ૧૦-૦૦ કલાક સુધી પ્રવેશ આપવામાં આવશે, ત્‍યારબાદ તા.૧/૯/૨૦૧૧ ના રોજ નિર્ણાયકો દ્વારા મુલ્‍યાંકન થશે અને તા.૨/૯/૨૦૧૧ ના રોજ ઇનામ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે તેમ નાયબ પશુપાલન નિયામકશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

ડી.સી.સી. અને ડી.એલ.આર.સી. ની બેઠક મળશે

સુરેન્‍દ્રનગર,

જિલ્‍લા કલેકટરશ્રી પ્રદિપ શાહના અધ્‍યક્ષસ્‍થાને તા.૨૯ મી ઓગષ્‍ટ-૨૦૧૧ને સોમવારના રોજ સાંજે ૪-૪૫ કલાકે કલેકટર કચેરીના સભાખંડ ખાતે ડી.સી.સી. અને ડી.એલ.આર.સી. અંગેની એક બેઠક યોજાશે, જેની સંબંધકર્તા તમામે નોંધ લઇ જે તે બેઠકની જરૂરી વિગતો સાથે ઉપસ્‍થિત રહેવા લીડ બેંકના ચીફ મેનેજરશ્રી સુરેન્‍દ્રનગર તરફથી જણાવાયું છે.

સુરેન્‍દ્રનગર જિલ્લાના ટુ વ્હીલર વાહનો વેંચતા વેપારી માલિકો જોગ જાહેરનામું

સુરેન્‍દ્રનગ

સુરેન્‍દ્રનગર જિલ્લામાં હાલના સંજોગોમાં જાહેર જનતાની જાનમાલ (મિલકત) ની સલામતી અને સુરક્ષા માટે જાહેર વ્યવસ્‍થાના હેતુ માટે સાયકલ, સ્‍કુટર તથા મોટર સાયકલ જેવા ટુ-વ્‍હીલર વાહનો વેચનારા તથા તે અંગેની દુકાનો ધરાવનારા માલિકો, મેનેજરો, સુચાલકો, એજન્‍ટો ઉપર જાહેર વ્‍યવસ્‍થા, શાંતિ, સલામતી અને દેશની સુરક્ષાના પરીપ્રેક્ષ્‍યમાં થોડા સુચનો અમલમાં મુકવા જરૂરી જણાતા સુરેન્‍દ્રનગર જિલ્‍લાના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી એમ. બી. પટેલે તેમને મળેલ અધિકારની રૂઇએ એક જાહેરનામું બહાર પાડ્યું છે.

આ જાહેરનામામાં જણાવ્‍યા પ્રમાણે તા. ૩૦/૯/૨૦૧૧ સુધી સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં સાયકલ, સ્‍કુટર તથા મોટર સાયકલ જેવા ટુ-વ્‍હીલર વાહનો વેચનારા તથા તે અંગેની દુકાનો ધરાવનારા માલિકો, મેનેજરો, સુચાલકો, એજન્‍ટોએ જયારે-જયારે સાયકલ, સ્‍કુટર તથા મોટર સાયકલ જેવા ટુ-વ્‍હીલર વાહનો વેચવામાં આવે ત્‍યારે તેઓને (વેચાણકર્તાને) સાયકલ, સ્‍કુટર અને મોટર સાયકલ જેવા ટુ-વ્‍હીલર વાહનો ખરીદનારને અવશ્‍ય બિલ આપવું અને તેની સ્‍થળપ્રત રાખવી તથા ખરીદનારે પણ બિલ સાચવી રાખવું. ખરીદનાર ગ્રાહકનું ડ્રાયવિંગ લાયસન્‍સ, પાનકાર્ડ, ઇલેકશન કાર્ડ, રેશનકાર્ડ કે નોકરી કરતા હોય તો ત્‍યાંનું ઓળખપત્ર, શૈક્ષણિક સંસ્‍થાનું પ્રમાણપત્ર કે સ્‍થાનિક અગ્રણીઓ જેવા કે મ્‍યુનિસીપલ કોર્પોરેટર, ધારાસભ્‍ય, સંસદસભ્‍યશ્રી, કોઇપણ ખાતા તરફથી મેળવેલ ઓળખપત્ર / પ્રમાણપત્ર પૈકી કોઇપણ એક પુરાવો ઓળખ માટે ખરીદનાર ગ્રાહક પાસેથી મેળવવાનો રહેશે. આ બીલમાં ખરીદનારનું પુરૂનામ, સરનામું, સંપર્ક માટે ઘરનો ટેલિફોન / મોબાઇલ નંબર લખવો. વેચાણ બીલમાં સાયકલ, સ્‍કુટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ-વ્‍હીલર વાહનોનો ફ્રેમ નંબર, ચેસીસ નંબર, એન્‍જીન નંબર અવશ્‍ય લખવો, તેમજ સાયકલ, સ્‍કુટર કે મોટર સાયકલ જેવા બીજા ટુ-વ્‍હીલર વાહનો વેચાણકર્તાએ કોઇપણ પોલીસ અધિકારી તરફથી માંગણી કરવામાં આવે ત્‍યારે આ મુજબની માહિતી / રેકર્ડ ચકાસણી માટે રજુ કરવાનું રહેશે.આ જાહેરનામાના આદેશનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

બાળ સ્‍વાસ્‍થ્‍યની જવાબદારી એ માત્ર માતાની કે વ્‍યકિતગત નથી પણ આ એક રાષ્‍ટ્રીય જવાબદારી છેઃ

ઉચ્‍ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રો.વસુબેન ત્રિવેદી

રાજુલા ખાતે પ્રબુધ્‍ધ નાગરિકો સાથેની બેઠક સંપન્‍ન

અમરેલી

રાજુલા તાલુકા કક્ષાએથી જ આયોજન થઇ કામો મંજૂર થાય તેવા રાજય સરકારના નૂતન અભિગમ હોવાનું રાજુલાના પ્રબુધ્‍ધ નાગરીકો સાથેના ચર્ચા-વિમર્શ દરમિયાન સંબોધતા પ્રભારી અને ઉચ્‍ચ, ટેકનીકલ મહિલા અને બાળ વિકાસ રાજયમંત્રી શ્રીમતિ વસુબેન ત્રિવેદીએ જણાવ્‍યું હતું

માત્ર ભૌતિક સુવિધાઓ ઉભી કરવી એ વિકાસ નથી. ગામમાં ભૌતિક સુવિધાઓનો સુચારૂ ઉપયોગ થાય તેની કાળજી પ્રબુધ્‍ધ નાગરીકો લઇને સહયોગ આપે તો જ સાચો વિકાસ થયો ગણાય. માળખાગત વ્‍યવસ્‍થા, મેનપાવર, સુચારૂ સંચાલન અને છેવાડાના માનવીને સંતોષ થાય તેવી વ્‍યવસ્‍થા-ગતિશીલ તંત્ર હજુ વધુને વધુ આગળ વધે તે માટે મથામણ કરે છે. ત્‍યારે પ્રબુધ્‍ધ નાગરિકોને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.

બાળોની કુપોષણની ચિંતા વ્‍યકત કરતા રાજયમંત્રી શ્રીમતી વસુબેન ત્રિવેદીએ જણાવ્‍યુ હતું કે ,નિરોગી બાળ અને બાળ સ્‍વાસ્‍થ્‍યની જવાબદારી એ માત્ર માતાની કે વ્‍યકિતગત નથી પણ આ એક રાષ્‍ટ્રીય જવાબદારી છે. રાજય સરકાર નાના બાળકોની ચિંતા કરે છે ત્‍યારે તેની આવતી કાલને તંદુરસ્‍ત બનાવવા માતાના ગર્ભમાંથીજ પોષણયુકત આહાર આપવાની શરૂઆત કરવામાં આવે છે. સગર્ભા, ધાત્રી માતાઓને તેમજ બાળકોને આંગણવાડીમાં ફોર્ટીફાઇડ આટો અને દૂધ અને ફળાહાર આપવામાં આવે છે. જેનું વિતરણ બરાબર થાય છે કે કેમ તેની તકેદારી રાખવા તથા કુપોષિત બાળકોને સારા પ્રસંગોએ દૂધ, ફળ, મીઠાઇઓનું વિતરણ કરી ભાવિ પેઢીને તંદુરસ્‍ત બનાવી સમાજમાંથી કુપોષણનું કલંક દૂર કરવાની રાષ્‍ટ્રીય ફરજ અદા કરવા જણાવ્‍યું હતું.

અમરેલી ખાતે સારહિ યુથ કલબ અને લાયન્‍સ કલબ આયોજીત લોકમેળાઓનો શુભારંભ કરાવતાં કૃષિમંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી અને સાંસદશ્રી નારણભાઈ કાછડીયા

મહંતશ્રી વલકુબાપુ, ધારાસભ્યશ્રી મનસુખભાઈ ભુવા અને લાયન્સના ડીસ્‍ટ્રીકટ ગવર્નરોની ઉપસ્‍થિતિ

અમરેલીઃ

અમરેલી ખાતે તા.૧૯.૮.૨૦૧૧ના રોજ ફોરવર્ડ હાઈસ્‍કૂલના પટાંગણમાં સારહિ યુથ કલબ ઓફ અમરેલી આયોજીત જન્માષ્‍ટમી લોકમેળાનો શુભારંભ કૃષિ,સહકાર અને પશુપાલન મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીએ તેમજ નૂતન હાઇસ્‍કૂલના પટાંગણમાં લાયન્‍સ કલબ ઓફ અમરેલી આયોજીત લોકમેળાનો શુભારંભ સાંસદશ્રી નારણભાઈ કાછડીયાએ મંગલદીપ પ્રગટાવી કરાવ્‍યો હતો..

શ્રી દાન મહારાજની જગ્‍યા- ચલાલાના ગાદીપતિ મહંતશ્રી વલકુબાપુના અધ્‍યક્ષ સ્‍થાને સારહિ યુથ કલબ ઓફ અમરેલી આયોજિત લોકમેળામાં સંબોધતા મંત્રીશ્રી દિલિપભાઇ સંઘાણીએ લોકમેળાએ ભારતીય સંસ્‍કૃત્તિનું અભિન્‍ન અંગ છે અને લોકમેળાના માધ્યમથી સામાજિક, સાંસ્‍કૃત્તિક અને ધાર્મિક પ્રવૃત્તિને પ્રેરક બળ મળે છે તેમ જણાવ્‍યું હતું. લોકમેળા થકી સમાજમાં સમરસતાની સાથે સમાજના ગરીબ, શોષિત, દર્દીઓ અને જરૂરિયાતમંદ લોકોની સેવાકિય પ્રવૃતિ માટે કાર્યરત સારહિ સંસ્‍થાના પ્રમુખશ્રી મુકેશ સંઘાણી સહિત તમામ સભ્‍યોને અભિનંદન પાઠવીને સંસ્‍થાની સેવાકિય પ્રવૃત્તિને છેવાડાના ગામ સુધી વિસ્‍તારવા અનુરોધ કર્યો હતો.

અધ્‍યક્ષ સ્‍થાનેથી દાન મહારાજની જગ્‍યાના મહંતશ્રી વલકુ બાપુએ સર્વજન હિતાયાર્થે મેળાના માધ્યમથી સારહિ યુથ કલબના ઉત્‍સાહી યુવાનો દ્વારા કરવામાં આવતી સેવાકિય પ્રવૃતિઓની સરાહના કરી અભિનંદન પાઠવ્‍યા હતાં.

આ પ્રસંગે સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, ધારીના ધારાસભ્‍યશ્રી મનસુખભાઈ ભુવા અને જિલ્‍લા ભાજપા પ્રમુખશ્રી ડૉ..ભરતભાઇ કાનાબારે પ્રાસંગિક પ્રવચનમાં જન્‍માષ્‍ટમીના મેળાના સુંદર આયોજન બદલ સારહિ યુથ કલબને તેમજ સહજ સીટીના પ્રોપરાઈટરશ્રી કરશનભાઈ નસીતને અભિનંદન પાઠવીને સંસ્‍થાની સેવાકિય પ્રવૃત્તિને બિરદાવી હતી.

કાર્યક્રમના પ્રારંભે સંસ્‍થાના પ્રમુખ મુકેશભાઇ સંઘાણીએ સૌને આવકાર્યા હતા. જ્યારે સંસ્‍થાની પ્રવૃતિઓની રૂપરેખા શ્રી ભગીરથ ત્રિવેદીએ આપી હતી.

લાયન્‍સ કલબ ઓફ અમરેલી આયોજીત લોકમેળામાં કૃષિમંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણી, સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, વિશ્વ હિન્‍દુ પરિષદના ડૉ.ગજેરા, જિલ્‍લા પંચાયત કારોબારી ચેરમેનશ્રી શરદભાઈ લાખાણીએ પ્રાસંગિક પ્રવચનોમાં લાયન્‍સ કલબ ઓફ અમરેલી દ્વારા કરાતી રકત દાન, રોગ નિદાન કેમ્‍પ, સિવીલ હોસ્‍પિટલના દર્દીઓ માટે ભોજન સહિતની વિવિધ સેવાકિય પ્રવૃત્તિઓ વિશેની માહિતી આપીને સંસ્‍થાના સેવાકાર્યને બિરદાવ્યા હતાં.

આ કાર્યક્રમોમાં નગરપાલિકા પ્રમુખ મંજુલા બેન જોષી, ઉપપ્રમુખશ્રી કાળુભાઈ પાનસુરીયા, અગ્રણીઓ સર્વશ્રી અશ્વિનભાઇ સાવલિયા, પી.પી.સોજીત્રા, માવજીભાઈ ગોલ, ફોરવર્ડ સ્‍કૂલના ટ્રસ્‍ટીઓ સર્વશ્રી દિનેશભાઇ વિઠ્ઠલાણી, રમેશભાઇ વિઠ્ઠલાણી, ડીસ્‍ટ્રીક્ટ ગવર્નરશ્રી ધિરેન બદીયાણી, ભાવનાબેન કોઠારી, કમલેશભાઇ શાહ, અમરેલીસીટી લાયન્‍સ કલબના પ્રમુખશ્રી પરેશ કાનપરીયા, સેક્રેટરીશ્રી નરેશ જોગાણી, પરેશ આચાર્ય, જીતુભાઈ ડેર સહિત બંને સંસ્‍થાના હોદેદારો, નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાવલ અને શ્રી કટારા સહિત બહોળી સંખ્‍યામાં નગરજનો ઉપસ્‍થિત રહયાં હતા.

જાફરાબાદ ખાતે ચલો તાલુકે કાર્યક્રમ સંપન્‍ન

સર્વગ્રાહી વિકાસનું સરનામું બન્યું ગુજરાતઃ પ્રભારી મંત્રી શ્રીમતિ વસુબેન ત્રિવેદી

રોજગારી આપવાની બાબતમાં ગુજરાત મોખરેઃ શ્રમ-રોજગાર મંત્રીશ્રી લીલાધરભાઇ વાઘેલા

ખમીરવંતી અને દરિયાખેડુ પ્રજાના પ્રદેશ એવા જાફરાબાદમાં પરજનના સુખાર્થે કરવામાં આવતી સેવાનું ઉદાહરણ ટાંકીને, ઉચ્‍ચ ટેક્નિકલ, મહિલા-બાળ આરોગ્ય વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તથા જિલ્‍લા પ્રભારી મંત્રી શ્રીમતિ વસુબેન ત્રિવેદીએ કપોળ ઘોઘારી જ્ઞાતિની વાડી-જાફરાબાદ ખાતે ચલો તાલુકે કાર્યક્રમ નિમિત્તે જણાવ્‍યું હતું કે, રાજ્ય સરકાર સર્વજન સુખેન ભવન્‍તુઃના સિધ્‍ધાંતો પર વિકાસ કાર્યો કરે છે. રાજ્ય સરકાર પૂ. બાપુના ગ્રામોત્‍થાનના આદર્શો ને સ્‍વરોજગારી, સિંચાઇ, આરોગ્‍ય અને માળખાકીય સુવિધા સંપન્‍ન કરીને અનુસરે છે. આથી છેલ્‍લા દાયકામાં થયેલ કામગીરીથી શહેરી વિસ્‍તારોની સાથોસાથ ગ્રામ્ય વિસ્‍તારમાં પણ ધરમૂળથી પરિવર્તન આવ્‍યા છે. આમ ગુજરાત સર્વગ્રાહી વિકાસનું સરનામું બન્યું છે.

મંત્રીશ્રીએ ઉર્મેયુ હતું કે, ગુજરાત જ્ઞાનશક્તિના સ્‍તંભ પર ઉભું છે. દેશ-વિદેશના વિદ્યાર્થીઓ અભ્‍યાસ માટે ગુજરાતમાં આવવા આકર્ષાયા છે. વિશ્વભરમાં વધી રહેલા આતંકવાદ અને ગુન્‍હાખોર માનસ ધરાવતાં તત્‍વો સામે લડત આપવા રાજ્યમાં ફોરેન્‍સિક યુનિવર્સિટી તથા રક્ષા યુનિવર્સિટીની સ્‍થાપના કરવામાં આવી છે. આ ઉપરાંત કૃષિ યુનિવર્સિટીમાં અભ્‍યાસ કરતાં યુવાનોએ જમીન ચકાસણીનો નવો પ્રયોગ અપનાવીને કૃષિ ક્ષેત્રે નોંધનીય પરિવર્તનો મેળવવામાં સહભાગી બન્‍યા છે.

રાજ્ય સરકારના દીર્ધદ્રષ્‍ટિભર્યા નિર્ણયોને કારણે ગુજરાતમાં છેલ્‍લો દસકો વિકાસનો રહ્યો છે. રાજ્ય સરકારે સાગરખેડુ, વનબંધુ કલ્‍યાણ યોજના અને શહેરી ગરીબી નિર્મૂલન યોજના અમલમાં મૂકી વિકાસથી વંચિત વિસ્‍તારોમાં સર્વગ્રાહી સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવા કમર કસી છે. ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ પાંગરવા માંડ્યો છે આટલું જ નહિ રોજગારી આપવાની બાબતમાં પણ ગુજરાત મોખરે હોવાનું શ્રમ અને રોજગાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી લીલાધરભાઇ વાઘેલાએ જણાવ્‍યું હતું.

ટેક્નિકલ શિક્ષણ વિભાગના કમિશ્નર શ્રી આર.બી. પીરજાદાએ પ્રેરક ઉદબોધનમાં જણાવ્‍યું હતું કે, રાજ્યના યુવાધનને ટેક્નિકલ શિક્ષણ સુવિધા ઘરઆંગણે જ મળી રહે તે હેતુથી એન્‍જિનિયરિંગ અભ્‍યાસક્રમોમાં ૧૧ હજાર બેઠકો હતી જેમાં વધારો કરતાં રાજ્યભરમાં હવે ૪૦ હજાર બેઠકો ઉપલબ્‍ધ થઇ છે.

જિલ્‍લા કલેક્ટરશ્રી ડી.એ. સત્‍યાએ કાર્યક્રમનો ઉદેશ્ય અને રૂપરેખા સ્‍પષ્‍ટ કરી વિકાસની પરિભાષા રજૂ કરી જિલ્‍લામાં થયેલ વિકાસ કાર્યો વિગતે જણાવ્‍યા હતા.

જિલ્‍લા વિકાસાધિકારીશ્રી પાંડેએ આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓ અને લાભાર્થીઓની વિગતો જણાવી હતી.

આ તકે મંત્રીશ્રીના હસ્‍તે આંગણવાડીના બાળકોને ફળ તથા મિઠાઇ આપવામાં આવેલ. આ ઉપરાંત બારકોડેડ રેશનકાર્ડ પણ અર્પણ કરવામાં આવેલ.

માહિતી ખાતા દ્વારા નિર્મિત ગુજરાત એક ટીમ વીડિયો સી.ડી. પ્રસ્‍તુત કરવામાં આવેલ.

કાર્યક્રમનું સંચાલન અને સાગરકાંઠાના જાફરાબાદ તાલુકાના તમામ ગામોમાં થયેલ વિકાસની પરિભાષા સમું સમગ્રતયા ચિત્ર પ્રાંત અધિકારીશ્રી એ.જે. પટેલે રજૂ કર્યુ હતું.

આ તકે ટીંબીના શ્રી કાનાભાઇ બાંભણીયા, પીંછડીના શ્રીમતિ કૈલાશબેન ગંગાજળિયા, વાંઢના શ્રી આલાભાઇ મહિડા અને લોઠપુર ગામના શ્રી રાણાભાઇ મકવાણા સહિતના સરપંચશ્રીઓએ ગ્રામ્યવિકાસગાથા વર્ણવી હતી.

આ તકે ધારાસભ્‍ય શ્રી હિરાભાઇ સોલંકી, જિલ્‍લા પંચાયત પ્રમુખ શ્રી ભૂપતભાઇ માયાણી, ઉપપ્રમુખ શ્રી વઘાસિયા, જાફરાબાદ નગરપ્રમુખ શ્રી, જિલ્‍લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ, તાલુકાના સરપંચ અને ઉપસરપંચશ્રીઓ, તથા કર્મચારીગણ ઉપસ્‍થિત રહ્યા હતા.

સ્‍વાતંત્ર્ય પર્વ દિને વડીયા મામલતદાર હસ્‍તે ધ્‍વજવંદન

અમરેલી

ગ્રામ પંચાયતના સહકારથી વડીયા તાલુકા મથકે મામલતદાર કચેરીના પટાંગણમાં ભારતના ૬ માં સ્‍વાતંત્ર્ય પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. મામલતદાર સુ.શ્રી કલ્‍પનાબહેન પડીયાના હસ્‍તે ધ્‍વજવંદન કાર્યક્રમ યોજાયા બાદ વડીયા તાલુકા મથકની શૈક્ષણિક સંસ્‍થાઓના બાળકો દ્વારા દેશભકિત ગીતો, અભિનય ગીત, પિરામીડ યોગ, શૌર્ય ગીત સહિતની સાંસ્‍કૃતિક કૃતિઓ રજ કરેલ. શ્રી કે.એચ. જોષીએ આભારવિધિ કરી હોવાનું મામલતદારશ્રી- વડીયાની યાદીમાં જણાવાયું છે.

છાટબાર

જીલ્‍લા માહિતી કચેરી જામનગર દ્વારા સિકકા ખાતે નિબંધ સ્‍પર્ધા યોજાઇ

જામનગર જિલ્‍લા માહિતી કચેરી, દ્વારા તાજેતરમાં સિકકા ખાતે શ્રી દિગ્‍વીજય ગ્રામ પંચાયત સંચાલિત આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજમાં નિબંધ સ્‍પર્ધા યોજાઇ હતી. જેમાં બહોળી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ સહભાગી થયા હતાં.

યુવાનોમાં જાગૃતિ લાવવા યોજાયેલ આ નિબંધ સ્‍પર્ધામાં પ્રથમ સ્‍થાને મિશ્રા મોનીકા, દ્વિતિય નાકરા આશા અને તૃતીય સ્‍થાને ત્રિવેદી દિવ્‍યા વિજેતા થયા હતાં. આ વિજેતાઓને માહિતી કચેરી દ્વારા રોકડ પુરષ્‍કાર એનાયત થશે.

સ્‍પર્ધાના નિર્ણાયકો તરીકે પ્રાધ્યાપક જાગૃતિબેન દવે, પ્રા.જાદવ સુહાની અને પ્રા. કોઠારી સુષ્‍માબેન સહયોગી થયા હતાં. નાયબ માહિતી નિયામકશ્રી કે.એ. કરમટાના માર્ગદર્શન તળે યોજાયેલ સ્‍પર્ધાને સફળ બનાવવા માહિતી કચેરીના શ્રી ગજેન્‍દ્રસિંહ જાડેજા ઉપરાંત કોલેજના આચાર્યશ્રીએ જહેમત ઉઠાવી હતી.

બાલ દર્દીઓ માટે ડાયાબીટીક કેમ્‍પ યોજાયો.

જામનગર ખાતે શ્રી બ્રહમ ક્ષત્રિય પંચની વાડીમાં દરરોજ બે ઇન્‍જેકશન લેતા ડાયાબીટીક બાળ દર્દીઓ માટે કેમ્‍પ યોજાયો હતો. જેમાં ૮૦ દર્દીઓ સાથે તેમના માતા-પિતાલાભ લીધો હતો.

જી.જી. હોસ્‍પીટલના અધિક્ષકના અધ્‍યક્ષસ્‍થાને યોજાયેલ કેમ્‍પનો જિલ્‍લા પોલીસ વડાશ્રી સુભાષ ત્રિવેદીએ પ્રારંભ કરાવી બાળદર્દીઓને હિંમતપૂર્વક ડાયાબીટીસનો સામનો કરવા પ્રેરણા આપી હતી.

જુવેનાઇલ ડાયાબીટીશ ફાઉન્‍ડેશન દ્વારા આયોજીત આ કેમ્‍પને સફળ બનાવવા નિષ્‍ણાંત તબીબો ઉપરાંત સંસ્‍થાના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. જેમ ફાઉન્‍ડેશનના મેનેજીંગ ટ્રસ્‍ટીની યાદીમાં જણાવાયું છે.

દ્વારકામાં યાત્રિકોની સુવિધા માટે છ સ્‍થળોએ માહિતી કેન્‍દ્રો શરૂ થશે.

ભારત વર્ષના શ્રધ્‍ધા કેન્‍દ્ર દ્વારકા ખાતે પધારતા યાત્રિકોની સુવિધા માટે છ સ્‍થળોએ માહિતી કેન્‍દ્રો શરુ થશે.

એસ.ટી.ડેપો, રેલ્‍વેસ્‍ટેશન, નગરપાલિકા કચેરી ખાતે, ત્રણબત્તીચોક, રેલ્‍વે સ્‍ટેશન રોડ પર પ્રા.શાળાની બાજુમાં અને મંદિર પરિસરમાં આ માહિતી કેન્‍દ્રો જન્‍માષ્‍ટમીના દિવસે મોડી રાત્રી સુધી કાર્યરત રહેશે.

આ કેન્‍દ્રો ઉપરથી યાત્રિકોને દ્વારકામાં રહેવા-જમવાની સવલતો, સામાનઘર, એસ.ટી. અને રેલ્‍વેની માહિતી ઉપરાંત વાહન પાર્કિંગ વ્‍યવસ્‍થા સહિતની જાણકારી અપાશે.

જામનગરની ડી.કે.વી. કોલેજ ખાતે જળશકિત પ્રદર્શનનો પ્રારંભ

જામનગર ખાતે ડી.કે.વી. કોલેજમાં તા. ૨૦ ઓગસ્‍ટથી જળશકિત પ્રદર્શનનો પ્રારંભ થયો છે. તા. ૨૮/૮/૧૧ સુધી કાર્યરત રહેનાર આ પ્રદર્શન સવારના ૯ થી સાંજના ૫ કલાક સુધી કાર્યરત રહેશે.

સૌરાષ્‍ટ્ર ગુજરાતમાં જળસિંચન ક્ષેત્રે થયેલ પ્રગતિ, જળસિંચનના વિવિધ અભિગમો સહિત માહિતીસભર અને સચિત્ર આ પ્રદર્શનનો જાહેર જનતાએ લાભ લેવા કાર્યપાલક ઇજનેર ઉંડ નહેર વિભાગની યાદીમાં જણાવાયું છે.

તા. ૨૩ ઓગષ્‍ટના રોજ મીઠાપુર ખાતે રોજગાર માર્ગદર્શન કેમ્‍પ

તા. ૨૩ ઓગષ્‍ટના રોજ ટાટા કેમીકલ્‍સ મીઠાપુર ખાતે રોજગાર માર્ગદર્શન કેમ્‍પ યોજાશે. જિલ્‍લા રોજગાર કચેરી જામનગર આયોજીત આ કેમ્‍પમાં નામ નોંધણી, રીન્‍યુઅલ, વ્‍યવસાય માર્ગદર્શન, સ્‍વરોજગાર માર્ગદર્શનની કામગીરી સવારે ૧૦.૩૦ કલાકથી યોજાશે.

જગદગૂરૂ શ્રીકૃષ્‍ણ


આજથી પાંચ હજાર વર્ષ પહેલા જન્‍મ ધારણ કરી શ્રીકૃષ્‍ણ ભગવાને આ ધરતીને પવિત્ર કરી. ધર્મ ન્‍યાય અને નિતિ માટે જીવન ન્‍યોછાવર કરનાર અલૌકિક અને ઉત્‍કૃષ્‍ટ પ્રતાપી વ્‍યકિત ભારતમાં જન્‍મી તે વ્‍યકિત એટલે સર્વજન સ્‍વજન શ્રી કૃષ્‍ણ.

પાંચ હજાર વર્ષ અગાઉ માનવીઓના હદય ઉપર જેવું સામ્રાજય ચાલતુ હતુ તેવુ આજે પણ શ્રીકૃષ્‍ણ ભગવાનુ સામ્રાજય લોક હૃદયમાં છે. પાંચ હજાર વર્ષ સુધી જેનું વ્‍યકિતત્‍વ ટકી રહયુ હોય અને જનતાના હૃદય પર જેની હકુમત ચાલતી હોય તેવી બીજી કોઇ વ્‍યકિત ઇતિહાસમાં જોવા નથી મળતી. એવી એક માત્ર વ્‍યકિત જગદગુરુ ભગવાન શ્રીકૃષ્‍ણ છે.

નિર્ગુણ નિરાકાર સગુણ સાકારરૂપ ધારણ કર્યુ અને શ્રીકૃષ્‍ણના નામથી જન્‍મ ધારણ કર્યો. પાંચ હજાર વર્ષથી શ્રીકૃષ્‍ણ લીલાનું વર્ણન સતત ચાલ્‍યા જ કર્યુ છે. લોકો-કથાકારો એની લીલાનું વર્ણન કરતા થાકતા જ નથી. એની લીલાનું શ્રવણ અને કિર્તન કથાકારો ભારતમાં સતત કરતા રહયા છે. કેવળ ભાવના પ્રધાન અને સામાન્‍ય માણસો જ એ ગાય છે એમ નહી પણ નારદ અને શુક્રદેવ જેવા મહામુનીઓ પણ શ્રીકૃષ્‍ણની જીવનલીલાનું વર્ણન કરતા તલ્‍લીન થઇ જતા. વળી બીજા એવા ઘણા લોકોને શ્રીકૃષ્‍ણના નામની એવી મોહિની લાગી હતી કે તેઓ ઐહિક સુખને છોડી શ્રીકૃષ્‍ણના જીવનનો ભેદકેલવા આજીવન વનવગડામાં જઇને વસ્‍યા. આજે એકવીસમી સદીમાં પણ એવા ઘણા ઉત્‍કૃષ્‍ટ બુધ્‍ધીમાન લોકો છે કે જેઓ શ્રીકૃષ્‍ણ ભકિતના રંગમાં રંગાઇ આધિભૌતિકતાના નામથી ચકિત ન થતા પોતાના સવર્સ્‍વનો ત્‍યાગ કરી શ્રીકૃષ્‍ણના જીવન સંદેશનો જન-જન સુધિ પ્રચાર કરી રહયા છે. સમાજને શ્રીકૃષ્‍ણના જીવનનો સંદેશો આપી રહયા છે.

અરે જે જડ ભૂમિ પર એ મહાન વિભૂતિએ જન્‍મ લીધો અને જયા તે નાચ્‍યા, કુદયા, કર્મયોગ કર્યા, તે જડ ભૂમિ પણ શ્રીકૃષ્‍ણમય બની ગઇ છે. એ ભૂમિનો ટુકડો ચિન્‍મય છે. એ દિવ્‍યભૂમિ એટલે ગોકુળ, મથુરા, દ્વારિકા અને વૃંદાવન.

ભગવાન શ્રીરામને આપણે મર્યાદા પુરુષોતમ તરીકે ઓળખીએ છીએ જયારે ભગવાન શ્રીકૃષ્‍ણ તો પૂર્ણ પુરુષોતમ છે, પૂર્ણ અવતાર છે. શ્રીકૃષ્‍ણ ભગવાનનું વ્‍યકિતત્‍વ જોતા આપણે થાય કે એક જ વ્‍યકિતમાં આટલા બધા ગુણો. જાણે કે ગુણોનું અજાયબ ઘર. પરાક્રમ, બુધ્‍ધિ અને નિસ્‍પૃહતા એ ત્રણ ગુણો તેનામાં એવા તો વણાઇ ગયેલા જણાય છે કે વિશ્‍વના લોકોને તે આકર્ષે છે. પરમાર્થ જીવન ગાળનારાઓમાં પણ ભગવાન શ્રીકૃષ્‍ણ અગ્ર સ્‍થાને બિરાજે છે.

ગૌતમ બુધ્‍ધે ધર્મનો અને મહમદ પયંગબરે નિશ્‍ચય સાથે પોતાના ધર્મનો પ્રચાર કર્યો હતો. ભગવાન શ્રીકૃષ્‍ણના જીવનમાં આ ત્રણેય

જીવન વ્‍યવહારમાં વિલક્ષણતા અને ગુઢતા ભરેલી લાગે છે. આ ગુઢતા કે ગોપ્‍યતા એટલી અલૌકિક બની રહે છે કે તેનુ આકલન બુધ્‍ધિ વડે થઇ શકતુ નથી.

શ્રીકૃષ્‍ણનું ચરિત્ર ગુઢ રમણીય અને મનમોહક છે. જ્ઞાનીઓ તત્‍વવેતાઓ અને મહાપુરૂષો આથી હરિ ઓમ દ્વારા જ્ઞાનનો પ્રારંભ કરે છે. કર્મકાંડી પણ છેલ્‍લે શ્રીકૃષ્‍ણનું નામ લે છે. યોગીઓ અને યોગેશ્વરમાં ભકિતમાર્ગીઓતો મુરલીધર બાલમુકુંદ શ્રીકૃષ્‍ણની પાછળ ગાંડા થયેલા છે. શ્રીકૃષ્‍ણમાં રમણીય થઇને પોતાના જીવન સમર્પણ કર્યા છે.

ગોકુળમાં રાસ રમતા, ગાયો ચરાવતા ગોવાળ કે પછી મામા કંસનો સંહાર કરતા શ્રીકૃષ્‍ણનું વ્‍યકિતત્‍વ મનમોહક અને આકર્ષક રહયુ છે. શ્રીકૃષ્‍ણ એટલે પ્રેમ. એમના જીવનમાં જયાં જુઓ ત્‍યાં માત્ર પ્રેમ જ નજરે પડે છે.માનવી ઉપરાંત ગાયો, પશુ-પક્ષિ અને નદીઓ ઉપર પણ તેમણે અપાર પ્રેમ હતો. તેઓ પ્રેમના સાક્ષાત મૂર્તિ હતાં. શ્રીકૃષ્‍ણ પ્રેમના દેવતા અને અધિષ્‍ઠાતા છે. એમના જેવું પ્રેમમય, નિરૂપાધિક અને દિવ્‍ય જીવન બીજે કયાંય અને કોઇ પણ વ્‍યકિતમાં જોવા નહીં મળે.

મુંજવણમાં આવેલો માનવી શ્રીકૃષ્‍ણના જીવન પ્રત્‍યે નજર કરશે તો તેમનો ઉકેલ મળશે. કઠિનમાં કઠિન કોયડાઓનો ઉકેલ એમના જીવન માંથી મળી જવાનો. બચપણ કેવું હોવું જોઇએ એ એમણે એમના જીવન દ્વારા શીખવ્‍યું. એમણે પોતાના વિદ્યાર્થી જીવન દ્વારા આપણને આદર્શ વિદ્યાર્થી બનવાના પાઠ શીખવ્‍યા છે. ઉત્તમ પ્રકારે ગૃહાસ્‍થાશ્રમ કેમ ચલાવવો એ એમના જીવન દ્વારા શીખવા મળે છે. સમાજની દરેક વ્‍યકિતએ સમાજમાં કેમ રહેવું એ શ્રીકૃષ્‍ણનું જીવન શીખવે છે. અને રાજકારણનું તો પુછવું જ શું ? જીવનના તમામ ક્ષેત્રો માટેનું માર્ગદર્શન એમના જીવન માંથી મળે છે. કેટલાક પ્રાથમિક શિક્ષકો અને કેટલાક માધ્‍યમિક શાળાના શિક્ષકો તો વળી કેટલાક કોલેજના પ્રાધ્‍યાપક હોય છે. પરંતું શ્રીકૃષ્‍ણ તો એ ત્રણેય હતા. તેઓ બધાના અને બધે ઠેકાણે ગુરૂ હતાં. તેથી જ શ્રીકૃષ્‍ણ જગદગુરૂ કહેવાયા. સાચા અર્થમાં તેઓ સમગ્ર માનવજાતના શિક્ષક હતા અને આજે પણ છે.

પ.પૂ.પાંડુરંગ શાસ્‍ત્રીજી કહે છે શ્રીકૃષ્‍ણ જીવન જીવવાનો પાઠ આપનાર અલૌકિક અને લોકોત્‍તર શિક્ષક છે. આપણે સૌ તેના શિષ્‍યો છીએ. તેઓ જગદગુરૂ છે. લોક શિક્ષણ આપવું તે જ તેનું જીવન છે. જીવનમાં સંકટ આવે ત્‍યારે આપણે તેમના જીવન માંથી માર્ગદર્શન મેળવીએ છીએ. તેઓ કોઇ એક કોમના કે એક દેશના શિક્ષક નહોતા. માનવ માત્રના તેઓ સદાય શિક્ષક છે. અને તેથી આજે પણ કૃષ્‍ણં વંદે જગદગુરૂ ગવાય છે.

આજે વિશ્વમાં ઉપદેશ આપનારાઓનો તોટો નથી. પણ શ્રીકૃષ્‍ણના જીવનની વિશિષ્‍ટતા એ હતી કે તેઓ જગત ગુરૂ જગતના ઉપદેશક હોવા ઉપરાંત તેમના જીવનમાં બીજુ પણ કેટલુંક વિશિષ્‍ટ એવું તત્‍વ હતું. જે સામાન્‍ય માનવીઓ પણ નરી આંખે નિહાળી શકે, તે હતી તેમની શકિત સામર્થ્ય અને સંસારના પ્રપંચથી હારેલી, થાકેલી, દુખી થઇ ગયેલી માનવજાતને ગીતાના માધ્‍યમથી આપેલ નવજીવનનો સંદેશો. પ્રશાંત માનવતાના એ રાહબર હતાં અને છે. તેમણે સંબોધેલી ગીતા પીડીત માનવીને દિવ્‍ય સંદેશ આપતી રહી છે.

આપણને કોઇ પુછે કે દુઃખી માનવજાતને જીવનનો આત્‍મિક સંદેશ આપનાર કોઇ ગ્રંથ છે કે ?

તો આપણે તુરંત ગર્વથી કહી શકીએ કે હા અને તે ગ્રંથ એટલે જગદગુરૂ શ્રીકૃષ્‍ણએ ગાયેલી ગીતા. કાયમ પ્રેરણા અને દોરવણી આપતો કોઇ ગ્રંથ હોય તો એ ગીતા છે અને જગતને હંમેશા પ્રફુલીત કરતું કોઇનું જીવન હોય તો તે શ્રીકૃષ્‍ણનું જીવન છે.

કૃષ્‍ણનો જન્‍મોત્‍સવ વર્ષોથી આપણે મનાવીએ છીએ.ભાવપૂર્ણ ઉલ્‍લાસથી મનાવીએ છીએ. અરે મંદિરોમાં એટલી બધી ભીડ હોય છે કે આપણે લાગે ભકિતનું ઘોડાપુર આવ્‍યું છે. લોકો કૃષ્‍ણના જન્‍મના દિવસે ગાંડા થાય છે. પણ અફસોસ સાથે કહેવું પડે છે કે કૃષ્‍ણનો જન્‍મ માત્ર મંદિરમાં જ થાય છે. ખરેખર કૃષ્‍ણનો જન્‍મ આપણા હ્રદયમાં થવો જોઇએ. ભગવાને શ્રીમદભગવદ ગીતામાં કહયુ છે હું દરેકના હ્રદયમાં રહેલો છું. જો ભગવાન આપણા હ્રદયમાં જ હોય તો આપણા વ્‍યવહાર ઉપર અંકુશ આવવો જોઇએ. ભગવાનને ન ગમતી એક પણ કૃત્‍ય હું ન કરૂ તો જ કૃષ્‍ણનો જન્‍મ ઉજવવાનો સાચો હક્કદાર ગણાઉ.

કૃષ્‍ણ ભગવાનના આદર્શ વિચારો માણસ પોતાના જીવનમાં ઉતારે અને કૃષ્‍ણને ગમતું જીવન જીવે ત્‍યારે જ સાચો કૃષ્‍ણજન્‍મ ઉજવ્‍યો ગણાશે. આ સમજણ આવતા જ સમાજના બધા કોયડાઓ ઉકેલાવા માંડશે. કૃષ્‍ણ દરેકના હ્રદયમાં છે જ સમજણથી બીજો બીજો ન રહેતા મારો દૈવી ભાઇ છે. આ સમજણ પાકી થાય. જેને કારણે જુદા જુદા ભેદભાવો દુર થાય. માણસની અંદર આપ મેળે નૈતિકતા, સદાચાર, પ્રામાણિકતા જેવા ગુણો સંક્રાંત થવા લાગે. અરે માણસ સાચા અર્થનો માણસ બને.

જો કૃષ્‍ણના જન્‍મ દિવસે ઉપરોકત સમજણ ન હોય તો આપણે વિચારવું જોઇએ કે ખરેખર આપણે કૃષ્‍ણ જન્‍મના ઉત્‍સવ મનાવવાના અધિકારી ખરા ?